Western Times News

Gujarati News

મેટ્રો ટ્રેનને અમદાવાદીઓએ વધાવીઃ ૧૬ દિવસમાં એક કરોડથી વધુ કમાણી

Metro will finally run in Ahmedabad City from August

વીકએન્ડ-રજામાં ભારે ભીડઃ ૬.૧૮ લાખથી વધુ પેસેન્જર્સે ટ્રેનની મોજ માણી

અમદાવાદ, અમદાવાદીઓને ૨ ઓકટોબર, ગાંધીજયંતીથી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા થલતેજથી વસ્ત્રાલ ગામ વચ્ચેના પૂર્વ-પશ્ચિમ કોરડોર પર મેટ્રો ટ્રેનની ભેટ અપાઈ હતી,

જ્યારે ૬ ઓકટોબરથી ઉત્તર-દક્ષિણ કોરિડોર પર એપીએમસી માર્કેટથી મોટેરા સ્ટેડિયમ વચ્ચે મેટ્રો ટ્રેન દોડતી કરાઈ હતી.

આ મેટ્રો ટ્રેનનો લાભ પેસેન્જર્સને સવારના નવ વાગ્યાથી રાતના આઠ વાગ્ય સુધી મળી રહ્યો છે. અત્યારે દર ૩૦ મિનિટે પેસેન્જર્સને ટ્રેન મળી છે એન શનિવાર-રવિવાર તેમજ જાહેર રજાના દિવસોમાં પીક અવર્સમાં તંત્ર દર ૧૫થી ૨૦ મિનિટના અંતરે ટ્રેન દોડાવે છે.

હવે આમાં સારા સમાચાર એ છે કે શહેરીજનોએ મેટ્રો ટ્રેનને ભારે ઉત્સાહ અને ઉમંગપૂર્વક વધાવી લીધી છે, કેમ કે આ બંને કોરિડોર પર મેટ્રો ટ્રેનનો ધમધમાટ શરૂ થયાના માત્ર ૧૬ દિવસમાં જ મેટ્રો ટ્રેનના સત્તાવાળાઓને રૂય ૧,૦૦,૭૧,૩૫૧ની કમાણી થઈ છે. પેસેન્જર્સના મેટ્રો ટ્રેનને આપેલા ઉમળકાભેર આવકારથી વહીવટી તંત્ર પણ ખુશખુશાલ થયું છે.

૨ ઓકટોબરે થલતેજના વસ્ત્રાલ ગામ વચ્ચેના આશરે ૨૦.૭૩ કિ.મી. લંબાઈના રૂટ પર મેટ્રો ટ્રેન સત્તાવાર રીતે દોડતી થઈ હતી, જાેકે પૂર્વ-પશ્ચિમ કોરિડોર વચ્ચે તા. ૧ ઓકટોબરે પણ ૧૪૯૨ પેસેન્જર્સે મેટ્રો ટ્રેનની સફર કરતાં તંત્રને રૂ. ૧૫,૬૭૫ની આવક થઈ હતી,

જ્યારે તા. ૨ ઓકટોબરે ૪૫,૧૩૩ પેસેન્જર્સથી તંત્રની તિજાેરીમાં રૂ. ૭,૨૩,૮૨૦ ઠલવાયા હતા. તા. પ ઓકટોબરે પણ ૪૭,૦૮૦ પેસેન્જર્સ નોંધાતા રૂ. ૮,૦૨,૫૧૦ની આવક મેળવાઈ હતી.

પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં ગત તા. ૯ ઓકટોબરે સૌથી વધુ ૬૧,૨૩૧ પેસેન્જર્સ નોંધાતા સૌથી વધુ રૂ. ૧૦,૦૪,૨૭૬ આવક થઈ હતી, જ્યારે ગત તા. ૧૬ ઓકટોબરે પણ પેસેન્જર્સનો આંકડો ૫૦ હજારને પાર થઈને ૫૦,૬૧૭ થતાં તંત્રને આવક પેટે રૂ. ૮,૧૬,૧૨૦ મળ્યા હતા.

