Western Times News

Gujarati News

૧૧ મહિના સુધી સતત સાયકલ યાત્રા કરી મધ્યપ્રદેશથી નિકળેલી મહિલા પહોંચશે દિલ્હી

મહિલા કલ્યાણ અને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપવા આ મહિલાએ આદરી છે 20 હજાર કિલોમીટરની  સાયકલ યાત્રા

કલેકટર – જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાએ યુવતીના સાહસ અને સામાજિક આશયને પ્રોત્સાહિત કર્યો

આલેખન – બી.પી.દેસાઈ

વડોદરા, આશા માલવી શારીરિક શિક્ષણ માં સ્નાતક છે અને રમતવીર છે. મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના નાતારામની આ સુશિક્ષિત યુવતીએ હાલમાં સામાજિક હેતુઓને પ્રોત્સાહિત કરવા ૨૦ હજાર કિલોમીટરની સાયકલ યાત્રા આદરી છે.

આ સાહસિક સફરના ભાગરૂપે આ યુવતી આજે વડોદરા આવી ત્યારે જિલ્લા કલેકટરશ્રી અતુલ ગોર,જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ,જિલ્લા પોલીસ વડા શ્રી રોહન આનંદ સહિત તંત્રાધિકારીઓને મળી હતી.

એણે જણાવ્યું કે મારો આશય મહિલાઓ માટે સુરક્ષા અને આદરને અગ્રતા આપતાં સમાજને પ્રોત્સાહિત કરવાનો છે.હું મારી સાયકલ યાત્રા દ્વારા સમાજને મહિલાઓની સુરક્ષા અને આત્મ નિર્ભરતાનો સંદેશ આપવા માંગુ છું.તેની સાથે મારે વ્યાપક સ્તરે પર્યાવરણ જાગૃતિનો સંચાર પણ કરવો છે.

જિલ્લા કલેકટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના પ્રોત્સાહક અભિગમ માટે એણે હાર્દિક પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

આશાએ તા.૧ લી નવેમ્બરે ભોપાલથી પર્યાવરણ અને મહિલા સન્માન સાયકલ યાત્રા શરૂ કરી હતી. તે ઝાબુઆ, દાહોદ, ગોધરા, બાલાશિનોર, અમદાવાદ, નડિયાદ થઈને આજે વડોદરા આવી હતી. ૧૧ મહિના સુધી સતત સાયકલ યાત્રા કરી નવી દિલ્હીમાં આ સાહસનું તે સમાપન કરવા માંગે છે.

આશા એક નીવડેલી સ્પોર્ટ્સ વુમન છે. રમતના ક્ષેત્રમાં એ નેશનલ પ્લેયર છે અને પર્વતારોહણમાં એની સિદ્ધિઓ ની નોંધ નેશનલ બુક ઓફ રેકોર્ડસમાં લેવાઈ છે.

મહિલા સુરક્ષા અને સલામત પર્યાવરણ માટેની તેની આ નિસ્બત ખરેખર બિરદાવવા યોગ્ય છે. આશા આજે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે પ્રસ્થાન કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.