Western Times News

Gujarati News

રાજ્ય સરકાર દ્વારા કરાયેલ ખેતીની જમીનની ફેર માપણી (રી-સર્વે) માં થયેલ ભૂલોથી ખેડૂતો હેરાન-પરેશાન

જીલ્લાની ડીઆઈએલઆર કચેરી માંથી માહિતી અધિકાર હેઠળ મળેલ માહિતી આશ્ચર્યજનક.

ભરૂચ: રાજ્ય સરકાર દ્વારા ખેતીની જમીનના થયેલ રિસર્વેની કામગીરીમાં ગંભીર ભૂલો થવાના કારણે જિલ્લાભરના ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે.રિસર્વેમાં થયેલ ભૂલો સુધારણાનું કામ હજી પચાસ ટકા પણ નહિ પૂર્ણ થતા ખેડૂતો ખુબ હેરાન પરેશાન થઈ રહ્યા છે.સરકારમાં કોઈ ઠોસ જવાબ મળતો નથી અને રીસર્વે કરી ગયેલ ખાનગી કંપનીની ભૂલો ડીઆઇએલઆર પર થોપી દેવતા કચેરીના કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખાનગી કમ્પનીને કોન્ટ્રકટ આપી રાજ્યની ખેતીની જગ્યાની ફેર-માપણી કરાવી નવા નકશાઓ બનાવવામાં આવ્યા હતા અને તે એજન્સી દ્વારા નવા બનાવાયેલ નકશાઓ અને ૭/૧૨ ના ઉતારામાં અનેક ખામીઓ આવી છે.ખામીઓને સુધારવા માટે ખેડૂતો એ જે તે જીલ્લા ની ડીઆઇએલઆર (જીલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરી) એ ધક્કે ચડ્યા છે જ્યાં તેમની અરજીઓ નો સમયસર કોઈ નિકાલ ના આવવાના કારણે ખેડૂતો અનેક મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે.

તંત્રની લાચારી કે નિષ્કાળજી ? ફેર માપણી ખેડૂતના હિત માં કે અહિત માં?

આ એજન્સી દ્વારા જીપીએસ પધ્ધતિનો ઉપયોગ કરી માપણી કરી નકશાઓ બનાવ્યા છે પરંતુ તે માટે મોટા ભાગના કિસ્સાઓમાં તેમણે જે તે ખાતેદારને માપણી વખતે સ્થળ પર હાજર રાખ્યા નથી તેમજ માપણી થયા પછી તૈયાર થયેલ ૭/૧૨ ની સહમતી કે જાણકારી ખેડૂતને કરાઈ નથી. સરપંચ કે તલાટીઓ ને જ માહિતગાર કર્યા છે.

હવે ખેડૂતને જયારે આ બાબતની જાણકારી થાય છે અને એ નકલમાં ખામી દેખાય ત્યારે ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ થી ખેડૂત ને કેહવામાં આવે છે કે તમે જીલ્લા ની ડીઆઇએલઆર ની કચેરી માં ફેર માપણી માટે અરજી કરો. જીલ્લા માં થયેલ અરજીઓ નો નિકાલ મહિનાઓ સુધી આવતો નથી અને ખેડૂતો એ વારંવાર જીલ્લા સુધી દોડવું પડે છે.ફેરમાંપણી દ્વારા સુધારો ના થાય ત્યાં સુધી ખેડૂત પોતાની જમીનની વહેચણી, એકત્રીકરણ કે વેચાણ કરી શકતા નથી . મોટા ભાગના કિસ્સાઓમાં ખેડૂતોની જમીન ઓછી થઈ જવાના બનાવો બન્યા છે.

