Western Times News

Gujarati News

પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે ધો.૧૦ અને ૧૨ની વિદ્યાર્થિનીઓનો વિદાય સમારંભ યોજાયો

(પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લાના વેજલપુર સ્થિત શ્રીમતી એસ આર દવે કન્યા વિદ્યાલય ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની વિદ્યાર્થિનીઓનો વિદાય સમારંભ નાયબ માહિતી નિયામક સુ પારૂલ મણિયારની અધ્યક્ષતામાં તેમજ શાળાના ટ્રસ્ટીમંડળ,આચાર્ય,શિક્ષકગણ અને વાલીગણની હાજરીમાં યોજાયો હતો. આ શાળામાં અત્યારે ૨૨૪ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય કરીને કરાઈ હતી. શાળાની બાળકીઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગતગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને નાયબ માહિતી નિયામકસુ. પારૂલ મણિયારે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે સંસ્કારની સાથે દીકરીઓ બે કુળને તારે છે. આપણે સમાજને સશક્તિકરણ તરફ લઈ જવો છે. દીકરી તો શક્તિ કહેવાય પણ શ્રદ્ધાવાન બનજાે,સામર્થ્યવાન બનજાે. તેમણે માતાપિતાને વિનંતી કરી હતી કે બાળકીઓને આગળ અભ્યાસ કરાવે, આજે સરકાર દ્વારા અભ્યાસની તકો માટે તમામ પ્લેટફોર્મ ઊભા કરાયા છે તો તેનો વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું.

આ પ્રસંગે શાળાના આચાર્ય હર્ષાબેન પંચાલે જણાવ્યું હતું કે શિક્ષણ થકી એક વિદ્યાર્થીની આવતીકાલની સશકત નારી છે. આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષકગણ અને ટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ દ્વારા વિધાર્થિનીઓને આશીર્વચન અને ઈનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરાયા હતા. અહીં નોંધનીય છે કે ૧૧ શિક્ષિકાઓ અને ૨૨૪ વિદ્યાર્થિનીઓ ધરાવતી આ શાળાએ પંચમહાલ જિલ્લામાં પોતાનું આગવું નામ રોશન કરીને વિવિધ સ્પર્ધાઓમાં ઈનામ જીત્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.