Western Times News

Gujarati News

નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા પાટણમાં ફરશે ‘અવસર રથ’

( માહિતી બ્યુરો, પાટણ )
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માં મતદાનની ટકાવારી અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ‘અવસર લોકશાહીનો’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં ગત ચૂંટણીઓમાં પ્રમાણમાં જ્યાં ઓછું મતદાન થયું હતું અથવા ઓછુ મતદાન થવાની સંભાવના હોય તેવા મતદાન મથકોને ધ્યાનમાં લઈને આ વિસ્તારોમાં નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ‘મિશન-૨૦૨૨’ હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં તા.૩ નવેમ્બરથી ૧૭ નવેમ્બર દરમિયાન ‘અવસર રથ’ ફરશે અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. પાટણમાં તા.૧૧.૧૧.૨૦૨૨ના રોજ જિલ્લા કલેક્ટરશ્રી વ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુપ્રિત સીંઘ ગુલાટી દ્વારા અવસર રથને લીલીઝંડી આપીને પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ અવસર રથ ૧૮-પાટણ વિધાનસભાના વિવિધ વિસ્તારોમાં ફર્યો હતો અને લોકોને મતદાન અંગે જાગૃત કર્યા હતા. આ અવસર રથ આજરોજ ૧૯-સિદ્ધપુર વિધાનસભા બેઠક ફર્યો અને લોકોમાં મતદાન જાગૃતિ અંગે સંદેશો ફેલાવ્યો.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં લોકો વધુ ને વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા અવસર રથ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠકો પર ફરીને લોકોમાં મતદાન અંગે જાગૃતતા લાવશે. સિદ્ધપુર વિધાનસભા બેઠક પર આજરોજ અવસર રથ મારફતે લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. અવસર રથ દ્વારા સ્લમ વિસ્તારને વધુ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કારણકે આવા વિસ્તારોમાંથી મતદાન થવાની શક્યતા ઓછી હોય છે. તેથી અહી વસતા લોકો પણ વધુને વધુ મતદાન કરે અને લોકશાહીના અવસરમાં સહભાગી બને તે માટે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આગામી તા.૧૩.૧૧.૨૦૨૨ના રોજ ૧૭-ચાણસ્માની બેઠક પર તથા તા.૧૪.૧૧.૨૦૨૨ના રોજ અવસર રથ પાટણ જિલ્લાની ૧૬-રાધનપુર વિધાનસભા બેઠક ફરશે અને વિવિધ વિસ્તારોમાં જઈને મતદાન જાગૃતિ અંગે લોકોને પ્રેરિત કરશે.
ગુજરાત વિધાનસભા-૨૦૨૨ ચૂંટણી સંદર્ભે અવસર લોકશાહીનો કેમ્પેઈન અંતર્ગત સમાજમના વિવિધ વર્ગના લોકો, સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી વધુ ને વધુ મતદાન થાય તે હેતુસર અવસર રથ દ્વારા સમગ્ર રાજ્યમાં લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં મતદારોની મતદાન પ્રત્યેની નિરસતા દૂર કરીને, વિવિધ રચનાત્મક કાર્યક્રમો દ્વારા મતદાન પ્રત્યેની જાગૃતિ વધારવા માટે અવસર રથ મારફતે વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.