Western Times News

Gujarati News

પાકિસ્તાન રૂપિયાનું સતત થઇ રહેલું ધોવાણઃ ડોલર સામે ઘટીને ૨૭૦

ઇસ્લામાબાદ, પાકિસ્તાનનું વિદેશી મુદ્રા ભંડાર ઝડપથી પૂર્ણ થઇ રહ્યું છે. જાે આઇએમએફ તાત્કાલિક તેને લોન નહીં આપે તો પાકિસ્તાન ડિફોલ્ટ થઇ જશે. પાકિસ્તાનની કેન્દ્રીય બેંક સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના જણાવ્યા અનુસાર દેશનું વિદેશી મુદ્રકા ભંડાર ઘટીને ૩.૦૯ અબજ ડોલર રહી ગયું છે. નિષ્ણાતોના મતે આટલી રકમમાં તે ફક્ત ત્રણ સપ્તાહ સુધી જ આયાત કરી શકશે.

બીજી તરફ આઇએમએફ પાસેથી લોન મેળવવાની આશામાં બેસેલા પાકિસ્તાનને મોટો આંચકો લાગ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આઇએમએફએ સર્ક્‌યુલર ડેબ્ટ મેનેજમેન્ટ પ્લાન (સીડીએમપી)ને ફગાવી દીધો છે.

આઇએમએફએ પાકિસ્તાનને ચાલુ નાણાકીય વર્ષમાં વીજળી બિલ ૧૧ થી ૧૨.૫૦ રૂપિયા પ્રતિ યુનિટ વધારવા જણાવ્યું છે. આઇએમએફએ વીજળી પરની સબસિડીને ૩૩૫ અબજ પાકિસ્તાની રૂપિયા સુધી મર્યાદિત રાખવા જણાવ્યું છે.

પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે જાહેર કરેલ તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું છે કે દેશનું વિદેશી મુદ્રા ભંડાર ૧૬.૧ ટકા ઘટીને ૩.૦૯ અબજ ડોલર થયું છે. ફોરેન એક્સચેન્જ રિઝર્વ ગત સપ્તાહને અંતે લગભગ ૯ વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચ્યું છે. નાણાકીય વિશ્લેષકોએ જણાવ્યું હતું કે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન પાસે રહેલ વિદેશી હૂંડિયામણ અનામત માત્ર ત્રણ સપ્તાહની આયાત માટે જ સક્ષમ છે.

કેન્દ્રીય બેંકે જણાવ્યું કે વિદેશી દેવાની ચૂકવણીને કારણે અનામતમાં ૫૯.૨ કરોડ ડોલરનો ઘટાડો થયો છે. કોમર્શિયલ બેંકો પાસે વિદેશી હૂંડિયામણ અનામત ૫.૬૫ અબજ અમેરિકન ડોલર છે. આમ સંયુક્ત કુલ લિક્વિડ રિઝર્વ ૮.૭૪ અબજ ડોલર છે.

ઇન્વેસ્ટમેન્ટ ફર્મ આરિફ હબીબ લિમિટેડના ટોચના વિશ્લેષકે ગણતરી કરી જણાવ્યું કે પાકિસ્તાનનું અનામત ફેબ્રુઆરી, ૨૦૧૪ બાદના સૌથી નીચા સ્તરે છે અને હવે માત્ર ૧૮ દિવસની આયાતને આવરી લે છે.

આર્થિક કટોકટીનો સામનો કરી રહેલ પાકિસ્તાન સરકાર હાલમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસેથી અટવાયેલા ૭ અબજ ડોલરના બેલઆઉટ પ્રોગ્રામ હેઠળનું ફંડ છોડવા માટે અનેક પ્રયાસ કરી રહી છે.

ગત અઠવાડિયે સેન્ટ્રલ બેંકે એક્સચેન્જ રેટો પરની મર્યાદા દૂર કરી અને સરકારે ઇંધણના ભાવમાં ૧૬ ટકાનો વધારો કર્યો હતો. પાકિસ્તાની રૂપિયો ઇન્ટરબેંક માર્કેટમાં ૨૭૦ રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.