Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લામાં આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અંતર્ગત પાંચ વર્ષમાં ૧૧.૧૯ કરોડ સહાય ચૂકવાઈ

પ્રતિકાત્મક

ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અંતર્ગત

રાજ્યમાંથી અસ્પૃશ્યતા દુર કરવા તથા સામાજિક સમરસતા લાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે રૂ.૨.૫૦ લાખની સહાય ચુકવવામાં આવે છે : સામાજિક, ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા

વિધાનસભા ગૃહમાં ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના સંદર્ભે પુછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા સામાજિક, ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અસ્પૃશ્યતા દુર કરવા તથા સામાજિક સમરસતા લાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અમલમાં છે.

જે અંતર્ગત અનુસૂચિત જાતિની વ્યક્તિ અને અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ વચ્ચેનાં લગ્ન થાય તો રાજ્ય સરકાર દ્વારા વિશેષ સહાય આપવામાં આવે છે. જેમાં રૂ.૧ લાખની સહાય પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતમાં પ્રમાણપત્રો ભેટ સ્વરૂપે તથા રૂ.૧.૫૦ લાખની રકમ ઘર વપરાશના સાધનો ખરીદવા માટે એમ કુલ રૂ. ૨.૫૦ લાખની સહાય આપવામાં આવે છે તેમ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ યોજનાના માપદંડની માહિતી આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે,  આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુગલ પૈકી કોઈ એક વ્યકિત ગુજરાતના મુળ વતની હોવા જોઇએ. ઉપરાંત આવા લગ્નની નોંધણી કરાવવાની રહેશે અને લગ્ન કર્યા બાદ બે વર્ષની અંદર આ યોજના માટે સહાય મેળવવા અરજી કરવાની રહેશે.

આંતરજ્ઞાતિય લગ્ન કરનાર પરપ્રાંતની વ્યકિતના માતા – પિતા ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોવા જોઈએ. તેમજ અનુસૂચિત જાતિ સિવાયની બીજી વ્યકિત પરપ્રાંતની હોય તો તેણે જે તે પ્રાંત કે રાજ્યમાં તે અસ્પૃશ્ય ગણાતી નથી અને હિંન્દુ ધર્મ પાળે છે તે બાબતનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. તે ઉપરાંત વિધુર કે વિધવા જેને બાળકો ન હોય તેવી વ્યક્તિ જો પુન:લગ્ન કરે તો પણ આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર રહેશે.

અમદાવાદ જિલ્લામાં આ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં કુલ રૂ.૧૧.૧૯ કરોડ સહાય ચૂકવવામાં આવી છે. તેમાં તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં કુલ ૨૯૯ અરજીઓ મળી હતી. તે પૈકી ૨૭૩ અરજીઓ મંજૂર કરી તે પેટે કુલ રૂ.૧,૯૬,૫૦,૦૦૦ની સહાય ચૂકવવામાં આવી હોવાનું મંત્રી જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.