Western Times News

Gujarati News

મર્દ કો ભી બહોત દર્દ હોતા હૈં…!

Files Photo

છેલ્લા કેટલાક સમયથી પુરુષોની આત્મહત્યાના કિસ્સા ઘણા વધી રહ્યા છે. બહારથી ખૂબ મજબૂત લાગતો પુરુષ ક્યારે અંદરથી તૂટવા લાગે છે તેની જાણ તેની સાથે રહેતા લોકોને પણ નથી હોતી

સામાન્ય રીતે એક એવી માન્યતા છે કે પુરુષો મોટાભાગે મહિલાઓની સરખામણીમાં ઘણા મજબૂત અને અસંવેદનશીલ હોય છે, જાેકે તાજેતરમાં જારી થયેલા કેટલાક રિપોટર્સની વાત માનીએ તો પુરુષોની સહનશક્તિ મહિલાઓ કરતાં ઘણી ઓછી હોય છે. તેઓ જિંદગીના પડકારો સામે બહુ આસાનીથી હથિયાર હેઠાં મૂકી દેતા હોય છે. આથી જ છેલ્લા કેટલાક સમયથી પુરુષોની આત્મહત્યાના કિસ્સા ઘણા વધી રહ્યા છે. બહારથી ખૂબ મજબુત લાગતો પુરુષો ક્યારે અંદરથી તૂટવા લાગે છે તેની જાણ તેની સાથે રહેતા લોકોને પણ નથી હોતી અને આથી જ આવી ઘટનાઓમાં આજકાલ ઉછાળો જાેવા મળે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ડબલ્યુએચઓના જણાવ્યા અનુસાર દુનિયાભરમાં દર વર્ષે સાત લાખથી વધુ લોકો કોઈને કોઈ કારણે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લે છે. આનો સીધો મતલબ એ થયો કે જેટલા લોકો મેલેરિયા, બ્રેસ્ટ કેન્સર, એચઆઈવી સંક્રમણથી મોતને નથી ભેટતા તેનાથી પણ ક્યાંય વધારે લોકો જિંદગી સાથેનો જંગ હારીને આત્મહત્યા કરે છે. ડબલ્યુએચઓનું કહેવું છે કે ૧પથી ર૯ વર્ષની વયજૂથના લોકોમાં ખાસ તો ટીનેજર્સ અને યુવાનોમાં મોતનું ચોથું સૌથી મોટું અને મુખ્ય કારણ આત્મહત્યા જ છે.

આટલું જ નહીં, મહિલાઓની સરખામણીએ પુરુષો વધુ પ્રમાણમાં આત્મહત્યા કરે છે. ડબલ્યુએચઓના એક રિપોર્ટ અનુસાર દુનિયામાં દર એક લાખ પુરુષોમાંથી ૧ર.૬ ટકા લોકો આત્મહત્યા કરીને પોતાનો જીવ આપી દે છે, જયારે દર એક લાખ મહિલાઓમાં આ દર પ.૪ ટકા છે. દુનિયાના અન્ય દેશોની જેમ જ ભારતમાં પણ મહિલાઓની સરખામણીએ પુરુષો વધુ આત્મહત્યા કરે છે. નેશનલ ક્રાઈમ રેકોડર્સ બ્યુરોના સત્તાવાર આંકડા દર્શાવે છે કે વર્ષ ર૦ર૧માં દેશમાં ૧,૬૪,૦૩૩ લોકોએ આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું હતું.

જેમાંથી ૧,૧૮,૯૭૯ એટલે કે ૭૩ ટકા પુરુષો અને ૪પ,૦ર૬ મહિલાઓ હતી એટલે કે દર સાડા ચાર મિનિટે એક પુરુષે આત્મહત્યા કરી લીધી હતી. ર૧ વર્ષના આંકડા દર્શાવે છે કે ભારતમાં આત્મહત્યા કરનારા દર ૧૦માંથી છ કે સાત પુરુષ હોય છે. ર૦૦૧થી ર૦ર૧ દરમિયાન દર વર્ષે આત્મહત્યા કરનારી મહિલાઓની સંખ્યા ૪૦થી ૪૮ હજાર વચ્ચે રહી હતી. જયારે આ સમયગાળા દરમિયાન આત્મહત્યા કરનારા પુરુષોની સંખ્યા ૬૬ હજારથી વધીને એક લાખને પાર થઈ ગઈ હતી.

