Western Times News

Gujarati News

મકાનમાં ઘરઘાટી રાખતાં પહેલાં વાંચી લો, આવું પણ થઈ શકે છે

Files Photo

કોન્ટ્રાક્ટરના ઘરમાંથી ત્રણ ઘરઘાટી ચાર ચેઈન ચોરી ગયા-લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી દાગીના લેવા ગયાં ત્યારે ચોરી થયાની જાણ થઈ

અમદાવાદ, શહેરના મેઘાણીનગરમાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરના ઘરમાંથી ત્રણ ઘરઘાટી ૨.૬૫ લાખની સોનાની ચાર ચેઈન ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. કોન્ટ્રાક્ટરનાં પત્નીને લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી દાગીના લેવા ગયાં ત્યારે ચોરી થયાની જાણ થઈ હતી.

મેઘાણીનગરમાં રહેતાં ભાવિષાબહેન વાઘેલાએ ત્રણ ઘરઘાટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાવિષાબહેનના પતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. થોડા દિવસ પહેલાં પતિને ચૂંટણીનું ફોર્મ ભરવાનું હોવાથી તેમણે એફિડેવિટમાં ૨.૬૫ લાખના સોનાના દાગીના લખાવ્યા હતા. ગઈ કાલે ભાવિષાબહેનને મામાના દીકરાના લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી તેઓ દાગીના લેવા ગયા હતા. આ વખતે કબાટમાં દાગીના ગાયબ જાેઈને તે ચોંકી ગયાં હતાં.

ભાવિષાબહેન અને તેમના પતિએ ઘરમાં શોધખોળ કરી પરંતુ દાગીના મળી આવ્યા ન હતા. ભાવિષાબહેનના ઘરમાંથી કુલ ૨.૬૫ લાખની ચાર ચેઈનની ચોરી થઈ હતી.

ભાવિષાબહેને ઘરમાં ચોરી બાબતે ઘરઘાટી તરીકે કામ કરતા અજય ઉર્ફે રાજુ, ચંપા નાડિયા અને સુમિત રાઠવાની પૂછપરછ કરી હતી. આ ત્રણેય પાસે ઘરની તમામ માહિતી હોવાથી તેમના પર ભાવિષાબહેનને શક હતો. આ સમયે તેમણે પોલીસને અરજી કરી હતી.

પોલીસની તપાસમાં ચાર ચેઈન ત્રણ આરોપીએ પરત આપવાનું કહ્યું હતું. પરંતુ આજ દિન સુધી સોનાની ચેઈન પરત ન આપતાં ભાવિષાબહેને તેમની વિરુદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.