Western Times News

Gujarati News

નડાબેટ સીમાદર્શન ખાતે ૭૪મા ગણતંત્ર દિવસની આન-બાન-શાન સાથે ઉજવણી કરાઈ

ધ્વજવંદન, હાફ મેરેથોન અને કાર રેલી જેવા આયોજનો થકી સર્જાયો દેશભક્તિનો અનેરો માહોલ

નડાબેટ સીમાદર્શન ખાતે ૭૪મા ગણતંત્ર દિવસની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ 3000 જેટલા લોકોની ઉપસ્થિતીમાં અહીં નિર્માણ પામેલા પરિસર ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી. ધ્વજવંદન વખતે દેશભક્તિના ગીતોએ હાજર સૌ લોકોમાં ઉર્જાનો સંચાર કરી દીધો.

આ ઉપરાંત ગણતંત્ર દિવસ નિમિત્તે નડાબેટ ખાતે બીએસએફના મહાનિરિક્ષક શ્રી રવિ ગાંધીના માર્ગદર્શનમાં કાર રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. જેમાં 32 જેટલી કારની રેલી નડાબેટથી મવાસિરી, મુનાવાવ થઈને તનોટ માતા મંદિર, જેસલમેર ખાતે પૂર્ણ થશે.

સાથોસાથ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બીએસએફ જવાનો, સેનાના જવાનો અને શાળાના વિદ્યાર્થીઓ સહિત નાગરિકોની હાફ મેરેથોન આયોજીત કરાઈ હતી. જેમાં લગભગ 300 જેટલા હિસ્સેદારોએ દેશભક્તિના નારા લગાવી દોટ મૂકી હતી. આ મેરેથોન બોરિયા બેટથી શરૂ થઈને ભારત-પાકિસ્તાન સીમા પર સ્થિત ઝીરો પોઈન્ટ પર પહોંચી પૂર્ણ થઈ હતી.

આ અવસરે વિવિધ આયોજનોમાં બીએસએફના વરિષ્ઠ અધિકારી શ્રી એમ.એલ.ગર્ગ, શ્રી ભૂપિન્દર સિંહ, શ્રી અરૂણકુમાર શર્મા પર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં આવેલા મુલાકાતીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને નડાબેટ ખાતે ફરજ બજાવતા સહાયક સ્ટાફના લોકો જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.