Western Times News

Gujarati News

કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો

સુંદર મજાનાં બાગ-બગીચામાં જઈ ફૂલો તોડવાની મનાઈ હોવા છતાં ફૂલો તોડવા, ગંદકી કરવી, બાળકોના રમવા માટે મૂકેલા સાધનોને નુકસાન પહોંચાડવું, એસ.ટી.ની બસમાં બેસવું છે, પણ ટિકિટ નથી લેવી

ભારતીય પ્રજાને ઓળખવી હોય તો સાવ સહેલું છે, જે લોકો કાયદાઓની ઐસી-તૈસી કરતાં રહે છે, તેઓ ભારતીય છે. જેઓની જાહેર આદતો બધા કરતા વિચિત્ર છે અને જેઓ ગાડીમાંથી કચરો ફેંકતા રહે છે. જેઓના ચહેરા પર કાયદા તોડયાનો અપૂર્વ આનંદ છલકાતો હોય છે. જેઓ દરેક જગ્યાએ સેટિંગ શોધતા હોય છે અને કરી પણ લેતા હોય છે તે ભારતીય લોકો જ હોય શકે છે, જેઓ વિમાનમાં પણ કોઈ વાર મૂત્ર-વિસર્જન કરી શકે એ મારા-તમારા સૌના ભારતીય..

‘જાતીય પરીક્ષણ એ ગુનો છે, અમારે ત્યો આવું કોઈ પરીક્ષણ થતું નથી.” શાળાઓ તથા મહાશાળાઓની આસપાસ ર કિ.મી.ના દાયરામાં ગુટકા કે તમાકુનું વેચાણ કરવું એ કાનૂની ગુનો છે. ‘જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવું એ ગુનો છે.’ ‘લાલ લાઈટ જાેઈને થોભો’ ‘જયાં-ત્યાં કચરો ના ફેંકો.’ ‘ટ્રાફિકના નિયમોનું પાલન કરો.’ વગેરે વગેરે નિયમો અને કાયદાઓનું આપણે ખુલ્લેઆમ ખૂન કરી નાખતા હોઈએ છીએ.

કાયદા અને નિયમોનંુ પાલન ના કરવું એ આપણા સૌનો ‘રાષ્ટ્રીય સ્વભાવ’ બની ચૂકયો છે. કાયદાઓ આપણાં ભલા માટે ઘડવામાં આવતા હોય છે. સમાજના દૂષણો સામે રક્ષણ આપવા માટે ઘડાતા હોય છે પણ આપણે આપણા અંગત સ્વાર્થ માટે આવા કાયદાઓને નેવે મૂકી દેતાં હોઈએ છીએ. આપણા દેશમાં દરેક જ્ઞાતિ, જાતિ, શિક્ષિત, અશિક્ષિત, પરિણીત, અપરિણીત, બધાં જ જાહેર સ્થળોએ પોતાની આ કળા બતાવતા રહે છે. જાણે કે કાયદાઓ તોડવા એ બહાદુરીનું કામ હોય એવું લાગ્યા કરે છે. ઘણાને તો કાયદાઓ તોડીને પોલીસને અને જે તે સ્થળના કર્મચારીઓને હેરાન કરવાની મજા આવતી હોય છે !

આપણે આપણી જિંદગી બચાવવા હેલ્મેટ પહેરવાનું કહેવામાં આવે છે પણ આપણે માનતા નથી ને પરિણામે દર વર્ષે સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. કોઈપણ સમાજમાં શાંતિ જાળવવા માટે કાયદાઓનું પાલન કરવું જરૂરી હોય છે પણ આપણે એ નથી કરતાં એટલે ના તો શાંતિ જળવાય છે કે ના તો દૂષણો દૂર થાય છે. હકીકત તો એ છે કે આપણે જ કાયદાઓને આપણાં સ્વાર્થ માટે તોડવાના પૈસા આપતા રહીએ છીએ. પૈસા આપીને આપણે ત્યાં સામેથી ભ્રૂણ-હત્યા કરાવતા હોય છે. ભ્રૂણ-હત્યાઓ એટલે જ અટકતી નથી.

સુંદર મજાનાં બાગ-બગીચામાં જઈ ફૂલો તોડવાની મનાઈ હોવા છતાં ફૂલો તોડવા, ગંદકી કરવી, બાળકોના રમવા માટે મુકલા સાધનોને નુકસાન પહોંચાડવું, એસ.ટી.ની બસમાં બેસવું છે પણ ટિકિટ નથી લેવી. બસની સીટો પર બ્લેડ મારવી, મોબાઈલ નંબર લખવા, દિલ દોરવા જેવી બિનજરૂરી પ્રવૃત્તિઓ આપણે કરતાં જ રહીએ છીએ. બસ જેટલી નવી એટલી આપણી કારીગરી ઉમદા ! બસમાં ધ્રૂમપાન કરતાં રહે છે. ઐતિહાસિક સ્થળોએ જઈ ગંદકી કરવી, તે સ્થળો પર નામ લખવા, ક્યાં ક્યા આપણે આપણી કળા- કારીગરી નથી બતાવતા !

કેટલું બધું એવું છે, જે આપણે ત્યાં બદલાતું નથી. દેશના અમુક ભાગોમાં હજી આજે પણ બાળ-લગ્નો થાય છે. હકીકત તો એ છે કે દરેક કાયદો આપણે ત્યાં પૈસા કમાવાનું માધ્યમ બની રહે છે. આપણે આપણું કામ જલ્દી કરાવવું હોય છે, એટલે આપણે લાઈનો તોડતા રહીએ છીએ અને સાથે સાથે કાયદાઓ પણ આપણે બધા જ જયારે ચર્ચા કરવાની આવે તો સુરા થઈએ કરી લેતા હોઈએ છીએ કે આ દેશમાં તો કશું બદલાતું જ નથી, પણ આપણે નથી બદલાતા એટલે દેશ બદલાતો હોતો નથી. આપણી જાહેર આદતો એટલી બધી ગંદી છે કે તેના લીધે દેશ પણ ગંદો ને ગંદો જ રહે છે. જે આપણી ખાનગી માલિકીનું નથી તેનો ગમે તે રીતે ઉપયોગ કરીએ. તેને તોડી નાખીએ તો પણ ચાલશે.
કાયદાઓનું પાલન કરીએ અને આપણી જાહેર આદતોને સારામાં સારી બનાવીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.