Western Times News

Gujarati News

ગરુડેશ્વર પોલીસ સ્ટેશન ખાતે “લોક દરબાર” યોજાયો

વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાયેલા લોકોએ ડરવાની જરૂર નથી, પોલીસ તમારી સાથે છે ઃ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે

(માહિતી) રાજપીપલા, નર્મદા જિલ્લાની જરૂરિયાતમંદ માસુમ પ્રજા પાસેથી ગેરકાયદે ઉંચું વ્યાજ વસૂલનારા વ્યાજખોરો સામે જિલ્લા પોલીસ તંત્રએ એક ખાસ ઝુંબેશ હાથ ધરી લાલ આંખ કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વ્યાજખોરોના આતંકથી પીડાતા લોકોને આ ચક્રવ્યૂહમાંથી બહાર કાઢવા માટે, નર્મદા પોલીસ “લોક દરબાર” ના માધ્યમથી પ્રજાજનોને જાગૃત કરી રહ્યું છે.

નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબેની અધ્યક્ષતા અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી વાણી દુધાત, સર્કલ પોઇન્ટ શ્રી પંડ્યાની હાજરીમાં, ગરુડેશ્વર પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરોના ચક્રવ્યૂહમાંથી લોકોને બહાર લાવવાના ઉમદા આશય સાથે યોજાયેલા “લોક દરબાર” માં, ગરૂડેશ્વર તાલુકાના સરપંચો, આગેવાનો, વેપારી મંડળ સહિત સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

દરમિયાન પોલીસ અધિક્ષક શ્રી સુંબેએ ગરૂડેશ્વર તાલુકા સહિત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટ્રાફિકના નિયમોનું પાલન, સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ સહિત અતિમહત્વપૂર્ણ વિષય વ્યાજખોરોના ત્રાસથી કેવી રીતે બહાર આવી શકાય તે અંગે લોકોને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. શ્રી પ્રશાંત સુંબેએ લોકદરબારમાં લોકોને વિશ્વાસ અપાવ્યો કે, વ્યાજખોરોના આતંકથી ડરવાની જરૂર નથી, પોલીસ અને પ્રજા વચ્ચે મિત્રતાનો સેતૂ કેળવાય અને જિલ્લામાંથી ગુનાઓ નાબૂદ થાય તે. હેતુ સાથે જ “લોક સંવાદ” નું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાજખોરોના ત્રાસથી ડરવાની જરૂર નથી, તેમ જણાવતા પોલીસ અધિક્ષકશ્રીએ, પ્રજાજનો સ્થાનિક પોલીસ સ્ટેશન સહિત જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ આવીને તેમને પણ મળી શકે છે તેમ કહ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, તમે નિર્ભિક રીતે પોલીસને મદદ કરી શકો છો. પ્રજાજનો વિશ્વાસ રાખે, પોલીસ આપની મિત્ર છે. વ્યાજખોરો પર કાર્યવાહી કરવાની જવાબદારી અમારી છે, તેમ તેમણે પ્રજાજનોમાં વિશ્વાસ જગાવતા કહ્યું હતું.

લોક દરબારમાં ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ ૨૦૧૧ અંગે વિસ્તૃત ચર્ચા કરી, નાગરિકોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આર્થિક તંગીના કારણે વ્યાજે લીધેલ નાણાંની વસૂલાત વ્યાજખોરો ખોટી રીતે કરી શકે નહીં, ત્રાસનો ભોગ ન બનતા ત્વરિત રીતે પોલીસની મદદ લેવી જરૂરી છે. તેવી સમજ પણ પુરી પાડવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વ્યાજખોરીની ચૂંગલમાં ફસાયેલા લોકોને માનસિક અને શારિરીક ત્રાસથી બહાર લાવવા નર્મદા પોલીસ, પ્રજા સાથેના સબંધો આત્મીય બનાવી લોક દરબારના માધ્યમથી લોકોને જાગૃત કરવાની સરાહનીય કામગીરી કરી રહ્યું છે, અને વિશ્વાસ અપાવી રહી છે કે, વ્યાજખોરોનો ત્રાસ વેઠી કોઈ પણ અનિચ્છનીય પગલુ ભરવાની જરૂર નથી. જિલ્લા પોલીસતંત્ર પ્રજાની પડખે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.