જ્યારે ઉત્તર-દક્ષિણ કોરિડોર એટલે કે એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ વચ્ચેના રૂટ પર તા. ૬ ઓકટોબરના પહેલા દિવસે ૧૦,૮૫૮ પેસેન્જર્સે મુસાફરી કરતાં તંત્રને આવકથી રૂ. ૧,૫૩,૭૨૦ મળ્યા હતા.

આ રૂટ પર તા. ૯ ઓકટોબરે સૌથી વધુ ૩૧,૨૬૨ પેસેન્જર્સથી સૌથી વધુ રૂ. ૪,૮૯,૮૦પની આવક થઈ હતી, જ્યારે તા. ૧૪ ઓકટોબરે માત્ર ૮૭૫૫ પેસેન્જર્સ નોંધાતાં વહીવટીતંત્રને સૌથી ઓછી રૂ. ૩,૪૯,૦૩૫ની આવક મળી હતી.

આ બંને રૂટ પર તા. ૬ ઓકટોબરે એકસાથે મેટ્રો ટ્રેન દોડતી થઈ હતી અને તે દિવસે કુલ ૩૨,૯૩૮ પેસેન્જર્સ નોંધાતા રૂ. ૫,૫૬,૧૭૫ની આવક મેળવાઈ હતી.

તા ૯ ઓકટોબરે ઈદ મિલાદનો તહેવાર અને રવિવાર હોઈ આ બંને રૂટ પર સૌથી વધુ ૯૨,૪૯૩ પેસેન્જર્સ નોંધાયા હતા અને તંત્રની તિજાેરીમાં એક જ દિવસે સૌથી વધુ રૂ. ૧૪,૯૪,૦૮૧ ઠલવાયા હતા,

જ્યારે ગત તા. ૧૬ ઓકટોબરે પણ રવિવારની રજા હોઈ મોટી સંખ્યામાં પેસેન્જર્સે આ બંને રૂટ પર મુસાફરીની મોજ માણી હતી. તે દિવસે કુલ ૭૨,૫૭૫ પેસેન્જર્સથી કુલ રૂ. ૧૧,૬૧,૪૪૫ની આવક મેળવાઈ હતી.

એકંદરે મેટ્રો ટ્રેનની મુસાફરીને વેપારીઓ મોટી સંખ્યામાં વધાવી લીધી છે, જાેકે નોકરિયાત વર્ગ માટે હજુ ટ્રેનનો સવારનો અને સાંજનો સમય અનુકૂળ ન હોઈ તેઓ એએમટીએસ અને બીઆરટીએસના માધ્યમથી નોકરીના સ્થળે પહોંચી રહ્યા છે.

આગામી શનિવારે ધનતેરસ હોઈ મેટ્રો ટ્રેન તેના રાબેતા મુજબના સમયે દોડશે. દિવાળીના તહેવારોના દિવસે પેસેન્જર્સના ધસારાને જાેઈ ટ્રેનની ફ્રીકવન્સી ઘટાડીને દર પંદર-વીસ મિનિટની થઈ શકે છે, જાેકે હાલની ટ્રેનની સંખ્યા અને તેમાં લગાવાતા ત્રણ કોચ પણ દિવાળીના દિવસોમાં યથાવત રહેશે.

થલતેજથી વસ્ત્રાલ ગામ વચ્ચેના કોરિડોર વધુ લોકપ્રિયઃ પૂર્વ-પશ્ચિમ કોરિડોર એટલે કે થલતેજથી વસ્ત્રાલ ગામ વચ્ચે છેલ્લા ૧૬ દિવસમાં કુલ ૪,૬૫,૩૩૨ પેસેન્જર્સે મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી.

પેસેન્જર્સની આ સંખ્યા ઉત્તર-દક્ષિણ કોરિડોર કરતાં લગભગ અઢી ગણી હોઈ પૂર્વ-પશ્ચિમનો રૂટ વધુ લોકપ્રિય બન્યો હોવાનું કહી શકાશે. આ રૂટથી વહીવટીતંત્રને રૂ. ૭૭,૯૧,૩૧૧ની મબલક આવક થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.