આમ ખેડૂત સરકારની ભૂલ નો ભોગ બની રહ્યા છે.ગુજરાત સરકાર દ્વારા જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એ એજન્સીને આ રેકર્ડની ખામીઓની દુરસ્તી કરાવ્યા વગર કોન્ટ્રાક્ટ પૂરો કરવામાં આવ્યો છે ! અને આ ખામીઓને દુર કરવાની કામગીરી સ્થાનિક ડીઆઈએલઆરને કરાવવા માટે આપ્યું છે. ડીઆઈએલઆર પાસે આવેલ અરજીઓની સામે કર્મચારીઓની સંખ્યા પૂરતા પ્રમાણ માં નથી. હાજર સંખ્યા માં પણ અનેક રજાઓ ઉપર છે.ભૂલો એજન્સી દ્વારા કરવામાં આવી અને સુધારવાની કામગીરી સ્થાનિક ડીઆઈએલઆર ને સોપવામાં આવતા આ સરકારી કર્મચારીઓ માં પણ નારાજગી દેખાઈ રહી છે.તેમની આ નારાજગીની રજૂઆત તેમના યુનિયન મારફતે સરકાર ને પણ કરી છે.

ઉકેલ ના આવતા આ મામલે હડતાલ પણ કરી હતી પરંતુ સરકાર દ્વારા નક્કી થયા મુજબ આ કામગીરી સ્થાનિક ડીઆઈએલઆર દ્વારા જ કરવાની  થાય છે જેથી કર્મચારીઓમાં આક્રોશ પણ છે. સ્ટાફ ઓછો છે અને તેમાં પણ અધિકારીઓ રજાઓ ઉપર વધારે રહે છે.જોકે સરકારની નીતિગત ભૂલો તેમજ સરકાર અને કર્મચારીઓ વચ્ચેના સંકલનના અભાવ નો ભોગ કેહવાતા “જગત નો તાત” એટલે કે ખેડૂત બની રહ્યા છે.

સ્થાનિક સામાજિક સંગઠન પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા આ બાબતમાં માહિતી અધિકાર હેઠળ અરજી કરી માહિતી માંગવામાં આવી  હતી જે મળતા તેમા આશ્ચર્યજનક વિગતો સામે આવી છે અને સરકારના વિભાગોની કામગીરી જાહેર થઈ  છે.આં નવા નકશા જાહેર થયા પછી એટલેકે ૨૦૧૭ પછી ૦૬/૧૧/૧૯ સુધી માં કુલ  ૫૧૧૩ વાંધા અરજીઓ આવી છે જેમાં ૨૪૫૩ અરજીઓ (૪૮% અરજીઓ) નો નિકાલ કરવામાં આવ્યો છે.

જયારે ૨૬૫૦ અરજીઓ (૫૨% અરજીઓ) નો નિકાલ કરવાનું બાકી છે.  પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમભાઈ પટેલે માહિતી મેળવ્યા પછી આ બાબતે ભરૂચ જીલ્લાની ડીઆઈએલઆર કચેરીના અધ્યક્ષને આ બાબત માં પૂછતા જણાવ્યું હતું કે અરજદારો તકલીફો ભોગવી રહ્યા છે એ વાત સાચી છે.હું અઢી મહિના (૭૫ દિવસ ) રજા પર હતો. અને ભૂતકાળ માં એજન્સીએની કામગીરી વિષે મારાથી કશું કેહવાય એમ નથી છતાં પણ અમે આ મહિનાના અંત સુધીમાં સપ્ટેમ્બર- ૧૯ સુધી આવેલ અરજીઓનો નિકાલ કરવાનો લક્ષ્યાંક રાખેલ છે.અમે શક્ય એટલા દરેક પ્રયત્ન કરીશું.

ગુજરાત સરકાર ના દાવા મુજબ મહેસુલ પ્રક્રિયા અત્યંત સરળ અને પારદર્શી બનાવી છે અને રાજ્ય સરકારે આઈઓઆરએ – ૨.૦ નો અમલ કર્યો છે અને આ બાબતમાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.જોકે આ દાવા ની વિપરીત વાસ્તવિકતા છે.સરકાર અને અધિકારીઓ પણ જાણે છે કે ભૂલો થઈ છે અને તે સુધારવાની પ્રક્રિયા ચાલુ છે અને આ ક્યારે પૂર્ણ થશે એ બાબત માં હાલ અધિકારીઓ કાઈ પણ કહેવા અસમર્થ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.