Western Times News

Gujarati News

સુનક સામે પડકાર બ્રિટનની આર્થિક સ્થિતિ સુધારવાનો છે

બ્રિટનમાં લોકો મોંઘવારીથી ત્રસ્ત છે, ભારતીયોનું કહેવું છે કે, ભારત-બ્રિટન વચ્ચે એફટીએ જલ્દી થવો જાેઈએ

લંડન,  બ્રિટન અને ભારત એક ઐતિહાસિક સમયગાળાના સાક્ષી છે. ભારતીય મૂળના ઋષિ સુનકે પ્રથમ વખત બ્રિટનના વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી છે. આશાઓ અને પડકારોની લાંબી યાદી સુનકની સામે છે. બ્રિટનમાં રહેતા ભારતીયોનું માનવું છે કે, સુનક સામે સૌથી મોટો પડકાર બ્રિટનની આર્થિક સ્થિતિ સુધારવાનો છે.

બ્રિટનમાં લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. ભારતીયોનું કહેવું છે કે, ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) પણ જલ્દી થવો જાેઈએ.

યુકેના શહેર બ્રિસ્ટોલમાં રેસ્ટોરન્ટ ચલાવતા સિદ્ધાર્થ શર્મા સુનક સરકારની ઈમિગ્રેશન પોલિસીને સમર્થન આપતા નથી. તેમનું કહેવું છે કે, જૂની ઈમિગ્રેશન પોલિસીના કારણે આજે બ્રિટન આવતા પરિવારો વધુ સારી સ્થિતિમાં છે. ભારતીયો માટે બ્રિટન આવવાનો માર્ગ સરળ બનાવવો જાેઈએ.

પશ્ચિમ લંડનમાં રહેતી એક બ્રિટિશ ભારતીય મૂળની મહિલાએ કહ્યું કે, સુનકના પીએમ બન્યા પછી તે ખાસ અનુભવતી નથી. તે ઈચ્છે છે કે, ઋષિ સુનક તમામ બ્રિટિશ નાગરિકો સાથે સમાન રીતે વર્તે અને તેમના માટે સારું કામ કરે, કારણ કે, જાે સુનક કોઈ ભૂલ કરશે તો યુકેમાં રહેતા ભારતીયોને કોઈ કારણ વગર નિશાન બનાવવામાં આવશે. કેટલાક જાતિવાદી બ્રિટિશ લોકો સુનકના વડા પ્રધાન બનવાથી ખુશ નથી.

શ્વેત જાતિવાદી બ્રિટિશ લોકો સુનક દ્વારા કરવામાં આવેલી કોઈપણ ભૂલની રાહ જાેઈ રહ્યા છે. સુનકે ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જાેન્સનની કેબિનેટમાં નાણાં પ્રધાન તરીકે સેવા આપી હતી. રાજીનામાના રૂપમાં શરૂ થયેલા જાેહ્ન્‌સન સામેના બળવામાં સુનક સૌથી આગળ હતા.

ત્યારબાદ જાેન્સન કેમ્પે સુનકને દેશદ્રોહી કહ્યો. આ પછી થોડો સમય વડાપ્રધાન રહી ચુકેલા લિઝ ટ્રૂસે પણ પીએમ પદની રેસ દરમિયાન સુનકની પૃષ્ઠભૂમિનો મુદ્દો ઉઠાવ્યો હતો. હવે જ્યારે સુનક વડા પ્રધાન બન્યા છે. ત્યારે, જાેન્સન અને ટ્રૂસે સુનક સામે રાજકીય દાવપેચ શરૂ કરી દીધા છે.

જ્યારે સુનકે ઇજિપ્તમાં તાજેતરની સીઓપી-૨૭ મીટિંગમાં જવાનો ઇનકાર કર્યો, ત્યારે જાેન્સન તરત જ બ્રિટિશ પ્રતિનિધિ તરીકે ત્યાં જવા માટે સંમત થયા. ટ્રસ કેમ્પે સુનકના મંત્રી ગેવિન વિલિયમસન સામે મોરચો ખોલવાને કારણે ગેવિને રાજીનામું આપવું પડ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.