Western Times News

Gujarati News

મા -બાપે બાળકને પ્રેમ કરવો જાેઈએ તેના રિઝલ્ટને નહીં !

માબાપે સંતાનોને બહુ દાબમાં ન રાખવા જાેઈએ, જેથી એ માબાપ સામે બોલી પણ ન શકે અને ધ્રૂજવા લાગે. સંતાનોને મુક્ત વાતાવરણ પુરું પાડવું જાેઈએ. તે કોઈપણ જાતની ગૂંગળામણ અનુભવ્યા વગર પોતાની રજૂઆત કરી શકવું જાેઈએ

‘કરન, શું કરે છે ? પરીક્ષના આગલા દિવસે વાંચવને બદલે શાની ઝેરોક્ષ કરાવવાની હોય ? ને જાે આ વખતે પાસ ન થયો તો તારી ખેર નથી. દુકાને જ બેસવું પડશે.. ચાલ વાંચ.’
કોલેજના પહેલા વરસમાં આવ્યા છતાં કરનને એના પપ્પા કેશવભાઈની બહુ બીક લાગતી. પહેલા ધોરણથી જ કરનને પપ્પા અને પરીક્ષા. બેનો બહુ ડર રહ્યાં કરતો. પરીક્ષામાં પાસ થવાય તો જ પપ્પા પ્રેમ કરે પ્રેમ એટલે વહાલ નહી.. પણ મારેય નહી અને પોકેટમની આપી દે. એકાદ નવી પેન કે કપડાં એવું કૈક લઈ આપે તો માનવું કે પ્રેમ કર્યો. મમ્મી વહાલ કરે પણ વાંચવાનું કહેવા માટે, ‘બેટા, ડાહ્યો થઈને વાંચ તો.

કરનને સમજાતું જ નહી કે પાસ થવાથી શું થાય ? પંખીની પાંખો મળે ? કોયલનો અવાજ ? કે પપ્પાના સુથારીકામના સાધનો વાપરવા મળે ? કરનને ભણવા સિવાયના બધાં જ કામ ગમે, એના પપ્પાના સાધનો મળી જાય તો એ લાકડાના ટુકડાને કલાકૃતિ બનાવીને જ જંપે, એનેય પપ્પા જેવા સુથાર થવું ગમે. પણ પપ્પાની જરાય મરજી નહી. એમણે તો કરનને સાહેબ બનાવવો હતો. દુકાને બેસી સોફા કે ટેબલ બનાવે એવો એમના પોતાના જેવો સાધારણ સુથાર નહીં. ભલે કમાણી સારી હોય પણ સમાજમાં વટ ન પડે. કોઈ માનથી ન જુએ. બધા બસ કામ સોંપે ને કામમાં ભૂલો કાઢે.

જાેકે કરનના સુથારીકામમાં એક અલગ છટા હતી એનું ફિનિશિંગ સરસ, પપ્પાથી છાનું એ કોઈ લાકડાના નકામા ટુકડામાંથી કંઈ બનાવી નાંખે ને કોઈ મિત્રને ભેટ આપે ત્યારે એના મિત્ર જ નહી, મિત્રના માબાપ પણ ખુશ ખુશ થઈ જાય. એ કલા કરનના લોહીમાં જ હતી. નાની બહેન માટે સરસ મોટર અને ઢીંગલી બનાવે ત્યારે બેન સાથે એય એટલો જ ખુશ હોય. પણ કરન આજકાલ દુઃખી હતો. બોર્ડની પરીક્ષા નજીક હતી અને પાસ થવાશે કે નહીં એની ભોર ચિંતા હતી. કશું યાદ જ નહોતું રહેતું. મમ્મીને પણ કંઈ કહેવાય એવું નહોતું, કારણ કે મમ્મી તો કરન પાસ થાય એટલા માટે બાધા ને ઉપવાસમાં જ બિઝી થઈ ગઈ હતી હવે ?? કૈક તો કરવું પડે.
‘હમણા ઝેરોક્ષ કરાવી આવું, કહ્યું ત્યાં તો પપ્પા તાડુકયા.

તોય કરન ઝેરોક્ષ કરાવવા ગયો જ. બીજા દિવસે મમ્મીએ દહીં ખવડાવી પરીક્ષા આપવા મોકલ્યો. બે કલાકમાં સ્કૂલમાંથી ફોન આવ્યો, કરન પરીક્ષામાં કાપલીઓ સાથે પકડાયો છે. આથી માઈક્રો ઝેરોક્ષ લઈને આવ્યો હતો. તમે અહીં આવીને એને લઈ જાવ. એને પરીક્ષામાંથી ઉઠાડી મુકયો પછી એણે ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે.‘કરન પરીક્ષામાં કાપલી લઈ ગયો ? કયારે આ બધું વિચારી નાખ્યું એણે? તુંય મા થઈ જાણી ન શકી ? કેશવભાઈ એમની ટેવ મુજબ કરનની મમ્મીને ઠપકો આપવા લાગ્યા. એ બિચારી તો રડવા જ લાગી હતી. બંને સ્કૂલે ગયા. સ્કૂલના પ્રિન્સિપાલ રઘુનાથજી શાંતિથી એની સાથે વાત કરી રહ્યા હતા. એમને જાેતાં જ આવકારી કહ્યું કરન હોશિયાર છોકરો છે એને લાકડાની કલાકાીર આવડે છે એ તો મેં આજે જ જાણ્યું.’

