Western Times News

Gujarati News

કોરોનાની દહેશત વચ્ચે કાંકરિયા કાર્નિવલના કાર્યક્રમોની જાહેરાત

રપ ડીસેમ્બરે મુખ્યમંત્રીના હસ્તે કાર્નિવલની શરૂઆત થશેઃ કાર્યક્રમની મુખ્ય થીમ આઝાદી કા અમૃત મહોત્સવ રહેશે

કાંકરિયા કાર્નિવલમાં અંદાજે રૂપિયા સાડા ચાર કરોડનો ખર્ચ થશે. ૨૦૦૮ થી ૨૦૧૯ સુધી યોજાયેલ કાર્દિવલમાં લગભગ ૪૦ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થયો છે,

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરના ઐતિહાસિક કાકરીયા તળાવ નું નવનિર્માણ થયા બાદ તેના પરિસર માં ૨૦૦૮ ની સાલ થી ડિસેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન થાય છે ૨૦૨૦ અને ૨૦૨૧ માં કોરોનાના કારણે કાર્નિવલનું આયોજન થઈ શક્યું ન હતું.

ચાલુ વર્ષે પણ કોરોનાની દહેશત વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ ના વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે કાંકરિયા કાર્નિવલમાં અંદાજે રૂપિયા સાડા ચાર કરોડનો ખર્ચ થશે. ૨૦૦૮ થી ૨૦૧૯ સુધી યોજાયેલ કાર્દિવલમાં લગભગ ૪૦ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થયો છે,

આગામી ૨૫મી ડિસેમ્બરે યોજાનાર કાર્નિવલનુ લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે થશે. આ દિવસે રાજ્યના તમામ મંત્રીઓ પણ હાજરી આપશે. આગામી કાર્નિવલની મુખ્ય થીમ આઝાદી કા અમૃત મહોત્સવ રહેશે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.આર. ખરસાણ અને દીપકભાઈ ત્રિવેદી એ કાર્નિવલ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી યોજાનાર કાર્નિવલમાં કાંકરિયા ફ્રન્ટ ના ગેટ નંબર ૧, ૨ અને ૩ કુલ ત્રણ જગ્યાએ સ્ટેજ રહેશે.

પ્રથમ દિવસે પુષ્પાકુંજ ગેટ પાસે ના સ્ટેજ પરથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ કાર્નિવલ નો પ્રારંભ કરાવશે. કાર્નિવલના અંતિમ દિવસે એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ અંતર્ગત દેશના વિવિધ રાજયોના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરશે.

કાર્નિવલમાં ગુજરાત પોલીસ દ્વારા હોર્સ અને ડોગ શો નું આયોજન કરવામાં આવશે. કાર્નિવલમાં રાજભા ગઢવી, વિજય સુંવાળા, સાંઈરામ દવે, ભૌમિક શાહ, આદિત્ય ગઢવી સહિતના કલાકારો પોતાનું પરફોર્મન્સ કરશે. રાત્રે ૧૦ વાગ્યે લેસર બીમ શો પણ યોજાશે.

કાકરીયા કાર્નિવલ દરમિયાન જુદા જુદા સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલવાનની વ્યવસ્થા કરવામાં આવી છે. વિખુટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નાગરિકોની સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યા ઉપર સમગ્ર કાકરીયા પરિસરમાં સીસીટીવી કેમેરા પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે.

આ ઉપરાંત અલગ પોલીસ કંટ્રોલરૂમ પણ ઉભો કરવામાં આવશે. કાર્નિવલમાં આવનાર સહેલાણીઓની સુરક્ષા માટે માથાદીઠ રૂા.૧ લાખની ગણતરી કરી રૂા.૧૦ કરોડનો વીમો પણ લેવામાં આવશે.

કાંકરીયા કાર્નિવલ દરમિયાન સરેરાશ ૨૫ લાખથી વધુ લોકો કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લઈ શકે છે અને વિના મૂલ્ય લોકોને પ્રવેશ આપવામાં આવશે. નાના બાળકો મનોરંજન માળી શકે તેના માટે બાળનગરી પણ ઊભી કરવામાં આવી છે.

સહેલાણીઓ કાંકરિયા કાર્નિવલ ર૦રર દરમ્યાન કાંકરિયા પરિસરમાં આવેલ વિવિધ આકર્ષણો જેવા કે, કિડઝ સિટી, ટોય ટ્રેન, પ્રાણી સંગ્રહાલય, નોક્ટર્નલ, ઝૂ, બાલવાટિકા, બટરફલાય, ગાર્ડન, નગીના વાડી, મ્યુઝિકલ ફાઉન્ટેઈન, હોરર હાઉસ, ગેમિંગ ઝોન, ફન ઝોન, પ્લેનેટોરીમ, એડવેન્ચર ટ્રી વોક, ફલોટીંગ રેસ્ટોરંટ, ફીશ એક્વેરિયમની મજા માણી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.