Western Times News

Gujarati News

દુધઉત્પાદક મંડળીઓને વિના મૂલ્યે ઘાસ વાઢી લઇ જવા મંજૂરી અપાશે

રાજય સરકારનો મહત્વનો નિર્ણય -આ વર્ષે  અંદાજે 100 લાખ કિ.ગ્રા. વીડીના વધારાના ઘાસના જથ્થાને સ્થાનિક લોકોને ગૌ-શાળા,પાંજરાપોળ, સહભાગી વન વ્યવસ્થા સમીતિઓને, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ- દૂધ ઉત્પાદક મંડળીઓ વિના મૂલ્યે વાઢી લઇ જઇ શકશે- પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક અંગે પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આ વર્ષે રાજ્યમાં અંદાજે 100 લાખ કિ.ગ્રા.વીડીના વધારાના ઘાસના જથ્થાને સ્થાનિક લોકોને ગૌ-શાળા, પાંજરાપોળ, સહભાગી વન વ્યવસ્થા સમીતિઓને, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ- દુધઉત્પાદક મંડળીઓને વિના મૂલ્યે વાઢી લઇ જઇ જવાની મંજૂરી આપવાનો અબોલ પશુઓની હિતમાં નિર્ણય કર્યો છે.

તેમણે ઉમેર્યુ કે,જુના વર્ષમાં એકત્રીત કરવામાં આવેલ કુલ. 576 લાખ કિ.ગ્રા ઘાસ હાલમાં વન વિભાગ હસ્તકના ગોડાઉનો તથા પ્લેટફોર્મ પર ગંજીમાં સંગ્રહિત છે. ચાલુ વર્ષે કુલ. 273 લાખ કિ.ગ્રા. ઘાસ વન વિભાગ પાસે ઉપલબ્ધ થનાર છે.

પ્રવકતા મંત્રીશ્રી એ ઉમેર્યું કે ચાલુ વર્ષના અંત સુધીમાં વિભાગ પાસે અંદાજીત 813 લાખ કિ.ગ્રા ઘાસ વન વિભાગ પાસે ઉપલબ્ધ બનશે. જ્યારે વન વિભાગ હસ્તકના ગોડાઉનની કુલ કેપેસીટી 700 લાખ કિ.ગ્રા. ઘાસ સંગ્રહ કરવાની છે. જેથી વધારાના ઘાસનો સદઉપયોગ માટે વધારાના 100 લાખ કિ.ગ્રાથી વધુના જથ્થાને સ્થાનિક લોકોને ગૌ-શાળા, પાંજરાપોળ, સહભાગી વન વ્યવસ્થા સમીતિઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ- દુધઉત્પાદક મંડળીઓને વિના મૂલ્યે વાઢી લઇ જવા મંજૂરી અપાશે.

તેમણે કહ્યું કે,આ નિર્ણય દ્વારા રાજ્યના લાખો અબોલ પશુઓને પૂરતા પ્રમાણમાં ઘાસનો જથ્થો મળી રહેશે. વાડીઓમાં ઘાસ વાઢી લેવાથી આવતા વર્ષે તેની ઉત્પાદન ક્ષમતા વધશે  તેમજ વીડીઓમાં ઉભા ઘાસમાં દવ-આગ લાગવાની સંભાવનાઓમાં પણ ઘટાડો થશે. આ છુટછાટ આપવાથી વન વિભાગ ઉપર કોઇ આર્થિક બોજો કે ખર્ચ કે માડંવાળ કરવાની પરિસ્થિતિ ઉભી થશે નહીં . વધુમાં વીડી પ્રત્યે સ્થાનિકોની લાગણી વધશે અને તેઓને ભવિષ્યમાં પણ વીડિ સંરક્ષણ માટે વધુ પ્રેરણા મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના ઘનિષ્ઠ પ્રયાસોથી છેલ્લા 10 વર્ષમાં વન વિભાગે વીડી સુઘારણા અને ઘાસ સુધારણા  હેઠળ કરેલા કામેના પરિણામે ઘાસના જથ્થાનું મોટા પ્રમાણમાં એકત્રીકરણ થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.