Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કેનાલમાં ગાબડું પડતા આસપાસનાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં

પ્રતિકાત્મક

માટીની કેનાલ હોવાથી તેમજ પાણી ઓવરફલો થવાથી ગાબડુ પડ્યુ હોવાની પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું હતું

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામની સીમમાંથી પસાર થતી પેટા કેનાલમાં ગાબડું પડ્યું હતું. જેથી આસપાસનાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા.

ખેડૂતોના ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેના કારણે રોષ ફેલાયો છે. તો નબળા કામ કરનારા સામે કડક કાર્યવાહી કરવા તેમજ પાકને થયેલુ નુકસાન તાત્કાલિક ચુકવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

દરેક ગામના ખેડૂતોને ખેતર સુધી પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા પેટા કેનાલો બનાવવામાં આવી છે. જાેકે, અનેક જગ્યાએ કેનાલોમાં ગાબડાં પડતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળે છે.  જેથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે.
લખતર તાલુકાનાં વિઠ્ઠલગઢ ગામની સીમમાં વિઠ્ઠલગઢ અને કલ્યાણપરા વચ્ચે ઢેબડીયા ચારી વિસ્તારમાંથી પસાર થતી પેટા કેનાલમાં મસમોટું ગાબડુ પડ્યું હતું.

જેના કારણે આ વિસ્તારના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. આ ગાબડાને કારણે સેંકડો વીઘા જમીનમાં વાવેતર કરેલા ઘઉં અને એરંડા જેવા ઉભા પાકમાં પાણી ભરાઈ ગયા હતા.જેના કારણે ભારે નુકસાની થઇ હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

સાથોસાથ જવાબદારો સામે તાત્કાલિક પગલાં લઇ ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી હતી. માટીની કેનાલ હોવાથી તેમજ પાણી ઓવરફલો થવાથી ગાબડુ પડ્યુ હોવાની પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers