Western Times News

Gujarati News

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાના કેસ વધ્યાઃ કમળાના ૨૧૬૭ કેસ

પ્રતિકાત્મક

ડેન્ગ્યુના કુલ ૨૩૩૩ તેમજ ચિકનગુનિયાના ૨૬૩ કેસ નોંધાયા

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનાથી પાણીજન્ય રોગો જેવા કે ઝાડા ઉલટી, ટાઇફોઇડ અને કમળાના કેસો વધ્યા છે. સાથે સાથે જીવલેણ કહી શકાય તેવા ડેન્ગ્યુના કેસો પણ વધ્યા છે. બાળકોને થતાં ઓરીના કેસો પણ ચાલુ મહિનામાં વધારે નોંધાયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે નવેમ્બર મહિનાના ૨૬ દિવસમાં ઝાડા ઉલ્ટીના ૫૨૩, ટાઇફોઇડના ૪૨૬ અને ડેન્ગ્યુના ૩૬૧ જેટલા કેસો નોંધાયા છે. જ્યારે ઓરીના ચાલુ મહિનામાં ૧૬૦ જેટલા કેસ નોંધાયા છે.

જેને લઇ ૧૦૦૦ આંગણવાડીઓમાં ૧૦૦૦૦થી વધુ બાળકોને રસી પણ આપવામાં આવી છે. ગત વર્ષો કરતા ચાલુ વર્ષે પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ચાલુ વર્ષ દરમ્યાન ૨૬ નવેમ્બર સુધીમાં પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટીના ૬૧૯૧, ટાઈફોઈડના ૨૭૧૭ અને કમળાના ૨૧૬૭ તેમજ કોલેરાના ૩૪ કેસ નોંધાયા છે.

એક અઠવાડિયામાં મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. ડેન્ગ્યુના ૩૬૧, મેલેરિયાના ૬૩, ચિકનગુનિયાના ૨૮ અને ઝેરી મેલેરિયા ૨૩ કેસો નોંધાયા છે. ચાલુ વર્ષ દરમ્યાન ડેન્ગ્યુના કુલ ૨૩૩૩ તેમજ ચિકનગુનિયા ના ૨૬૪ કેસ કન્ફર્મ થયા છે.

શહેરમાં ઓરીના કેસોમાં ગત મહિના કરતા ચાલુ મહિનામાં વધારો થયો છે. ચાલુ મહિનામાં ૧૬૦ જેટલા કેસો નોંધાયા છે. શહેરની તમામ આંગણવાડીઓ અને અર્બન હેલ્થ સેન્ટરમાં પાંચ વર્ષથી નીચેના બાળકોને રેગ્યુલર રસી મુકવાની કામગીરી ચાલી રહી છે

કેસો વધતા ઝુંબેશના ભાગ સ્વરૂપે તમામ આંગણવાડીઓમાં નાના બાળકોને રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વિવિધ એનજીઓ અને સંસ્થાઓ મળી અને આ બાબતે જાગૃતિ ફેલાવવાની કામગીરી પણ કરી રહી છે.
શહેરમાં ૧૦૦૦થી વધુ આંગણવાડીઓમાં ૧૦,૦૦૦ જેટલા બાળકોને ઓરીની રસી આપવામાં આવી છે.

નવેમ્બરમાં સિઝનલફલ્યું ના નવા ૧૫ કેસ નોંધાયા છે. આમ, ચાલુ વર્ષે સ્વાઇનફલ્યું ના કુલ કેસ ની સંખ્યા ૧૧૩૪ થઈ છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળોને રોકવા માટેના પ્રયાસ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી નવેમ્બર મહિનામાં ૧૯૧૬ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ૫૩ જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે.

જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.