Western Times News

Gujarati News

આડેધડ ફી નહીં વસૂલી શકે પ્રી-સ્કૂલના સંચાલકો

પ્રતિકાત્મક

આગામી શૈક્ષણિક વર્ષથી ભૂલકાઓ માટે કે.જી.ના ત્રણ વર્ગ હશે

(એજન્સી)ગાંધીનગર, રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણો સાથે રાજ્યની શિક્ષણ પ્રણાલીને જાેડતાં, ગુજરાત સરકાર આગામી શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ પ્રી-સ્કૂલોમાં ત્રિસ્તરીય કિંડરગાર્ટન શિક્ષણ કાર્યક્રમ રજૂ કરશે.

સરકારે આ કિંડરગાર્ટન પ્રોગ્રામને ‘બાલવાટિકા ૧, ૨ અને ૩ નામ આપ્યું છે. બેથી ચાર વર્ષની ઉંમરના બાળકોને બાલવાટિકા વર્ગ ૧માં, ચારથી પાંચ વર્ષની ઉંમરના બાળકોને બાલવાટિકા વર્ગ ૨માં તેમજ પાંચ અને છ ઉંમરના બાળકોને વર્ગ ૩માં પ્રવેશ આપવામાં આવશે.

નેપ અનુસાર, બાળકો છ વર્ષના થશે ત્યારે તેમને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, ત્રિસ્તરીય કિંડરગાર્ટન પ્રોગ્રામના અમલીકરણ સાથે, રાજ્યની તમામ પ્રી-સ્કૂલો સરકારના નિયમન હેઠળ આવશે. હાલમાં, રાજ્ય શિક્ષણ વિભાગની કોઈ પણ એજન્સી દ્વારા કિંડરગાર્ટનનું મોનિટરિંગ કરવામાં આવતું નથી.

રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ખાનગી અને સરકાર દ્વારા સંચાલિત પ્રીસ્કૂલમાં શીખવવામાં આવતી બાબતોની સામગ્રી અને ફીનું નિયમન સરકાર દ્વારા કરવામાં આવશે. ‘જાે કે, રાજ્ય શિક્ષણ વિભાગ પ્રી-સ્કૂલો માટે ફી અને કન્ટેન્ટ નક્કી કરે તે પહેલા સલાહકાર કવાયત હાથ ધરાશે,

તમામ ખાનગી પ્રી-સ્કૂલો માટે ફીનું માળખું એકસમાન હશે તેમ નક્કી કરવામાં આવ્યું છે’, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. તેનો અર્થ એ થયો કે, ખાનગી રીતે સંચાલિત તમામ કિંડરગાર્ટને રાજ્ય સરકાર સમક્ષ રજિસ્ટર્ડ કરાવવું જરૂરી છે. રાજ્યની અન્ય પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ખાનગી શાળાઓની જેમ તેનું પણ નિરીક્ષણ કરવામાં આવશે,

તેમ સરકારના સૂત્રોએ જણાવ્યું હતું. સરકાર બાલવાટિકા ૧, ૨ અને ૩ વિભાગના શિક્ષકો માટે લાયકાતના લઘુત્તમ માપદંડોને લગતા નિયમો પણ બનાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં લગભગ ૪૦ હજાર પ્રી-પ્રાઈમરી સ્કૂલો છે અને તેમાંથી કોઈ પણ શિક્ષણ વિભાગ દ્વારા નિયંત્રિત નથી. તેમાંથી મોટાભાગની સ્કૂલો બંગલો તેમજ ટેનામેન્ટ જેવી જગ્યાઓમાં ચાલે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.