Western Times News

Gujarati News

નવા ૫૦ ધન્વંતરિ આરોગ્ય રથોનું લોકાર્પણ

File

શ્રમિક સહાયક હેલ્પલાઇન, નવા ૫૦ ધન્વંતરિ આરોગ્ય રથોનું લોકાર્પણ અને સંપૂર્ણ તબીબી તપાસ યોજનાનો શુભારંભ

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા તા.૨૧/૧૦/૨૦૨૨ ના રોજ નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ-૧, સરદાર ભવન, ગાંધીનગર ખાતે શ્રમિક સહાયક હેલ્પલાઇન,મંજુર થયેલ નવા ધન્વંતરિ આરોગ્ય રથો પૈકી ૫૦ ધન્વંતરિ આરોગ્ય રથોનું લોકાર્પણ તથા સંપૂર્ણ તબીબી તપાસ યોજનાનો શુભારંભ કરવામાં આવનાર છે.

જેમાં શ્રમિક સહાયક હેલ્પલાઇન – ૧૫૫૩૭૨ મારફત શ્રમિકોને શ્રમ કાયદાઓ સંબંધી ફરિયાદનાં નિવારણ તથા શ્રમિકોના કલ્યાણ વિષયક યોજનાઓની માહિતી દ્વારા જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે તથા બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનોને તેમના ઘરઆંગણે પ્રાથમિક તબીબી સારવાર મળી રહે, ગંભીર રોગ થતા અટકે

અને તેમનું આરોગ્ય જળવાય રહે તે હેતુથી કાર્યરત ધન્વંતરિ આરોગ્ય રથ યોજના હેઠળ નવા ૫૦ રથોનું લોકાર્પણ કરવામાં આવશે. વધુમાં, સંપૂર્ણ તબીબી તપાસ યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો તથા સંગઠિત ક્ષેત્રના શ્રમિકોને સંભવિત બીમારીનું નિદાન થઇ શકે અને તેની સારવાર મેળવી શકે તે હેતુથી વિવિધ પ્રકારની તબીબી તપાસ કરવામાં આવશે.

શ્રમિક સહાયક હેલ્પલાઇન – ૧૫૫૩૭૨ -ગુજરાત રાજ્યના શ્રમિકોને શ્રમ કાયદાની માહિતી મળી રહે તથા તેમના શ્રમ કાયદાને લગતાં પ્રશ્નો જેવાં કે, વેતનના પ્રશ્નો નોકરીમાંથી છુટા કરવા,  બોનસ અંગેના પ્રશ્નો,  ગ્રેજ્યુઈટી અંગેના પ્રશ્નો,
વગેરેનું સત્વરે નિવારણ થઇ શકે

તથા શ્રમિકોને ઝડપી ન્યાય મળી રહે તે હેતુથી શ્રમ આયુક્તની કચેરી, ગુજરાત રાજ્ય દ્વારા GVK-EMRIના સંયુક્ત ઉપક્રમે શ્રમિક સહાયક હેલ્પલાઇન – ૧૫૫૩૭૨ (કોલ સેન્ટર) કાર્યરત કરવામાં આવનાર છે. આ હેલ્પલાઇન મારફત ફરિયાદ નિવારણ ઉપરાંત શ્રમિકોના કલ્યાણ તથા સામાજીક સુરક્ષા માટેની શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના વિવિધ બોર્ડ દ્વારા કાર્યરત યોજનાઓની માહિતી તથા અરજી કરવા માટેનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

ધન્વંતરિ આરોગ્ય રથ-બાંધકામ સાઇટ, શ્રમયોગી વસાહત અને કડીયાનાકા સહિતના સ્થળે બાંધકામ શ્રમિકો તથા તેમના પરિવારજનોને પ્રાથમિક તબીબી સારવાર મળી રહે તે હેતુથી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ડીસેમ્બર-૨૦૧૫માં ધન્વંતરિ આરોગ્ય રથ યોજના અમલમાં મૂકવામાં આવેલ.

આ ધન્વંતરિ આરોગ્ય રથમાં બાંધકામ શ્રમિકોને તાવ, ઝાડા, ઊલટી, ચામડીના રોગો જેવા સામાન્ય રોગો સહિત પ્રાથમિક ઇજાઓમાં સારવાર તથા પેશાબ, લોહી, બ્લડ સુગર, મેલેરિયા જેવી લેબોરેટરી તપાસ કરવામાં આવે છે.
આ સાથે તેમને સ્થળ પર જ નિ:શુલ્ક દવાઓ પણ આપવામાં આવે છે.

હાલમાં આ યોજના હેઠળ રાજ્યના ૩૧ જીલ્લામાં કુલ- ૫૪ ધન્વંતરિ આરોગ્ય રથ કાર્યરત છે.  આ આરોગ્ય રથના માધ્યમથી ૭ વર્ષના સમયગાળામાં રાજ્યના ૪૨ લાખથી વધારે શ્રમયોગીઓને તેઓના ઘરઆંગણે સારવાર આપવામાં આવેલ છે.

રાજ્યના મહત્તમ બાંધકામ શ્રમિકો આ યોજના હેઠળ આવરી શકાય તે માટે વર્ષ ૨૦૨૨-૨૩માં મંજુર થયેલ ૧૦૦ ધન્વંતરિ આરોગ્ય રથ પૈકી નવા ૫૦ ધન્વંતરિ આરોગ્ય રથ કાર્યરત કરવામાં આવનાર છે. તથા સંગઠીત ક્ષેત્રના શ્રમિકો માટે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ૨૪ આરોગ્ય રથ એમ કુલ મળી રાજ્યમાં હવે કુલ ૧૭૮ આરોગ્ય રથ થકી શ્રમિકો તથા તેમના પરિવારજનોને આરોગ્યવિષયક સેવાઓ ઉપલબ્ધ થશે.

સંપૂર્ણ તબીબી તપાસ યોજના- બાંધકામ શ્રમિકો તથા સંગઠિત ક્ષેત્રનાં શ્રમિકોનાં પ્રિવેન્ટીવ ચેક-અપ તથા આરોગ્ય પુન:સ્થાપનના પગલાઓ શરૂ કરવાના આશયથી દરેક શ્રમિકને કોઇ પણ રોગના પ્રારંભિક તબક્કે નિદાન માટે નિયમિત રૂપે ડોક્ટરી, પેથોલોજી,

રેડીઓલોજી તથા કાર્ડીયોલોજી જેવી પ્રાથમિક તબીબી તપાસના હેતુથી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સંપૂર્ણ તબીબી તપાસ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત લોહી, કોલેસ્ટ્રોલ, એક્સ-રે વગેરે જેવી કુલ-૧૭ પ્રકારની તબીબી તપાસ આવરી લેવામાં આવેલ છે. આ યોજના હેઠળ એમ્પેન્લ્ડ થયેલ હોસ્પિટલ કે સંસ્થા દ્વારા સાઇટ/ હોસ્પિટલ પર નિયત કરેલ ટેસ્ટ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.