Western Times News

Gujarati News

“ભગવાન અને સંતને મન કોઈ ભેદ હોતા નથી”……મહંતસ્વામી મહારાજ

“સ્વદુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે” એવું પ્રમુખસ્વામી મહારાજનું જીવન હતું.

૨૦૦૧ માં ભુજમાં ભૂકંપ આવ્યા પછી તાત્કાલિક ધોરણે ૪૦૯ ગામો અને ૧૦૭ જેટલા શહેરી વિસ્તારોમાં પ્રમુખસ્વામી મહારાજની કરુણા ગંગા વહેતી થઈ ગઈ હતી તે આવનારી સદીઓ સુધી સમાજ નહિ ભૂલે અને લોકોએ સ્વીકાર્યું હતું કે ,”પ્રમુખસ્વામી મહારાજ ના હોત તો અમે ઊભા ના થઈ શક્યા હોત.

શુક્લપક્ષના ચંદ્રની જેમ આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં હરિભક્તોનો પ્રવાહ વધતો જાય છે તેની પાછળનું કારણ પ્રમુખસ્વામી મહારાજની સમરસતા છે કારણકે તેમને હંમેશા નાત-જાતના ભેદભાવ વગર પરોપકારના કાર્યો કર્યા છે.

પ્રમુખસ્વામી મહારાજે દરેકને તેમની જાતિ અને જ્ઞાતિથી ઓળખતા નહોતા પરંતુ માણસ તરીકે જ ઓળખતા હતા અને ઝાંઝરકાનાં સવૈયાનાથ આશ્રમમાં પધરામણી કરીને આ વાતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને ત્યાંના મહંત બળદેવદાસજી મહારાજે પણ સ્વીકાર્યું હતું.”

ડોક્ટર વિજય પાટીલ, ડી.વાય પાટિલ યુનિવર્સિટી

“આજે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે આજે આ મહાનુભાવો વચ્ચે મને બેસવાની તક મળી છે આ પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈને મને એ મનાય છે કે દિવ્ય શક્તિ વગર આ શક્ય નથી અને આ નગરને હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી કારણકે આ દિવ્ય અજાયબી સમાન નગર છે.

આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં મને દિવ્યતા જ જોવા મળે છે અને આ સંસ્થાએ નિર્માણ કરેલા મંદિરો એ વિશ્વભરમાં ભારતની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.”

સમવેગભાઈ લાલભાઈ – એક્સિકયુટીવ ડિરેક્ટર, અતુલ લિમિટેડ

“પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવમાં હાજર રહીને મારું મન નાચી રહ્યું છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ભારતના સંસ્કારો, નીતિમત્તા, મૂલ્યો વગેરેનું દર્શન થાય છે. પ્રમુખસ્વામી મહારાજ એટલે સમરસતા અને કરુણાની પાવનકારી ગંગા અને એ ગંગાની લહેરોનો લહાવો મને ૫ વખત માણવા મળ્યો છે.

તેમના વાવેલા સંસ્કાર અને સંસ્કૃતિનાં બીજ આજે વિશાળ વૃક્ષ બનીને સમગ્ર વિશ્વમાં સમરસતા ફેલાવી રહ્યા છે. આ સમાજમાં હિતકારી તો ઘણા હોય પરંતુ પ્રમુખસ્વામી મહારાજ સદાય પરમ હિતકારી સંત હતા.

મારા અહોભાગ્ય છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો પ્રેમ અને આશીર્વાદ મને મળતા રહે છે.”

મિલિન્દ કાંબલે, સ્થાપક પ્રમુખ, દલિત ઇંડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી 

“આજે મે અહીં આવીને પ્રથમ વખત પ્રમુખસ્વામી મહારાજે કરેલા સમરસતાના કાર્યો વિશે જાણ્યું અને એમને દર્શાવેલા પથ પર ચાલીશું તો સમાજમાં સમરસતાનું વાતાવરણ જરૂર રચાશે. સંતો મહંતો સમાજને એક રાખવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છે.”

પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ – પુષ્ટિમાર્ગીય વૈષ્ણવાચાર્ય

“પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ સમગ્ર ભારત વર્ષ તેમજ વિશ્વભરના તમામ અનુયાયીઓ માટે ગૌરવ, આનંદ અને પ્રસન્નતાનો મહોત્સવ છે. મે ઘણા લોકોના સંદેશો વાચ્યા અને સાંભળ્યા છે પરંતુ પ્રમુખસ્વામી મહારાજ નું જીવન જ તેમનો સંદેશ હતો અને તેઓ જે બોલ્યા છે તેવું જ જીવન જીવ્યા છે. વિશ્વમાંથી ભેદભાવની ભાવના દૂર કરવા માટે પ્રમુખસ્વામી મહારાજનો જન્મ થયો હતો.

પ્રમુખ શબ્દમાં જ પ્રથમ અક્ષર પ્રેમ છે, બીજો અક્ષર મુક્તિ છે, ત્રીજો અક્ષર ખુમારી છે એવા ભવ્ય અને વિશાળ પ્રમુખસ્વામી મહારાજ હતા.

વડોદરામાં સુરસાગર તળાવમાં ભગવાન શિવજીની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે કહેલા શબ્દો મને હજુ યાદ છે, તેમને કહ્યું હતું મને કે,”તમારા જેવા યુવાનો ધર્મ સંસ્કારના કાર્યમાં જોડાશે તો આ દેશમાં સુવર્ણયુગ ફરીથી પાછો આવશે તેવું હું દૃઢપણે માનું છું.”

