Western Times News

Gujarati News

નાર્કોટીક-સાયકોટ્રોપિક ડ્રગના વેચાણના ગુનેગારને ૨૦ વર્ષની સખત કેદ તેમજ 2 લાખના દંડની સજા ફટકારાઇ

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે કોવિડ-૧૯ મહામારીના સમયગાળામાં તા. ૧૧ જુન ૨૦૨૧ના રોજ ખોરાક-ઔષધ નિયમન તંત્રએ રાજ્યવ્યાપી ગેરકાયદેસર નાર્કોટીક અને સાયકોટ્રોપિક ડ્રગ, MTP કીટનો ધંધો કરતા ઇસમો સામે અમદાવાદ, વડોદરા, મહેસાણા અને પાલનપુર ખાતે દરોડા પાડ્યા હતા.

જેમાં નાર્કોટીક-સાયકોટ્રોપિક ડ્રગના વેચાણના ગુનાસર ડીસાના ઇસમ તુષાર હિંમતલાલ ઠક્કરને ડીસાની નામદાર કોર્ટ દ્વારા ૨૦ વર્ષની સખત કેદ તેમજ રૂ.૨/-લાખના દંડની સજા ફટકારવામાં આવી છે.

તેમણે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ડીસાના ઇસમ તુષાર  ઠક્કર દ્વારા ખુબ જ મોટાપાયે MTP કીટ અને નાર્કોટીક દવાઓનો ગેરકાયદેસરનો ધંધો કરી ગુન્હાસહીત કૃત્ય કરતા હોવાની અત્રેની કચેરીને મળેલી માહિતીના આધારે કમિશનર ખોરાક અને

ઔષધ નિયમન તંત્રના આદેશ મુજબ મદદનીશ કમિશનર, પાલનપુરની ટીમને તાત્કાલીક બોગસ ગ્રાહક તેમજ પંચોને સાથે રાખી રેડ કરતાં તુષાર ઠક્કરને ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે ગેરકાયદેસર લાયસન્સી વગરની જગ્યાએ વેચાણ કરતા ઝડપી પાડ્યા હતા, આ  ગર્ભપાતની કીટ કે જે ગેરકાયદેસર ગર્ભપાત માટે લોકો બેફામ ઉપયોગ કરતા હોય છે.

પાલનપુરની ટીમને આ ઇસમ દ્વારા તેના રહેઠાણના સ્થળે ખુબ મોટા પ્રમાણમાં વગર લાયસન્સે ગેરકાયદેસર રીતે કીટ અને નશાકારક દવાઓ રાખતા હોવાની અન્ય એક કડીના આધારે તેઓના રહેઠાણના સ્થળે પંચો સાથે મોડી રાતે રેડ પાડતાં ક્લીન એમ.ટી.પી. કીટ અને

પ્રતિબંધિત નશાકારક અલ્પ્રાઝોલમ ઘટક ધરાવતી અલ્પ્રાકેન ૦.૫ ટેબલેટ, બુપેનોર્ફીન અને નેલોક્ષોન ઘટક ધરાવતી એડીટેક્ષ એન-૨ ટેબલેટ અને ટ્રામાડોલ ઘટક ધરાવતી સ્પાસ -ટ્રાન્સ પ્લસ ટેબલેટ નામની નાર્કોટીક અને પ્રતિબંધીત દવાઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો.  સાથે  સાથે લેબલ વગરના ૩ લાખ ઓક્સીટોસીન ઇન્જેીક્શન જેની કુલ આશરે બજાર કિંમત રૂ. ૧૫ લાખ કરતાં વધુ થાય છે.

તુષાર ઠક્કર કોઇ દવાના પરવાના ધરાવતા નથી અને વગર પરવાને આ ગેરકાયદેસર પ્રવૃતિ તેમજ દરોડા દરમ્યાન નશાકારક દવાનું સેવન કરતાં હોવાનું આ ઉપરાંત તપાસમાં યોગ્ય સહકાર ન આપતા પાલનપુરના મદદનીશ કમિશનર દ્વારા પાલનપુર નાર્કોટીક સેલના અધિકારીઓ અને પોલીસની મદદથી દવાના નમુના લઈ અને નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ કેસ અને ડીસાની નામદાર કોર્ટમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા પોલીસની કાર્યવાહીમાં જપ્ત કરેલ મુદ્દામાલ અને દસ્તાવેજી પુરાવા ધ્યાને રાખી સમાજમાં દાખલો બેસે તથા લોકો આવી નશાકારક દવાઓનો ગેરકાયદેસર ખરીદ –વેચાણ કોઇપણ સંજોગોમાં ન કરે

તે ધ્યાને લઈ એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૨૨, ૨૯ મુજબના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં “એન.ડી.પી.એસ.ના કેસોમાં વર્તમાન સમયમાં દેશનું યુવાધન ડ્રગ્સના રવાડેચડી પોતાનું તથા દેશના યુવાનોનું જીવન બગાડે છે તેમજ આની અસર સીધી દેશના અર્થતંત્ર પર પડતી હોય છે અને આ એક આંતરરાષ્ટ્રીય રેકેટનો એક ભાગ છે

એવી સ્પેશીયલ રીમાર્કસ સાથે આ કેસમાં વધુમાં વધુ સજાના ભાગરૂપે સંડોવાયેલા તુષાર ઠક્કર રહે. અમૃત નગર સોસાયટી ભાગ– ૨, ડિસાને એન.ડી.પી.એસ. એક્ટના ગુન્હામાં કસુરવાર ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૨ લાખનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૨ વર્ષની સખત કેદની સજા કરવાનો ડીસાની નામદાર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

તેમણે કહયું હતું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની હાલમાં વધતા જતા ડ્રગ્સના ગુન્હાના કેસમાં સમાજમાં ઉદાહરણ બેસે અને ભવિષ્યમાં આવા ગુન્હાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કડક કાર્યવાહી કરવા નામદાર કોર્ટ દ્વારા સખત સજા સાથેનો મહત્વનો ચુકાદો આપ્યો છે.

આમ, તંત્રની આવી દાખલારૂપ કામગીરીથી અને નામદાર કોર્ટના મહત્વપૂર્ણ  ચુકાદાથી નશાકારક દવાઓના ગેરકાયદેસર ખરીદ,વેચાણ અને વપરાશ સાથે સંકળાયેલ ઇસમોમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ સમગ્ર કાર્યવાહીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની આઇ.બી. શાખાના મદદનીશ કમિશનર, વાય.જી.દરજી, અમદાવાદ ઝોન-૨ના મદદનીશ કમિશનર વી.ડી.ડોબરીયા, પાલનપુરના  મદદનીશ કમિશનર, ડૉ.એમ.પી.ગઢવી, વડોદરાના મદદનીશ કમિશનર જે.પી.પટેલ તથા ડ્રગ ઇન્સપેક્ટર ગાંધીનગર, અમદાવાદ વિભાગ-૨, પાલનપુર, મહેસાણા, વડોદરા અને સુરતની ટીમ સામેલ હતી તેમ તેમણે ઉમેર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.