Western Times News

Gujarati News

અમદાવાદમાં સતત વધી રહ્યા છે સ્વાઈન ફ્લૂના કેસો

Files Photo

અમદાવાદમાં ૪ દિવસમાં સ્વાઈન ફ્લૂના ૨૯ કેસ, રાજકોટમાં વાયરલના કેસ વધ્યા-રાજ્યમાં એવી ઋતુ ચાલી રહી છે જેમાં વહેલી સવારે કે રાત્રે બહાર નીકળો તો ઠંડી લાગે અને બપોરે ગરમી લાગે છે

અમદાવાદ,  ગુજરાતમાં શિયાળો હવે વિદાય લેવા તરફ છે. ત્યારે હવે ધીમે ધીમે તાપમાનમાં પણ વધારો નોંધાતો જઇ રહ્યો છે. રાજ્યમાં હાલ એવી ઋતુ ચાલી રહી છે જેમાં વહેલી સવારે કે રાત્રે બહાર નીકળો તો ઠંડી લાગે અને બપોરના સમયે નીકળો તો ગરમી લાગે.

હવે તાપમાનમાં અચાનક વધારો થઇ રહ્યો છે, ત્યારે ઋતુચક્રમાં થયેલા આ ફેરફારને કારણે રોગચાળો વકરી રહ્યો છે. લોકો વાયરલ ઈન્ફેક્શનની ઝપેટમાં આવી રહ્યા છે. જેને આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂ, ઝાડા-ઉલ્ટી, શરદી ઉદરસ અને ટાઇફોડના કેસોમાં વધારો થઇ રહ્યો છે. તો રાજકોટમાં પણ શરદી-ઉદરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે રોગચાળો કાબુમાં લેવા કામગીરી હાથ ધરી છે.

અમદાવાદમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. જેના પગલે રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં ૪ દિવસમાં સ્વાઈન ફ્લૂના ૨૯ કેસ નોંધાયો છે.

તો બીજી તરફ ઝાડા-ઉલટીના ૪૭ અને ટાઈફોઈડના ૩૨ દર્દી નોંધાયા છે. વસ્ત્રાલના મહાદેવનગર ખાતે કોલેરાનો કેસ પણ સામે આવ્યો છે. બેવડી ઋતુના કારણે ખાનગી, સિવિલ હોસ્પિટલમાં દર્દી વધ્યા છે. શરદી, ઉધરસ, વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે.

અલગ અલગ પ્રકારના રોગો ફેલાતા આરોગ્ય વિભાગ ચિંતામાં આવ્યુ છે અને રોગચાળા પર કાબુ મેળવવા માટે કામગીરી હાથ ધરી છે. આ તરફ રાજકોટમાં બેવડી ઋતુના કારણે વાયરલ રોગચાળામાં વધારો નોંધાયો છે. એક અઠવાડિયામાં વાયરલના ૬૧૪ કેસ સામે આવ્યા છે.

ડેન્ગ્યુના બે, શરદી, ઉધરસ અને તાવ સહિતના ૬૧૪થી વધુ કેસ સરકારી ચોપડે નોંધાયા છે. મેલેરીયા અને ચીકન ગુનીયાનો કોઈ કેસ આવ્યો નથી. સાથે જ સિઝનલ રોગચાળાના દર્દીઓમાં વધારો થયો છે. આ અઠવાડીયામાં શરદી-ઉધરસના કેસની સંખ્યા વધીને ૪૮૧ પાર પહોંચી છે.

જયારે ખોરાકજન્ય અને પાણીજન્ય ઝાડા-ઉલ્ટીના ૮૩ દર્દી નોંધાયા છે. આ સપ્તાહમાં તાવના પણ વધુ ૪૭ દર્દી ચોપડે ચડયા છે. આગામી સપ્તાહમાં હજુ વાયરલ રોગચાળાના કેસમાં વધારો થઈ શકે છે તેવો આરોગ્ય અધિકારીનો દાવો છે.

તો વાયરલ રોગચાળાને કાબૂમાં લેવા માટે તંત્ર સતર્ક થયું છે. રાજકોટ શહેરના પછાત વિસ્તારમાં પત્રીકા વિતરણથી માંડી ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી છે. મચ્છરજન્ય કેસ જે વિસ્તારમાંથી જાેવા મળે ત્યાં આસપાસના લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા

અને સેમ્પલ લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા હતા. બેદરકારી દાખવા બદલ ૨૫૮ રહેણાંક અને બિનરહેણાંક માલીકોને નોટિસ ફટકારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.