Western Times News

Gujarati News

રેખાબહેન નાગલીમાંથી પરંપરાગત વાનગી બનાવી, વેચાણ કરી બન્યાં આત્મનિર્ભર

ડાંગનાં રેખાબહેન દાળવી બન્યાં ‘કુપોષણ સામે નાગલી’નાં પ્રચારક

‘2023-આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ’ના હેતુને સાકાર કરવા રાગી(નાગલી)નો બહોળો પ્રચાર કરતાં રેખાબહેન

રેખાબહેન અને તેમના લક્ષ્મી સખી મંડળે અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાયેલા આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનઔષધિ વેચાણ અને પ્રદર્શન મેળામાં ડાંગની પરંપરાગત વાનગીઓને લઈને શહેરીજનોને અનોખો સ્વાદ ચખાડ્યો હતો. Dang’s Rekha Dalvi became the propagandist of ‘Fight against malnutrition’

તાજેતરમાં અમદાવાદના રિવરફ્રન્ટ પર પરંપરાગત આદિવાસી હસ્તકલા-કૃતિ, આહાર, વન ઔષધી, વેચાણ તથા પ્રદર્શન મેળો યોજાઈ ગયો. આ મેળો ફક્ત પ્રદર્શન કે વેચાણ પૂરતો સીમિત ન હતો, પરંતુ આ મેળાથી આદિજાતિ સમાજની પ્રાચીન પરંપરાઓ અને વસ્તુઓનો દેશ વિદેશમાં પ્રચાર થયો.

આદિજાતિ વિસ્તારના લોકોના આહારવિહારનો અમદાવાદ જેવા શહેરના લોકોને પરિચય થયો. પ્રાકૃતિક અને પરંપરાગત વસ્તુઓની સાથે આ મેળાથી આદિજાતિ સમુદાયના લોકો શહેરના લોકોનું સ્વાસ્થ્ય સુધરે તથા આ પ્રકારના આયોજનથી સમુદાયના લોકોને પણ આર્થિક લાભ થાય, તેઓ સમાજમાં સન્માનભેર જીવી શકે તેવું રાજ્ય સરકારનું લક્ષ્ય પુરવાર થતું જોવા મળ્યું.

વર્ષ 2009 માં એક નાનકડા જૂથથી બનેલું ‘લક્ષ્મી સખી મંડળ’ મહિલાઓ દ્વારા ફક્ત બચત કરવાના હેતુથી શરૂ કરવામાં આવ્યું હતું. આ જૂથને શરૂ કરનાર એટલે ડાંગ જિલ્લાના રેખાબહેન એસ. દાળવી. રેખાબહેન અને તેમનું લક્ષ્મી સખીમંડળ પૈસાની બચત કરતા કરતા વ્યવસાય તરફ આગળ વધ્યાં.

આ પ્રકારનો વ્યવસાય કરવા માટે તેમને ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. અમદાવાદમાં યોજાયેલા આ પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનઔષધી વેચાણ અને પ્રદર્શન મેળામાં રેખાબહેન સહભાગી બન્યાં.

ડાંગ જિલ્લાની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રેખાબેન અને તેમની તેમના જૂથ લક્ષ્મી સખી મંડળને નાગલી કે રાગીમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવી. રેખાબહેનના કહેવા મુજબ, શરૂઆતમાં તેઓ નાગલીમાંથી ફક્ત રોટલા જ બનાવતા.

નાગલી જેવા ધાનમાંથી રોટલા સિવાય વિવિધ પ્રકારની વાનગીઓ પણ બનાવી શકાય તેનો તેમને ખ્યાલ ન હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંપર્કમાં આવ્યા બાદ તેમણે વ્યાવસાયિક દૃષ્ટિએ પૂરતા પ્રમાણમાં તાલીમ મેળવી અને એ તાલીમ મેળવ્યા બાદ પહેલાં જ્યારે તેઓ નાગલીમાંથી ફક્ત રોટલા જ બનાવતા તો તાલીમ મેળવ્યા બાદ નાગલીમાંથી બિસ્કિટ, વેફર, પાપડ, પાપડી, લાડુ, શીરો, સેવ જેવી વિવિધ પ્રકારની વાનગીઓ પણ બનાવવા લાગ્યા.

