Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો જેતલપુર ખાતે યોજાયો

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના  રાજયકક્ષાના મંત્રીશ્રી આર.સી. મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લાના 3136 લાભાર્થીઓને કુલ 55 કરોડ 75 લાખની સહાય વિતરણ કરવામાં આવી

દિવાળી પર્વ પહેલા રાજ્યના ગરીબ પરિવારો અને લાભાર્થીઓને અનેકવિધ સરકારી યોજનાઓના લાભો વિતરણ કરીને તેમના જીવનમાં આનંદનો ઉજાસ પાથરવાના ઉદ્દેશ સાથે રાજ્યમાં 2 દિવસીય ગરીબ કલ્યાણ મેળાનું  આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના જેતલપુર APMC ખાતે આજે અમદાવાદ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના  રાજયકક્ષાના મંત્રીશ્રી આર.સી. મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

અમદાવાદ જિલ્લાના 3136 લાભાર્થીઓને કુલ 55 કરોડ 75 લાખની સહાયનું આ મેળા દરમિયાન વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી પ્રતીકાત્મક સ્વરૂપે 36 લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સહાયના ચેક તેમજ અન્ય સાધન સામગ્રી અને ઉપકરણો અર્પણ કરવામાં આવ્યા હતા.

સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, શિક્ષણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત વિવિધ સહાયો લાભાર્થીઓને અર્પણ કરવામાં આવી હતી.

‘પંચાયતી રાજની આગેકૂચ’ નામની કોફી ટેબલ બુકનું પણ આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી આર.સી. મકવાણાએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી જ તેમણે ગરીબોને તેમના લાભો સીધા તેમના હાથમાં મળે એ માટેની વ્યવસ્થા ગોઠવવા વિચારણા કરેલી. જેના ભાગરૂપે વચેટિયા વ્યવસ્થાને સંપૂર્ણપણે નાબૂદ કરતા ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવેલી.

ત્યારબાદ તમામ મુખ્યમંત્રી શ્રીઓએ આ કલ્યાણ યાત્રાને સુપેરે આગળ ધપાવી હતી. આજે સેવા અને કલ્યાણયજ્ઞની સંકલ્પના સાકાર કરતો આ 13મો ગરીબ કલ્યાણ મેળો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં યોજાઇ રહ્યો છે જેમાં ગરીબો અને વંચિતોને હાથોહાથ લાભ આપવામાં આવી રહ્યા છે.

મંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લાં વીસ વર્ષથી અનેકવિધ જનકલ્યાણ અને લોકહિતની સેવાઓના સુલભ સંચાલન અને અમલીકરણ થકી ગુજરાતની આ વિકાસયાત્રા અવિરત આગળ વધી રહી છે. આજે આયુષ્માન ભારત યોજનામાં  કૅન્સર, કિડની, લીવર અને હૃદય સહિત અનેકવિધ ગંભીર બીમારીઓમાં 5 લાખ સુધીની સહાય આપવામાં આવે છે,

ગરીબ પરિવારો માટે આ બહુ જ મોટી સહાય છે. અગાઉ આર્થિક સદ્ધરતા ન હોવાથી સ્વજનોને પોતાની સામે કણસતા જોવા પડતા હતા, જે હવે બંધ થયું છે. ડબલ એન્જિન સરકારે આરોગ્ય

આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પશુપાલન, પરિવહન સહિત તમામ ક્ષેત્રે અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ દ્વારા આમૂલ પરિવર્તન આણ્યું છે.

મંત્રી શ્રીએ ઉમેર્યું હતું કે, આજે વિશ્વભરમાં ભારતનું સ્થાન અને માન મોભો વધ્યા છે, જેનો શ્રેય આપણા વિઝનરી વડાપ્રધાનશ્રીને જાય છે. તેમના માર્ગદર્શન હેઠળ આજે ડબલ એન્જિન સરકારમાં લોકહિત અને પ્રજાલક્ષી નિર્ણયો ત્વરિત લેવાય છે.

ગતવર્ષે સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પાકમાં ઘટાડો અને ભાવ ન મળતાં સરકારે તેમની વહારે આવીને ત્વરિત નિર્ણય લઈને માત્ર 15 દિવસોમાં 90 કરોડની સહાય ચૂકવી હતી, જે સરકારની ત્વરિત નિર્ણયશક્તિ અને પારદર્શિતાની સાબિતી આપે છે. સૌની યોજનામાં 125 ડેમો ભરીને દુષ્કાળને ભૂતકાળ બનાવી દીધો છે.