શંભુપ્રસાદજી મહારાજ ટુંડીયાજી, મહંત, સંત શ્રી સવૈયાનાથ સમાધિ સ્થાન

“આજે મને ખૂબ જ આનંદ એટલા માટે થાય છે કે આજે  સમરસતાનો કાર્યક્રમ  પ્રમુખસ્વામી મહારાજ નગરમાં યોજાઈ રહ્યો છે. પ્રમુખસ્વામી મહારાજે ઝાંઝરકા આવીને અમારો આશ્રમ પાવન કર્યો હતો તેના માટે હું પ્રમુખસ્વામી મહારાજનો આભારી છું.”

બળવંતસિંહજી રાજપૂત – કેબિનેટ મિનિસ્ટર – ગુજરાત

“આજે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને આ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવાની તક મળી. પ્રમુખસ્વામી મહારાજે એટલે શાંત, સરળ અને દિવ્ય આધ્યાત્મિક વ્યક્તિત્વ.

માનવજીવન માટે પોતાનું સમગ્ર જીવન ખપાવી દેનાર પ્રમુખસ્વામી મહારાજનું ઋણ ચૂકવવાનો આ ઉત્તમ અવસર છે અને તેમનું દિવ્ય સાનિધ્ય મને ૩ વાર પ્રાપ્ત થયું છે.

સિદ્ધપુરમાં બિંદુ સરોવર આગળ મને  પ્રમુખસ્વામી મહારાજે મને ધબ્બો આપીને આશીર્વાદ આપેલા એ મને આજે પણ યાદ આવે છે અને તેમની દિવ્યતા મને આજે પણ અનુભવાય છે.”

શ્રી મોહન ભાગવત  – સર સંઘચાલક – આર એસ એસ

“સમરસતા દિવસ પર મને અહીં હાજર રહેવા મળ્યું એ મારું પરમ સૌભાગ્ય છે. અદ્ભુત, અલૌકિક અને અવિસ્મરણીય આ ત્રણ શબ્દો આ નગરને વર્ણવે છે અને પ્રમુખસ્વામી મહારાજનાં કાર્યો અને સંદેશો સરળતાથી સમજાવામાં આવ્યા છે.

પ્રમુખસ્વામી મહારાજે ખુદ ઉચ્ચ જીવન જીવીને બતાવ્યું છે અને આપણને પણ એવું જીવન જીવવાની પ્રેરણા આપી છે. પ્રમુખસ્વામી મહારાજના દર્શાવેલા પથ પર આપને ચાલીશું તો સમાજમાં સમરસતાનું દિવ્ય વાતાવરણ સર્જાશે કારણકે તેમને નાત જાતના ભેદભાવ વગર દરેક મનુષ્યને બોલ્યા વગર પ્રેમ આપ્યો છે.

પ્રમુખસ્વામી મહારાજની આંખોમાંથી પોતાનાપણું જોવા મળતું હતું  અને મને એમને ૪-૫ વખત મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને આજે તેમની મૂર્તિમાંથી આજે પણ પોતાનાપણું જોવા મળે છે અને એક નજરથી માણસના તમામ દોષો દૂર કરી નાખે એવી તેમની દૃષ્ટિ હતી. “પ્રમુખસ્વામી મહારાજ મારા છે” એવું દરેક માણસ ને લાગતું હતું કારણકે તેઓ દરેક માણસમાં ભગવાન જોઈને તેમને પ્રેમ આપતા હતા.

પ્રમુખસ્વામી મહારાજ દરેક પરિસ્થિતિમાં અચળ અને શાંત રહેતા હતા.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન કરનાર તમામને હું અભિનંદન આપું છું કારણકે પ્રમુખસ્વામી મહારાજની જીવન ભાવના, જીવનકાર્ય અને સંદેશો એકદમ સરળ ભાષામાં અહી દર્શાવવામાં આવ્યા છે.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો સાચો અર્થ આપણે પ્રમુખસ્વામી મહારાજે શીખવેલા આદર્શ મૂલ્યો જીવનમાં ઉતારીએ અને તેમને દર્શાવેલા પથ પર જીવન જીવવાની શરૂઆત કરીએ તે છે. પ્રમુખસ્વામી મહારાજ “નિષ્કામ કર્મયોગી” હતા એટલે જ તેમની બધી કામના પૂરી થતી હતી.

પ્રમુખસ્વામી મહારાજે અનેક યુવાનોને નવજીવન આપ્યું છે અને તેમને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપી છે અને આદર્શ સમાજનું નિર્માણ કર્યું છે.”

 પરમ પૂજ્ય  મહંતસ્વામી મહારાજ

“સમરસતા દિવસ પર સમાનતાની વાતો સાંભળીને ખૂબ આનંદ થયો અને મહાનુભાવોએ કરેલી વાતો આપણે જીવનમાં ઉતારીશું તો સમાજમાં એકતાનું વાતાવરણ સ્થપાશે. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે, “ભગવાન અને સંતને મન કોઈ ભેદ હોતા નથી કારણકે સૌ માં એક જ ભગવાન બિરાજમાન છે”.

“આપણે સૌ ભગવાનના બાળકો છીએ તો સમાજમાં કોઈ અસમાન નથી” “આપણાં કર્મો જો સારા હોય તો આપણે સારા જ છીએ અને માનવીમાં સંસ્કાર હશે તો ભલે ઝૂંપડામાં રહેતો માનવી પણ વંદનીય છે”

“ભગવાનમાં પ્રેમ કરીશું તો આપણાં બધામાં પ્રેમ રહેશે અને જો ભગવાનમાં પ્રેમ નહિ હોય તો કોઈને પણ સાચો પ્રેમ કરી શકાશે નહિ”. “ભગવાનમાં જોડાવવાથી જ સમાજમાં સાચી સમાનતા આવશે”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.