Western Times News

Gujarati News

26,409 મતદાન મથકો પૈકી 41 મથકોમાં બેલેટ યુનિટ રિપ્લેસ કરવા પડ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં આજે 14 જિલ્લામાં 93 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. 37,395 બેલેટ યુનિટ, 36,016 કંટ્રોલ યુનિટ અને 39,899 વીવીપેટ સાથેના ઈવીએમ મશીન્સ દ્વારા મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે.

આજે સવારે 8:00 વાગ્યાથી મતદાન શરૂ થયું ત્યારથી 11:00  વાગ્યા સુધીમાં 26,409 મતદાન મથકો પૈકી માત્ર 41 મતદાન મથકોમાં બેલેટ યુનિટ રિપ્લેસ કરવા પડ્યા છે, જેની ટકાવારી 0.1 ટકા છે. જ્યારે 40 કંટ્રોલ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે, જેની ટકાવારી પણ 0.1 છે. 26,409 મતદાન મથકો પૈકી માત્ર 109 જગ્યાએ વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે, જેની ટકાવારી 0.4 છે.

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડગામડા ગામમાં વહેલી સવારથી ભારે મતદાન થઈ રહ્યું છે. લોકો ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ગામની શાળામાં આવેલા મતદાન મથક પર આવી રહ્યા છે. વડગામડા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ વાડીયા ગામના નાગરિકો પણ પોતાના મતઅધિકારનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

રાજમાતા શ્રી શુભાંગીનીરાજે ગાયકવાડ દ્વારા વડોદરા ખાતે મતદાન કરીને પોતાની ફરજ અદા કરી.

છોટાઉદેપુર મોડેલ એશ્રા પટેલે મતાધિકારનો કર્યો ઉપયોગ, કાવિઠા પ્રાથમિક શાળામાં પોતાનો મત આપ્યો. મુંબઈની મોડેલ અને કાવિઠાની વતની એશ્રા પટેલે મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનું સમર્થન આપ્યું.

બનાસકાંઠા- પ્રથમ મતદાનનો ઉત્સાહ: 18 વર્ષીય નયનાબેન મુંબઈથી બાદરગઢ મતદાન કરવા આવ્યા

આ વખતે યુવાઓમાં મતદાનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવા નોંધાયેલા મતદારો પોતાના પ્રથમ મતાધિકારનો રોમાંચ અનુભવવા ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે  મુંબઈ રહેતી 18 વર્ષીય નયનાબેન પોતાના વતન વડગામ તાલુકાના બાદરગઢ ગામે ખાસ પોતાનું પ્રથમ મતદાન કરવા આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેઓ મતદાન કરી ખૂબ ઉત્સાહિત છે અને તેઓએ તમામ યુવા મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.