વર્ષ 2023 ને જ્યારે ‘આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ’ તરીકે ઊજવવામાં આવી રહ્યું છે ત્યારે નાગલી કે રાગી મીલેટ્સમાં સમાવેશ થતું પોષક તત્ત્વોથી ભરપૂર એક પ્રકારનું ધાન છે. નાગલીનો ઉપયોગ આજના સમયમાં વિવિધ પ્રકારે થવા લાગ્યો છે. ‘કુપોષણ સામે નાગલી’ જેવા વિચાર સાથે લક્ષ્મી સખી મંડળ ખૂબ જ મોટા પ્રમાણમાં તેનો પ્રચાર અને ઉપયોગ કરી રહ્યા છે.

નાગલીના વિવિધ ફાયદા જોવા જઈએ તો, તેમાં કાર્બોહાઈડ્રેટ્સ ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે છે અને ચરબીનું પ્રમાણ તેમાં ખૂબ જ ઓછું હોય છે જેના કારણે વજન ઘટાડવા ઇચ્છતા લોકો માટે તે ખૂબ જ ઉપયોગી હોય છે. નાગલીમાં કેલ્શિયમ ભરપૂર હોવાથી નાનાં બાળકો અને વૃદ્ધોમાં પણ તે ફાયદાકારક હોય છે.

ડાયાબિટીસ, એનિમિયા, બ્લડ પ્રેશર, લીવર, અસ્થમા અને હૃદય રોગમાં પણ તે ખૂબ જ ઉપયોગી હોય છે. નાગલીની પરાડ પશુ આહાર માટે પણ ખૂબ જ પૌષ્ટિક આહાર છે.

આ જ નાગલીનો ઉપયોગ કરતાં વ્યાવસાયિક દૃષ્ટિએ લક્ષ્મી સખી મંડળને ખૂબ ફાયદો તો થવા જ લાગ્યો તે ઉપરાંત, મહિલાઓના આ જૂથને ડાંગ જિલ્લામાં વિવિધ જગ્યાએ વ્યાવસાયિક તાલીમ આપવાની પણ તક મળી. વિદ્યાર્થીમાંથી જ્યારે શિક્ષક બનવાની તક મળે ત્યારે તે રેખાબહેન જેવા સામાન્ય મહિલા કે જેઓ ડાંગ જિલ્લાના આદિજાતિ વિસ્તારથી નીકળીને આવ્યા હોય તો તેમના માટે આ પ્રકારનનો અનુભવ ખૂબ જ ખાસ રહ્યો.

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા તથા ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા રેખાબહેન અને તેમના લક્ષ્મી સખી મંડળને વિવિધ શહેરોમાં યોજાતા મેળાઓમાં પણ ભાગ લેવાની તક આપવામાં આવે છે. રેખાબહેનના કહેવા મુજબ અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં ડાંગના આહવા જેવા નાના સ્થળેથી આવવું અને શહેરના લોકોને ડાંગના રોટલા અને શાકનો સ્વાદ ચખાડવો તે તેમના માટે આનંદ અને સંતોષકારક અનુભૂતિ છે.

Dang’s Rekha Dalvi became the propagandist of ‘Fight against malnutrition’

વર્ષ 2016 થી ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા રેખાબહેન અને તેમના મિશન મંગલમ્ જૂથને અમદાવાદ હાટમાં વેચાણ તેમજ પ્રદર્શનની તક આપવામાં આવે છે. રેખાબહેનના વ્યાવસાયિક અનુભવમાં આગળ વધતા તેઓને ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા રૂપિયા 10 લાખની સહાય કરવામાં આવી. આ સહાયની મદદથી તેઓએ મહિલાઓ સાથે મળીને પોતાની એક હોટલ પણ શરૂ કરી છે.

ડાંગ જેવા અંતરિયાળ જિલ્લામાંથી આવેલી મહિલાઓ આ પ્રકારનો વ્યવસાય ચલાવી શકે અને પોતાની એક હોટલ પણ શરૂ કરી શકે, એ અકલ્પનીય લાગે! એટલું જ નહિ, મહિલાઓનું આ લક્ષ્મી સખી મંડળ ટેક્ સેવી પણ બની ગયું છે. ઓનલાઇન માધ્યમથી પૈસાની આપ-લે કરતા રેખાબહેન ખરેખર ડાંગના પરંપરાગત આદિજાતિ વિસ્તારની નારીશક્તિના ઉદાહરણ સમાન છે. – શ્રદ્ધા ટીકેશ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.