Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પો.નું રૂા.૯૪૮ર કરોડનું બજેટ મંજુર

અમદાવાદમાં નવી જંત્રીનો ત્રણ વર્ષ પછી અમલ: કમિશ્નરની કર વધારા દરખાસ્તનો આંશિક સ્વીકાર

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ વર્ષ ૨૦૨૩- ૨૪ માટે રૂ. ૯૪૮૨ કરોડનું બજેટ મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી ઘ્વારા શુક્રવારે મંજુર કરવામાં આવ્યું છે. મ્યુનિ.કમિશનર તરફથી રજુ કરવામાં આવેલા રૂપિયા ૮૪૦૦ કરોડના ડ્રાફ્ટ બજેટમાં સત્તાધારી પાર્ટીએ રૂ, ૧૦૮૨ કરોડનો વધારો કર્યો છે.

જ્યારે કમિશનર દ્વારા સૂચવેલા વિવિધ ટેક્સમાં ભાજપના સત્તાધીશોએ આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે નવા નાણાકીય વર્ષમાં શહેરીજનો ને રૂ.૨૫૬ કરોડનો લાભ થશે. રાજય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ જંત્રી નો પ્રોપર્ટી ટેક્ષમાં ૩ વર્ષ પછી અમલ કરવામાં આવશે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બરોટના જણાવ્યા મુજબ કમિશનર ઘ્વારા ટેક્સ વધારો કરવા માટે જે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી તેનો પૂર્ણ સ્વીકાર કરવામાં આવ્યો નથી. મિલકત વેરામાં રહેણાંક મિલકતો પર પ્રતિ ચો.મી. રૂ.ર૩ અને બિન રહેણાંક મિલકત પર પ્રતિ ચો.મી. પર રૂા.૩૭ની દરખાસ્ત હતી.

જેનો અસ્વીકાર કરી રહેણાંક મિલકતોમાં રૂા.ર૦ અને બિન રહેણાંક મિલકતોમાં રૂા.૩૪ મુજબ આકારણી કરવામાં આવશે તેથી નાગરિકોને રૂા.૧૪૬ કરોડનો ફાયદો થશે. શહેરમાં ફેલાતા પ્રદૂષણને રોકવા માટે નવો એન્વાયર્નમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ તરીકે યુઝર ચાર્જ લેવાનું પણ કમિશનરે સૂચન કર્યું હતું.

જેમાં આંશિક ઘટાડો કરવામા આવ્યો છે.ડોર ટુ ડોર સ્વચ્છતા તરીકે યુઝર ચાર્જ પણ ટુ વધારીને ડબલ કરવામાં આવ્યો હતો તેને ફગાવી દેવામા આવ્યો છે. ફુગાવાના દર પ્રાથમિક સુવિધાઓના ખર્ચ વગેરેને પહોંચી વળવા કાયમી ધોરણે પ્રોપર્ટી ટેક્સના લેટિંગ રેટમાં પણ ૫ની જગ્યાએ હવે માત્ર ૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

આમ કમિશ્નર તરફથી જે રૂા.પપ૦ કરોડનો વધારો કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી તેમાંથી માત્ર રૂા.૩૦૦ કરોડનો વધારો સ્વીકાર કરવામાં આવ્યો છે જયારે નાગરિકોને રૂા.રપ૬ કરોડનો ફાયદો આપવામાં આવ્યો છે. નવા નાણાંકિય વર્ષમાં વરસાદી પાણી સમસ્યાના ઉકેલ માટે શહેરમાં વોર્ડ દીઠ બે વ્હાઈટ ટોપીંગ રોડ બનાવવામાં આવશે.

જેના માટે રૂા.રપ૦ કરોડ ફાળવવામાં આવ્યા છે જયારે નવરંગપુરા વિસ્તારમાં આવેલ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સરદાર પટેલ સ્ટેડિયમ જર્જરિત થઈ ગયું હોવાથી રૂા.રપ કરોડના ખર્ચથી તેનું રિનોવેશન કરવામાં આવશે. મ્યુનિ. કોર્પો. દ્વારા વર્તમાન નાણાંકિય વર્ષમાં ઘરે ઘરે ડસ્ટબીનના વિતરણ કરવામાં આવ્યા છે

હવે નવા નાણાંકિય વર્ષમાં સોસાયટી દીઠ ૮૦ લીટર ક્ષમતાના વેસ્ટબીન આપવામાં આવશે. ડ્રેનેજની સમસ્યાના ઉકેલ માટે રૂા.૧૦ કરોડના ખર્ચથી પાંચ સુપર સકર મશીનની ખરીદી થશે. વધુ ઉંચાઈવાળા બિલ્ડીંગોમાં આગ બુઝાવવા માટે ૦ર સ્નોસ્કેલ તથા ડ્રોન ઓપરેટર વ્હીકલ ખરીદી કરવામાં આવશે.

નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪માં જુના કોમ્યુનીટી હોલ રીપેરીંગ પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. નારણપુરા વોર્ડના નવદીપ હોલનું રૂા.૧પ૦ કરોડ, દરિયાપુરના કોમ્યુનીટી હોલના રિનોવેશન માટે રૂા.૧ કરોડ, ચાંદખેડામાં પંડિત દિનદયાળ હોલના નવીનિકરણ માટે રૂા.૧ કરોડ ફાળવવામાં આવ્યા છે.

જયારે ચાંદલોડિયા અને નારણપુરા વોર્ડમાં નવા કોમ્યુનીટી હોલ- પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે. ઉત્તર-પશ્ચિમ ઝોન વિસ્તારમાં રૂા.પ કરોડના ખર્ચથી નવું સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સરસપુર રથયાત્રા હેરીટેઝ રૂટના બ્યુટીફિકેશન માટે રૂા.૭ કરોડ, બોપલ વિસ્તારમાં ૧ કરોડ જીમ્નેશીયમ માટે તેમજ મકતમપુરા વોર્ડમાં રીડીંગ રૂમ તથા જીમ્નેશીયમ બનાવવા માટે રૂા.ર કરોડની ફાળવણી કરવામાં આવી છે.

સુધારા બજેટમાં મહિલાઓ માટે યોગા કમ મેડીટેશન સેન્ટર માટે રૂા.૭ કરોડ, અને દરિયાપુર વોર્ડમાં પાર્વતીબાઈ હોસ્પિટલના નવિનીકરણ માટે રૂા.૧ કરોડ, સરસપુર ગામતળમાં હઠીસીંગ મીલની જગ્યામાં બગીચો બનાવવા રૂા.બે કરોડ, ચાંદખેડા તેમજ રાણીપ વોર્ડમાં નવી પાણીની ટાંકીમાં રૂા.ર કરોડ ફાળવવામાં આવ્યા છે.

મ્યુનિ. કાઉન્સિલરોના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. હવે કાઉન્સિલરોને વાર્ષિક રૂા.૪૦ લાખનું બજેટ ફાળવવામાં આવશે જયારે કમિટિ ચેરમેન બજેટમાં રૂા.૧૦ લાખ તેમજ ડેપ્યુટી ચેરમેન બજેટમાં રૂા.પ લાખનો વધારો કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.