Western Times News

Gujarati News

મેલબર્ન, વિક્ટોરિયા અને ન્યુ સાઉથ વેલ્સની હાલત વરસાદને કારણે અત્યંત ખરાબ

વડાપ્રધાન એન્થની અલ્બનીસે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે દોડી ગયા: હજુ પણ ભારે વરસાદની આગાહીને કારણે લોકોના જીવ અધ્ધર

નવીદિલ્હી,  ઑસ્ટ્રેલિયામાં શુક્રવારે અચાનક આવી પડેલા પૂરને કારણે અનેક ઘર તબાહ થઈ ગયા છે. દરમિયાન ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીસે મેલબર્ન અને વિક્ટોરિયા રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

ઑસ્ટ્રેલિયાના ત્રણ દક્ષિણ-પૂર્વી રાજ્ય ભારે વરસાદ અને ત્યારપછી આવેલા પૂર સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. જ્યારે વિક્ટોરિયામાં કટોકટી જાહેર કરી દેવામાં આવી છે. વિક્ટોરિયા રાજ્ય પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયું છે તો મેલબર્નના અમુક વિસ્તારોને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

વિક્ટોરિયા, સાઉથ ન્યુ વેલ્સ અને તસ્માનિયાના ઉત્તરી ક્ષેત્રોમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે. બીજી બાજુ અત્યારે બચાવ રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી હોય 60થી વધુ રક્ષાદળની ટીમોને ઉતારી દેવામાં આવી છે. વિક્ટોરિયાના સ્ટેટ ઈમરજન્સી સર્વિસના મુખ્ય સંચાલન અધિકારી ટીમ વીબુશે કહ્યું કે રાજ્ય ભારે વરસાદને કારણે પૂરનો સામનો કરી રહ્યું છે.

ઑસ્ટ્રેલિયન સરકારે ત્રણ રાજ્યોમાં ભારે વરસાદ પડવાથી લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ચાલ્યા જવાનો આદેશ આપ્યો છે. અમુક વિસ્તારોમાં 24 કલાક વરસાદ પડવાથી અચાનક જળાશયોનું સ્તર વધવા લાગ્યું છે. મૂશળધાર વરસાદને કારણે અનેક ઘરમાં પાણી ઘૂસી ગયા છે. વરસાદ અને અચાનક આવી પડેલા પૂરને કારણે 20થી વધુ લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રીમિયર ડેનિયલ એન્ડ્રયુઝે જણાવ્યું કે, વિક્ટોરિયા રાજ્યમાં 500 ઘર જળમગ્ન થઈ ચૂક્યા છે જ્યારે 500થી વધુ સંપત્તિ પૂરની ઝપટે ચડી ચૂકી છે. પૂરની ઝપટે હજુ વધુ ઘર પણ આવી શકે છે. ઑસ્ટઽેલિયામાં આવેલું પૂર પાછલા દશકાઓ કરતાં પણ વધુ ભયાનક ગણવામાં આવી રહ્યું છે.

ભારે વરસાદથી આવેલા પૂરને કારણે સ્કૂલોને પણ બંધ કરી દેવામાં આવી છે તો ત્રણ હજાર ઘર તેમજ અન્ય સંસ્થાનોની વીજળી ગૂલ થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે તો સૌથી વધુ મેલબર્નના ઉત્તર-પૂર્વમાં સ્ટ્રેથબોગીમાં પડી રહ્યો છે.

દરમિયાન ન્યુ સાઉથ વેલ્સમાં અંદાજે 600 લોકોને ફોર્બ્સ શહેર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ વિસ્તારમાં પૂર આવવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને કારણે તસ્માનિયામાં પણ પૂર આવ્યું છે. દરમિયાન ઑસ્ટ્રેલિયા હવામાન વિભાગે જણાવ્યું કે આવનારા સપ્તાહોમાં હજુ પણ વધુ વરસાદ વરસી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.