Western Times News

Gujarati News

ડાંગ જિલ્લાના વનવાસી ખેડૂતોને જંગલ જમીન ખેડાણ હક્કના આદેશપપત્રો વિતરણ કરાયા

આહવા, વઘઇ, અને સુબિર તાલુકાના ૪૯૨ લાભાર્થીઓને વ્યક્તિગત આદેશપત્રો (૨૪૩.૨૯ હે.ક્ષેત્રફળ) એનાયત કરતા આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ

(ડાંગ માહિતી): આહવા રાજ્ય અને કેન્દ્રની ડબલ એન્જીન સરકાર વિશેષ કરીને આદિજાતિના પ્રજાજનો માટે ખૂબ જ સંવેદનશીલ અભિગમ અપનાવી રહી છે, તેમ જણાવતા ડાંગના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલે આહવા, વઘઇ, અને સુબિર તાલુકાના ૪૯૨ લાભાર્થીઓને વ્યક્તિગત આદેશપત્રો (૨૪૩.૨૯ હે.ક્ષેત્રફળ) એનાયત કર્યા હતા.

આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો, તથા ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આહવાના ડાંગ દરબાર હોલ ખાતે, ડાંગ જિલ્લાના વનવાસી ખેડૂતોને જંગલ જમીન ખેડાણ હક્કના આદેશપત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. જેમા અધ્યક્ષ સ્થાનેથી બોલતા મંત્રીશ્રીએ રાજ્ય સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વધુ બે સિલિન્ડરો આપવા સાથે, ભારત સરકારે રેશનકાર્ડ ધારકોને દેશના કોઈ પણ સ્થળેથી તેમના હક્કનુ અનાજ મળી રહે તેવી સવલત આપી હોવાનુ ઉમેર્યું હતુ.

આદિવાસી વિસ્તારમા ડેમ બાબતે પ્રજાજનોને ગુમરાહ કરનારા લોકોની વાતમા નહિ આવવાની અપીલ કરતા મંત્રીશ્રીએ, ડાંગ જેવા ડુંગરાળ પ્રદેશમા ખેતી અને પશુપાલન માટેના પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે મધ્યમ કદના ડેમની હિમાયત કરી હતી. પ્રાસંગિક વક્તવ્ય કરતા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત તથા ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે આદિજાતિ પ્રજાના કલ્યાણ અર્થે રાજ્ય અને કેન્દ્ર સરકારે હાથ ધરેલા પગલાઓ જાણકારી રજૂ કરી, આદિવાસી ક્ષેત્રના સર્વાંગીણ વિકાસ માટે કાર્યરત ડબલ એન્જીન સરકાર ઉપર પ્રજાજનોએ મુકેલા ભરોસાની યશગાથા વર્ણવી હતી.

ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમા આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉત, ભાજપા પ્રમુખ શ્રી દશરથભાઈ પવાર, મહામંત્રીઓ સર્વશ્રી રાજેશભાઈ ગામીત, હરિરામ સાવંત, કલેકટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નિવાસી અધિક કલેકટર શ્રી પી.એ.ગાવિત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વાય.પી.જાેશી સહિતના પ્રશાસનિક અધિકારીઓ, પદાધિકારીઓ, હોદ્દેદારો, લાભાર્થીઓ, મીડિયાકર્મીઓ, અને નગરજનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.