Western Times News

Gujarati News

ઇરાનમાં અંધાધૂધ ફાયરિંગમાં પાંચ લોકોના મોત, ૧૦ ઇજાગ્રસ્ત

નવી દિલ્હી, બુધવારે રાત્રે ઈરાનના પશ્ચિમી શહેર ઈજિહમાં અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ૫ લોકોના મોત થયાના સમાચાર છે. આ ઘટનામાં ૧૦ લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.

હુમલાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી અને અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. અજાણ્યા હુમલાખોરો બે મોટરસાઈકલ પર સવાર થઈને શહેરના સેન્ટ્રલ માર્કેટમાં પહોંચ્યા હતા. હુમલાખોરોએ પ્રદર્શનકારીઓ અને ત્યાં હાજર સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ૫ લોકોના મોત થયા છે જ્યારે ૧૦ લોકો ઘાયલ થયા છે.

ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ખુઝેસ્તાન પ્રાંતના ગવર્નરે જણાવ્યું કે હુમલામાં એક બાળક અને એક મહિલા સહિત પાંચ લોકોના મોત થયા છે. ઈરાની મીડિયા અનુસાર બુધવારે કેટલાક પ્રદર્શનકારીઓ અહીં એકઠા થયા હતા અને સરકાર વિરોધી નારા લગાવી રહ્યા હતા. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

પોલીસે દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, વિરોધ દરમિયાન હિંસક અથડામણ પણ થઈ હતી, જેને પોલીસ દ્વારા નિયંત્રણમાં લાવવામાં આવી હતી. આ પહેલા ૨૬ ઓક્ટોબરે ઈરાનના શિરાઝ શહેરમાંથી પણ ગોળીબારના સમાચાર સામે આવ્યા હતા. આ ઘટનામાં ૧૫ લોકોના મોત થયા હતા જ્યારે ૪૦ જેટલા લોકો ઘાયલ થયા હતા.

અહીં ૩ હુમલાખોરોએ ભીડ પર ગોળીબાર કર્યો. આ ઘટના શિયા સમુદાયના પવિત્ર સ્થળ શાહ ચેરાગ ખાતે બની હતી. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISISએ લીધી છે.

ઉલ્લેખનીય છે કે હિજાબ વિવાદને લઈને ઈરાનના અલગ-અલગ શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. ૧૩ સપ્ટેમ્બરના રોજ, પોલીસે મહસા અમીન નામની મહિલાની હિજાબ યોગ્ય રીતે ન પહેરવા બદલ ધરપકડ કરી હતી.

ત્રણ દિવસ પછી પોલીસ કસ્ટડીમાં તેનું મૃત્યુ થયું. ત્યારથી સમગ્ર વિશ્વમાં મહસાના સમર્થનમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. ઈરાનમાં છેલ્લા ૨ મહિનામાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘણી અથડામણ થઈ છે, જેમાં ડઝનબંધ લોકો ઘાયલ થયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.