Western Times News

Gujarati News

પેપર લિંક મુદ્દે જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે ભરૂચ કોંગ્રેસ ધ્વારા આવેદન સુપ્રત

(પ્રતિનિધિ) ભરૂચ, જુનિયર ક્લાર્કના પેપર લીક બાબતે જવાબદારો સામે કાર્યવાહી કરવા ભરૂચ જીલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરવા સાથે વિવિધ માંગણીઓ પણ કરવામાં આવી હતી. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ૨૯ મી જાન્યુઆરીના રોજ જુનિયર ક્લાર્ક (વહીવટી) સર્વવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર હતી અને જેમાં ૯.૩૦ લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા.પરંતુ દર વખતની જેમ આ વખતે પણ પરીક્ષા પહેલા જ પેપર ફૂટી જતા પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે.

આ પેપર લિંક અંગે ભરૂચ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલ સિંહ રણાની અધ્યક્ષતામાં નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ,હેમેન્દ્ર કોઠીવાલા, એનએસયુઆઈના યોગી પટેલ,જીલ્લા મહિલા પ્રમુખ જ્યોતિ તડવી,સંદીપ માંગરોલા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચી હાથમાં પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યું હતું કે પેપર ફોડનારની સામે તથા જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા તથા પરીક્ષાર્થીને પરીક્ષા ફી પરત તથા પરીક્ષા સ્થળે આવવા જવા તથા રહેવા જમવાની પાછળ જે ખર્ચ થયો હોય તેનું વળતર આપવું અને ખાતાકીય તપાસ તાત્કાલિક શરૂ કરી આ પ્રકરણમાં જવાબદાર રહેલા તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.