Western Times News

Gujarati News

PM કેર્સ ફંડને ૧૩,૦૦૦ કરોડ રૂપિયા મળ્યા, કોરાના માટે ૬૦ ટકા ખર્ચાયા

નવીદિલ્હી, કોરોના મહામારીના સમયે ઉભી થયેલી આફતને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્રારા PM-CARES ફંડની શરૂઆત કરવામાં આવી હતી. આ ફંડમાં માર્ચ ૨૦૨૨ સુધીમાં કુલ ૧૩,૦૦૦ કરોડ જેટલી રકમ જમા થઇ હતી અને કોરોના મહામારી માટે લગભગ ૬૦ ટકા જેટલી રકમનો ખર્ચ કરી દેવામાં આવી છે.

PM-CARES ફંડને આ વર્ષના માર્ચના અંત સુધીમાં રૂ. ૧૩,૦૦૦ કરોડથી વધુની રકમ મળી હતી અને તે તારીખ સુધીમાં લગભગ રૂ. ૫,૪૦૦ કરોડ બાકી હતા, બાકીની રકમ કોવિડ સામેની લડાઈમાં વિવિધ પગલાં પાછળ ખર્ચવામાં આવી છે.

કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી, સરકારે તેમાંથી ઊભી થતી કોઈપણ પ્રકારની કટોકટી અથવા તકલીફની પરિસ્થિતિનો સામનો કરવા માટે પીએમ કેર્સ ફંડની સ્થાપના કરી હતી.

એક અહેવાલ મુજબ માર્ચ ૨૦૨૦ માં ફંડની શરૂઆત થઈ ત્યારથી બે વર્ષમાં રૂ. ૧૩,૦૦૦ કરોડથી વધુ રકમ એકત્રિત કરવામાં આવી છે. PM-CARES ફંડના તાજેતરના નિવેદન મુજબ, આ રકમમાંથી લગભગ ૬૦ ટકા રકમ એટલે કે આશરે રૂ. ૭,૭૦૦ કરોડ રૂપિયા આ વર્ષે માર્ચ સુધીમાં મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા, સરકારી હોસ્પિટલોમાં વેન્ટિલેટર પૂરા પાડવા અને અસ્થાયી હોસ્પિટલો સ્થાપવા જેવી વિવિધ વસ્તુઓ પર ખર્ચવામાં આવ્યા છે.

પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં ૨૦૨૧-૨૨માં પ્રાપ્ત થયેલા યોગદાનમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો હતો. જ્યારે PM-CARES ફંડને ૨૦૨૦-૨૧માં દેશમાંથી રૂ. ૭,૧૮૩ કરોડ અને વિદેશમાંથી રૂ. ૪૯૫ કરોડ મળ્યા હતા, ત્યારે ૨૦૨૧-૨૦૨૨ના નાણાકીય વર્ષમાં ફંડને દેશમાંથી રૂ. ૧,૮૯૭ કરોડ અને વિદેશમાંથી માત્ર રૂ. ૪૧ કરોડ મળ્યા હતા.

માર્ચ ૨૦૨૦ માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની વ્યક્તિગત કમાણીમાંથી PM-CARES ફંડમાં ૨.૨૫ લાખ રૂપિયાની પ્રારંભિક રકમનું યોગદાન આપ્યું હતું. વર્ષ ૨૦૨૦-૨૧માં કોરાના મહામારીનો પીક ચાલતો હતો. PM-CARES ફંડે કોર્પસમાં રહેલી રકમમાંથી વ્યાજની આવક તરીકે ગયા નાણાકીય વર્ષમાં રૂ. ૧૬૦ કરોડની કમાણી કરી છે.

૨૦૨૦-૨૧માં પણ PM-CARES ફંડમાં વ્યાજની આવક ૨૩૫ કરોડ રૂપિયા હતી. ગયા માર્ચ સુધી પીએમ-કેર્સ ફંડમાં આવતા રૂ. ૧૩,૦૫૪ કરોડમાંથી રૂ. ૩૯૫ કરોડ વ્યાજની આવકના ખાતામાંથી આવ્યા હતા.

સરકારી હોસ્પિટલોને ૫૦,૦૦૦ ‘મેડ ઈન ઈન્ડિયા’ વેન્ટિલેટર પૂરા પાડવા માટે છેલ્લા નાણાકીય વર્ષમાં કુલ રૂ. ૮૩૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે વધારાના પ્રેશર સ્વિંગ એબ્સોર્પ્શન મેડિકલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્‌સ સ્થાપવા માટે રૂ. ૧૭૦૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

ઓડિટ સ્ટેટમેન્ટ દર્શાવે છે કે ૯૯,૯૮૬ ઓક્સિજન કોન્સેન્ટ્રેટરની ખરીદી પર લગભગ ૫૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે ૧.૫ લાખ SpO2 આધારિત ઓક્સિજન કંટ્રોલ સિસ્ટમની ખરીદી પર રૂ. ૩૨૨ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ફંડમાંથી એક હજાર કરોડ રૂપિયા પ્રવાસી મજૂરો પર ખર્ચવામાં આવ્યા હતા, જ્યારે ૧,૩૯૨ કરોડ રૂપિયા વેક્સીન બનાવવા માટે આપવામાં આવ્યા હતા.

તાજેતરમાં, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ કે.ટી. થોમસ, લોકસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર કારિયા મુંડા અને ટાટા સન્સના ચેરમેન રતન ટાટાને PM કેર્સ ફંડના નવા રચાયેલા ટ્રસ્ટી મંડળના સભ્યો તરીકે સામેલ કરવામાં આવ્યા છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.