‘કારીગર બનાવવા નથી મુકયો અમે એને મોંઘી સ્કૂલમાં સાહેબ, ચોર બનાવવા પણ નહી. રઘુનાથજીએ શાંતિથી એમના તરફ પાણીનો ગ્લાસ ધરીને કહ્યું આપણો કરન ચોર નથી બસ, જરા ગભરાયો છે પરીક્ષાથી, ડર છે એને નાપાસ થવાનો ને તમારો. ‘મારો ? મારો ડર હોત તો એણે આવું ખરાબ કામ.. કેશવભાઈ વધુ ગુસ્સે થતા જતા હતા. એ જાેઈ રઘુનાથજીએ કરનને કહ્યું, ‘બેટા, તું જરા બહાર મીના ટીચર સાથે બેસી કાલની પરીક્ષાનું સમજી લઈશ? રઘુનાથજીએ કેશવભાઈને કહ્યું, કરન નાદાન છે તમે તો નાદાન નથી ને ?
કેશવભાઈએ આશ્ચર્યથી એમની સામે જાેયું તમારે કરનને સજા કરવી જાેઈએ. હું ના નહી કહું. રઘુનાથજીએ કહ્યું, ‘સજા પણ થશે પહેલાં નકકી તો કરીએ કે ગુનેગાર કોણ છે ?
હવે કેશવભાઈ અકળાયા જુઓ સાહેબ, મારો છોકરો ડફોળ છે ગધેડાએ કાપલા લાવીને મારું નામ બોળ્યું હવે તમે ગૂંચવાડા કરો છો તમે જે કરવા જાેગ હોય તે કરો એટલે અમે ઘરે જઈએ.

‘ઘરે જઈને તમે શું કરશો ?’
પ્રિન્સિપાલ હજુ તો પ્રશ્ર પૂરો કરે તે પહેલાં જ કેશવભાઈએ કહ્યું એને સીધોદોર કરીશ, ફરી ચોરી કરવાની હિંમત નહી કરે. વાંચવા સિવાય બીજું કશું કરવાની વાત નહીં કરે.
હવે પ્રિન્સિપાલ ઉભા થઈ ગયા, તમારી સમજને શું થયું છે ભાઈ ? દીકરો આત્મહત્યાનો પ્રયાસ કરે છે ને તમે એને મારવાની વાત કરો છો ? એ સુંદર કલાકાર થઈ શકે છે એ તમને દેખાતું નથી? એ તમારી ધાકથી પાસી થવા ચોરી કરવાની કક્ષાએ જઈ શકે છે તે નથી દેખાતું? એને ભણવામાં રસ ઓછો છે અને એનો કલાકારજીવ કૈક નવું સર્જવા થનગની રહ્યો છે. એ ગૂંગળાઈ રહ્યો છે એને એની મરજીથી જીવવા દો. થોડો સમય આપો. એ ભણશે.. ભલે ડોકટર ન બને, એ સારો કલાકાર બની તમારું નામ ઉજાળશે.  પણ એના સારા માટે.’ કેશવભાઈ બોલે ત્યાં એમના પત્નીએ એમને અટકાવ્યા. સાહેબ સાચું કહે છે તમે દીકરાને બહુ દાબમાં રાખો છો. એ તમને જાેઈને ધ્રૂજવા લાગે છે બોલી શકતો નથી.
‘એ જ કહું છું ભાઈ, પ્રિન્સિપાલે સમજાવીને કહ્યું, દીકરાને પ્રેમથી સમજાવો કે અભ્યાસ મહત્વનો છે. પણ તારે પાસ થઈને જે કરવું હોય તે કરજે. અમારા માટે તું વહાલો છે, તારા માકર્સ નહી. થોડી સમજાવટથી કેશવભાઈ સમજી ગયા જતી વખતે એમણે જે રીતે કરનના ખભે હાથ મુકયો તે જાેઈને લાગતું હતું કે કરનનું ભવિષ્ય ઉજ્જવળ છે.
પરીક્ષાનો સમય નજીક હોય ત્યારે બાળકો પર દબાણ ન આપવું બસ, સ્નેહથી સાથે રહી વિશ્વાસ આપવો કે અમે તને પ્રેમ કરીએ છીએ. તારા રિઝલ્ટને નહી. અલબત્ત, મહેનત કરવી જાેઈએ પણ ચિંતા નહી. આટલું થાય તો હજારો આત્મહત્યા થતી અટકી જાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.