Western Times News

Gujarati News

અમદાવાદના વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોનો રૂડો આવકાર: ઘેરબેઠા મતદાનની પહેલ 

ચૂંટણીની જાહેરાત થયાના પ્રથમ સપ્તાહમાં ૮૦ થી વધુની વયના ૨૧૪૭ વયોવૃદ્ધ અશક્ત મતદારો અને ૧૦૯ દિવ્યાંગ મતદારોએ ફોર્મ ૧૨-ડી ભર્યું હતું

અમદાવાદના ૨૦૪૪ વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોએ ઘેર બેઠા મતદાન કરીને ચૂંટણી તંત્રનો હૃદય પૂર્વક આભાર માન્યો

વિધાનસભા ચૂંટણી -૨૦૨૨માં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૮૦થી વધુની વયના અશક્ત વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે ઘેર બેઠા મતદાનની સુવિધાનો નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે.

જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં  ૨૧૨૧ જેટલા  વયોવૃદ્ધ અશક્ત અને દિવ્યાંગ મતદાતાઓએ પોસ્ટલ બેલેટ મતદાન માટે કલેક્ટર કચેરીમાં ઓનલાઇન અરજી કરી હતી.

જેમાંથી ૨૫ નવેમ્બરથી શરૂ થયેલ આ પહેલ અંતર્ગત ૨૮ નવેમ્બરની સ્થિતિએ જિલ્લાના ૨૦૪૪ વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓએ ગોપનીયતા અને પારદર્શિતા જાળવીને સફળતાપૂર્ણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને  મતદાન કર્યું હતું.

અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ- કર્મચારીઓ અશક્ત વડીલો અને દિવ્યાંગોના ઘેર ઘેર જઈને તેમનું મતદાન મેળવી રહ્યા છે. ફોર્મ ૧૨-ડી જેમણે ભર્યું હતું એવા ૮૦ થી વધુ વયના અશક્ત વડીલો અને મતદાન માટે બૂથ સુધી જઈ શકવા અસમર્થ હોય એવા દિવ્યાંગજનોના મતદાનની કામગીરી સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવી છે.

ઇલેક્શન કમિશન દ્વારા વિધાનસભાની આ ચૂંટણીઓમાં ૮૦ વર્ષથી વધુ વયના અશક્ત વડીલો, દિવ્યાંગો અને કોરોનાગ્રસ્તો માટે તેમના નિવાસ્થાને જઈને મત મેળવવાનો નવતર અભિગમ અપનાવાયો છે. ચૂંટણીની જાહેરાત થયાના પ્રથમ સપ્તાહમાં ૮૦ થી વધુની વયના ૨૧૪૭ વયોવૃદ્ધ અશક્ત મતદારો અને ૧૦૯ દિવ્યાંગ મતદારોએ ફોર્મ ૧૨-ડી ભર્યું હતું.. જેમણે ફોર્મ ૧૨-ડી ભર્યા હતા એવા વડીલો, દિવ્યાંગોએ ઘેર બેઠા મતદાન કર્યું.

જિલ્લા ચૂંટણી તંત્રની આખી ટીમ પોતાની સાથે પોસ્ટલ બેલેટ માટેની તમામ વ્યવસ્થાઓ સાથે આવા મતદારોના નિવાસ્થાને પહોંચી હતી..તેમની સાથે રાજકીય પક્ષોના ઉમેદવારો કે તેમણે નિયુક્ત કરેલા પ્રતિનિધિઓ પણ હોય છે.

પોલીસકર્મી અને વિડીયોગ્રાફીની ચોકસાઈ સાથે ઘરમાં રીતસર મત કુટીર ઊભી કરવામાં આવી, અને પછી વડીલ કે દિવ્યાંગ વ્યક્તિ ઘેર બેઠા મતદાન કર્યું હતું. સમગ્ર પ્રક્રિયામાં મતદાન મથક જેવી જ ગુપ્તતા જાળવવામાં આવી હતી. (નોંધ:- આંકડાકીય વિગત ૨૮ નવેમ્બરની સ્થિતિએ) -અમિત સિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.