Western Times News

Gujarati News

Gujarat : આ ગામના ૯૦% ખેડૂતો મધમાખી ઉછેર સાથે સંકળાયેલા છે

મહેમદાવાદ ખાતે મધમાખી પાલન તથા પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ

(માહિતી) નડિયાદ, ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં જાળીયા ગામે કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં નાયબ બાગાયત નિયામકની, ખેડા-નડિયાદની કચેરી દ્વારા ખેડૂતો માટે મધમાખી પાલન તથા પ્રાકૃતિક ખેતીની એક દિવસીય તાલીમ યોજાઈ હતી.

જાળીયા ગામના ૯૦% ખેડૂતો મધમાખી ઉછેર સાથે સંકળાયેલા છે ત્યારે આ તાલીમ ગામના તથા જિલ્લાના ખેડૂતો માટે ખૂબ જ્ઞાનસભર સાબિત થઈ હતી.આ તાલીમમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી કઈ રીતે ઓછા ખર્ચમાં વધુ પૈસા કમાઈ શકે તે કલેક્ટર કે.એલ.બચાણી દ્વારા સમજાવવામાં આવ્યું હતું.

સાથોસાથ કલેક્ટર એ જાળીયા ગામના ખેડૂતોની કામગીરી બિરદાવી ગુજરાત સરકારની મધમાખી મિશન યોજનાની ઉપયોગી માહિતી આપી હતી.કલેક્ટર કે.એલ.બચાણીએ જાળીયા ગામના ખેડૂત અર્જુનભાઈની કામગીરી બિરદાવી અને મધમાખી ઉછેરમાં સરકાર દ્વારા મળતી સહાયની જાણકારી આપી ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો હતો. તેઓએ પ્રાકૃતિક ખેતી અને મધમાખી ઉછેરમાં સબસીડી અંગેની માહિતી પણ ખેડૂતોને આપી હતી.

પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને બળ મળે તે માટે કલેક્ટર એ પ્રેરણા આપી હતી. સાથોસાથ જિલ્લાના ખેડૂતોને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા યોગ્ય મદદ તથા માહિતી મળી રહે તે માટે તેઓએ ડી.આઈ.સીના અધિકારીશ્રીને યોગ્ય સૂચના આપી હતી.કલેક્ટર કે.એલ. બચાણીએ જણાવ્યું કે મધમાખી ઉછેરનો અર્થ ખેડૂતોની આવકમાં વધારો અને ગ્રાહકના સ્વાસ્થ્યમાં સુધારો છે.

મધમાખી ઉછેરની માહિતી આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે આ ઉદ્યોગથી ગ્રામીણ રોજગાર પેદા થઇ શકે છે અને ખેત ઉત્પાદન વધી શકે છે. ગામનો કોઈ પણ વ્યક્તિ મધમાખી ઉછેર કરી શકે છે. મધમાખી ઉછેર પર્યાવરણીય જાગૃતિને પ્રોત્સાહન આપે છે અને પર્યાવરણને જાળવી રાખે છે તેમ તેઓએ જણાવ્યું હતું.

કલેક્ટર એ મધમાખી દ્વારા તૈયાર થતી પ્રોડક્ટની પ્રક્રિયાની રૂબરૂ મુલાકાત લઈ નિહાળી હતી. જેમાં રોયલ જેલી, પરાગરજ, વબી વેક્સ વિષે કલેક્ટરશ્રી દ્વારા જાણકારી મેળવવામાં આવી. ખેડૂતો દ્વારા મધ કેવી રીતે કાઢવામાં આવે છે તેના વિશે વિષે જાણ્યું.

ગુજબી એફપીઓના ડાયરેક્ટર દિપેનભાઈ પટેલે કલેક્ટર ને સેરેના મધમાખી અને ટ્રાયગોના મધમાખી વિષે માહિતી આપી જણાવ્યું કે મધમાખી ઉછેર વ્યવસાયમાં મધ તો મળે જ છે પણ તેની સાથોસાથ પરાગરજ, રોયલજેલી જેવી કેટલીક અન્ય પેદાશો પણ પ્રાપ્ત થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.