જેના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોની પાણીની સમસ્યા ઉકેલાઈ છે અને તેમના ઘરોમાં ખુશહાલી આવી છે. PM YASASVI પ્રિ-મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત OBC/EBC/DNTના 9.50 લાખ વિદ્યાર્થીઓને  528  કરોડની શિષ્યવૃત્તિ સહાય વિતરણનો બે દિવસ પહેલાં જ શુભારંભ કરવામાં આવ્યો છે.

આ તમામ લોકહિત અંગેના નિર્ણયો અને યોજનાઓ દર્શાવે છે કે આ સરકાર રાજ્યના નાગરિકો માટે સાચા અર્થમાં તેમની પડખે ઊભી છે. આજે ગુજરાતના વિકાસ મોડલની ચર્ચા દેશભરમાં થાય છે. સમાજનો છેવાડાનો માણસ વિકાસનો ધ્વજવાહક બને એ માટે આ સંવેદનશીલ સરકાર સતત પ્રયત્નશીલ છે.

આ પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી અને ધોળકાના ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અગાઉની સરકારોમાં ગરીબો માટેની યોજનાઓ માત્ર કાગળ પર રહેતી હતી, તેનું યોગ્ય અમલીકરણ  થતું નહોતું. નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી બન્યા બાદ ગરીબોને લાભો ડાયરેક્ટ તેમના હાથમાં પહોંચાડવા માટે આ ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવેલી.

સાચા અર્થમાં સમાજમાં જે ગરીબો છે તેમને સહાય આપવા આ સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો, જે આજે પણ ઉમદા ઉદ્દેશ સાથે કાર્યરત છે. વિવિધ ગરીબ વ્યવસાયકારોને વિવિધ ઉપકરણો, કિટ અને સાધન-સામગ્રીની સહાય આપીને સરકારે તેમને પગભર બનાવીને તેમના ઘરોમાં અજવાળું પાથર્યું છે.

આજે અંદાજે 18 જેટલી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ સુચારુ સંચાલન થકી સરકારના વિવિધ વિભાગો ગરીબો સુધી પહોંચાડી રહ્યા છે. સવા કરોડથી વધારે લાભાર્થીઓને અત્યાર સુધીના ગરીબ કલ્યાણ મેળાઓમાં 34,570 કરોડ રૂપિયાના લાભો અને સહાયો ચૂકવાયા છે.

આને જ ખરી પારદર્શિતા અને સંવેદનશીલતા કહેવાય. ગરીબ માણસને પોતાના ઘરસંસાર અને ગુજરાન માટે હાથ લાંબો કરવાની જરૂર ન પડે એ માટે સતત યોજનાઓ લાવતા રહેવું, એ આ પ્રામાણિક અને પારદર્શક સરકારનો મૂળ મંત્ર રહ્યો છે.

આ પ્રસંગે દસક્રોઈના ધારાસભ્ય શ્રી બાબુભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ મેળો ગરીબ કલ્યાણ મેળા કરતાં પણ વધુ ‘વચેટિયા નાબૂદી મેળો’ છે. અગાઉના સમયમાં વંચિતો અને ગરીબોને લાભો વચેટિયાઓ દ્વારા મળતા હતા. દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન કહેતા કે 1 રૂપિયાની સહાય જ્યારે દિલ્હીથી મોકલાતી ત્યારે તેમાંથી 15 પૈસા જ ગરીબો સુધી પહોંચતા.

મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી આ સમસ્યાના કાયમી સમાધાન માટે નિર્ધાર કરેલો અને તેના ભાગરૂપે જ આ ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરવામાં આવેલી. આ સરકાર ખરા અર્થમાં ગરીબો, પીડિતો, દલિતો અને વંચિતોની સરકાર છે, આ જન જનની ભાગીદારીની સરકાર છે.

રાજ્ય સરકારે જે કીધું, જે વચનો આપ્યાં એ બધા જ સુપેરે પાર પાડ્યા છે. રોડ- રસ્તા, શાળા, શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળી સહિત તમામ પાયાની જરૂરિયાતો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. અને એટલે જ અમે જે કર્યું છે એ જ કહીએ છીએ.

આ પ્રસંગે સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, અમદાવાદના ડીડીઓ શ્રી અનિલ ધામેલિયા, સરકારના વિવિધ વિભાગોના પદાધિકારીઓ/અધિકારીઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.