NCRB વર્ષ ર૦ર૧નો રિપોર્ટ કહે છે કે ૩૦થી ૪પ વર્ષની ઉંમરના લોકો વધુ પ્રમાણમાં આત્મહત્યા કરે છે. ત્યારબાદ ૧૮થી ૩૦ વયજૂથ અને છેલ્લે ૪પથી ૬૦ વર્ષની ઉંમરના લોકોમાં આત્મહત્યાના કિસ્સા વધારે જાેવા મળે છે. ગયા વર્ષે ૩૦થી ૪પ વર્ષની ઉંમરના પર,૦પ૪ લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાંથી ૭૮ ટકા પુરુષો હતા. આ જ રીતે ૧૮થી ૩૦ વર્ષની ઉંમરના પ૬,પ૪૩ લોકોએ સ્યુસાઈડ કર્યું હતું. જેમાંથી ૬૭ ટકા પુરુષો હતા તો ૪પ થી ૬૦ વર્ષના આત્મહત્યા કરનારા ૩૦,૧૬૩ લોકોમાંથી ૮૧ ટકાથી પણ વધુ પુરુષો હતા.
આ રિપોર્ટ એ પણ જણાવે છે કે આત્મહત્યા કરનારા મોટાભાગના લોકો પરણેલા હોય છે. ગયા વર્ષે ૧,૦૯,૭૪૯ પરણેલા લોકોએ આત્મહત્યા કરી મોતને વહાલું કર્યું હતું તેમાંથી અંદાજે ૭૪ટકા પુરુષો હતા.

દરેક વ્યક્તિમાં આત્મહત્યા કરવા પાછળના અલગ અલગ કારણ હોય છે. નિષ્ણાતો માને છે કે ડિપ્રેશન, તણાવના કારણે આત્મહત્યાના કેસમાં ઉછાળો આવ્યો છે. કેટલીક વખત ગંભીર બીમારીથી કંટાળીને પણ વ્યક્તિ આત્મહત્યાનો રસ્તો પસંદ કરે છે. આ ઉપરાંત જયારે વ્યક્તિને પોતાની મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ દેખાતો નથી ત્યારે તે જીવનનો અંત આણવાનો કપરો નિર્ણય કરતી હોય છે.

NCRB રિપોર્ટ અનુસાર ફેમિલી પ્રોબ્લેમ અને બીમારીથી તંગ આવીને લોકો સૌથી વધુ આત્મહત્યા કરે છે. ગયા વર્ષે ૩૩ ટકા આત્મહત્યા પાછળ પારિવારિક સમસ્યાઓ અને ૧૯ ટકા માટે બીમારીના કારણો જવાબદાર હતાં. આત્મહત્યા હકીકતમાં એક ખૂબ ગંભીર મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. ચોતરફથી ઘેરાયેલો માણસ જયારે તેના હ્ય્દયની વ્યથા તેની નજીકના લોકોને પણ જણાવી શકતો નથી ત્યારે સ્થિતિ વધુ ખરાબ બની જાય છે.

પુરુષને હંમેશા મજબુત અને દરેક સમસ્યા સામે લડી જ લેશે તેવો માનવાના બદલે કયારેક નબળો સ્વીકારીને જાે તેની સમસ્યા જાણવાની કોશિશ કરવામાં આવે તો કદાચ આત્મહત્યાના આ સતત વધતા જતા બનાવોમાં થોડો ઘટાડો કરી શકાય. ઘણી વખત વ્યક્તિને પ્રેમ, લાગણી અને હુંફ પણ જિંદગી તરફ પાછી વાળી શકતો હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.