Western Times News

Gujarati News

મેદસ્વીતાનું બહાનું કરીને વીમા કંપનીએ હાથ અદ્ધર કર્યા

અમદાવાદ,  અમદાવાદમાં આવેલી જિલ્લા ગ્રાહક અદાલત દ્વારા એક વીમા કંપનીને આદેશ આપવામાં આવ્યો છે કે તેમણે સ્લીપ એપનિયાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીના ક્લેઈમને સ્વીકારવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે વીમા કંપનીએ પહેલા દર્દીનો ક્લેઈમ નકારી દીધો હતો અને તે માટે કારણ આપ્યુ હતું કે, દર્દીની મેદસ્વીતાની સારવાર કરવામાં આવી હતી અને તે વજન નિયંત્રણમાં લાવવાનો કોઈ પ્રોગ્રામ હતો. વિગતવાર વાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરના સોલા રોડ વિસ્તારમાં આવેલી સતાધાર સોસાયટીમાં રહેતા જિતેન્દ્ર મોદી નામના વીમાધારકે આ ફરિયાદ નોંધાવી હતી.

મે, ૨૦૧૫માં સ્લીપ એપનિયાને કારણે તે બેભાન થઈ ગયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ૧૦ દિવસ સુધી તેમની સારવાર કરવામાં આવી. તેમણે આ સારવાર માટે ૧.૬૦ લાખ રુપિયાની માંગ કરી હતી. જિતેન્દ્ર મોદીએ નેશનલ ઈન્શ્યોરન્સ કં. લિમિટેડ પાસેથી સ્વાસ્થ્ય વીમો ખરીદ્યો હતો.

વીમા કંપનીએ ક્લેઈમ નકારી દેતા વીમા ધારક જિતેન્દ્ર મોદીએ ગ્રાહક તકરાર નિવારણ કમિશન, અમદાવાદ જિલ્લાના દરવાજા ખખડાવ્યા હતા. જિતેન્દ્ર મોદીએ પોતાની રકમ મેળવવા માટે ફરિયાદ કરી હતી. વીમા કંપનીએ પોતાના બચાવમાં દલીલ કરી કે, દર્દીની હોસ્પિટલમાં મેદસ્વીતાની સારવાર કરવામાં આવી હતી.

કંપની મેદસ્વીતાની સારવાર માટે થયેલા ખર્ચ માટે જવાબદાર નથી, માટે ક્લેઈમ ફગાવવામાં આવ્યો છે. બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા પછી કમિશન દ્વારા કહેવામાં આવ્યું કે, ડિસ્ચાર્જ સર્ટિફિકેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, હાયપો વેન્ટિલેશનને કારણે ર્ઝ્ર૨ રિટેન્શન અને બેભાન થઈ જવા જેવી સમસ્યા થઈ હતી. જ્યારે વીમા કંપનીએ મેદસ્વીતાનો ઉલ્લેખ કરીને દાવો ફગાવી દીધો છે.

તેમણે ક્લેઈમનું ખોટું અર્થઘટન કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં વીમા કંપનીએ સાબિત કરવાનુ હતું કે મેદસ્વીતા અને સ્લીપ એપનિયાની સારવાર વચ્ચે સામ્યતા હોય છે, પરંતુ તે સાબિત નહોતા કરી શક્યા. વીમા કંપની સાબિત નહોતી કરી શકી કે બીમારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તે પહેલા પણ હતી કે નહીં. આ સિવાય વજન નિયંત્રણને લગતી પણ સાબિતી આપી શકી નહોતી.

કમિશન દ્વારા વીમા કંપનીને આદેશ આપવામાં આવ્યો કે વર્ષ ૨૦૧૭થી ૧.૬૦ લાખ રુપિયા ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવામાં આવે. આટલુ જ નહીં, વીમા ધારકને આ કારણે પડેલી તકલીફ માટે ૫૦૦૦ રુપિયા વળતર તરીકે પણ આપવામાં આવે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.