Western Times News

Gujarati News

આણંદના તલાટી મંડળની માંગણી અભરાઈ ઉપર

માસિક રૂ. ૩૧.૬૦ લાખ લેખે ૪૮ મહિનાનો અંદાજીત રૂ.૧૫ કરોડ જેટલો પગાર તલાટીઓની ખાલી પડતી જગ્યાઓ પેટે સરકારના ચોપડે બચત થયો છે.

એક ગામ, એક કર્મચારીની માંગ સંદર્ભે તંત્રનું ઓરમાયું વર્તન

(પ્રતિનિધિ)પેટલાદ, આણંદ જીલ્લો સમગ્ર રાજ્યમાં સમૃદ્ધ ગણાય છે. પરંતુ આ જીલ્લાના ગામડાંઓનો વહિવટ ખાડે ગયો હોવાની ચર્ચાઓ તેજ બની રહી છે. કારણકે જીલ્લાના ૩૫૧ ગ્રામ પંચાયતોનો વહિવટ માત્ર ૨૨૦ તલાટી કમ મંત્રી ચલાવી રહ્યા છે. The demand of Anand District’s Talati Mandal not fulfilled

તેમાંય સરકારની વિવિધ યોજનાઓની વિશેષ કામગીરી અને માર્ચ એન્ડી઼ગના કામનું ભારણ વધતું જાય છે. જેથી આણંદ જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા જીલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી એક ગામ, એક કર્મચારીની માંગણી સંદર્ભે ગત મહિને કરી હતી.

પરંતુ આ માંગણી હાલ અભરાઈ ઉપર ચઢી ગઈ હોવાનો ગણગણાટ તલાટીઓમાં ચાલી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવી માંગણી અન્ય જીલ્લાઓમાં તંત્ર દ્વારા સ્વિકારી એક ગામ, એક કર્મચારીના હુકમો થયેલ છે, પરંતુ આણંદ જીલ્લાના તલાટીઓ સાથે તંત્ર દ્ધારા ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોવાની વાત ચર્ચાસ્પદ બનવા પામી છે.

મળતી માહિતી મુજબ આણંદ જીલ્લામાં ૩૫૧ ગ્રામ પંચાયતો આવેલ છે. જેના વહિવટ માટે સરકાર દ્ધારા ૩૭૮ તલાટી કમ મંત્રીનું મહેકમ મંજુર કરેલ છે. પરંતુ હાલ માત્ર ૨૨૦ તલાટીની જગ્યાઓ ભરેલ હોવાથી ૧૫૮ તલાટીની ઘટ છે. એટલે ૧૩૧ જેટલી ગ્રામ પંચાયતોનો વહિવટ ઇન્ચાર્જ તલાટી થકી ચાલી રહ્યો છે.

આમ ૨૨૦ પૈકી ૧૩૧ તલાટી કમ મંત્રી એવા છે કે જેઓની પાસે એક કરતાં વધુ ગ્રામ પંચાયતોનો કાર્યભાર છે. આટલું જાણે કે અપુરતુ હોય તેમ તાજેતરમાં ૧૪૬ જેટલી ગ્રામ પંચાયતોમાં વહિવટદાર તરીકે પણ આ જ ૨૨૦ પૈકીના તલાટી કમ મંત્રીને જવાબદારી સોંપવામાં આવી છે, જે પંચાયતોની મુદત પૂર્ણ થઈ છે.

આટલા કાર્યભાર વચ્ચે સરકાર દ્ધારા વર્ષ ૨૦૨૧-૨૨ની એગ્રીકલ્ચર સેન્સસની કામગીરી સમય મર્યાદામાં પૂરી કરવા આ જ ૨૨૦ તલાટીઓને તાકીદ કરવામાં આવ્યા હતા. જેથી આણંદ જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તા.૨૩ ફેબ્રુઆરીના રોજ જીલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી.

જેમાં જણાવ્યું હતું કે આ એગ્રીકલ્ચર સેન્સસની કામગીરી સારી રીતે સમય મર્યાદામાં પૂરી થાય તે માટે એક ગામ, એક કર્મચારીની તાત્કાલિક નિમણૂંક કરવી જાેઈએ. ભૂતકાળમાં પણ પીએમ કિસાન, કેસીસી, કૃષિ સહાય, ઈ-શ્રમ વગેરે જેવી યોજનાઓની કામગીરી જે તે વિભાગના કર્મચારીઓ સાથે મળી કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવી છે.

તેમાંય હાલમાં ૧૫મા નાણાં પંચ, વેરા વસૂલાત માટે નાણાંકીય વર્ષનો આખરી મહિનો આવી રહ્યો છે, જેથી તલાટી કમ મંત્રીઓ ઉપર કાર્યભાર વધુ છે. આવા એક ગામ, એક કર્મચારીના હુકમો રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ થયા હોવાનો ઉલ્લેખ આ અરજીમાં કરાયો હતો.

છતાં તલાટી કમ મંત્રી મંડળની માંગણી અભરાઈ ઉપર ચઢાવી ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાની વાત તલાટીઓમાં ચર્ચાનો મુદ્દો બની રહ્યો હોવાનું જાણવા મળે છે. જાેવાનું એ રહેશે કે માર્ચ એન્ડીંગને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જીલ્લા વહિવટી તંત્ર દ્ધારા શું ર્નિણય લેવામાં આવે છે ?

તલાટીઓ આકરા પાણીએ…
મળતી માહિતી મુજબ જીલ્લાની ૩૫૧ ગ્રામ પંચાયતોના વહિવટ માટે માત્ર ૨૨૦ તલાટીઓ જવાબદારી સંભાળે છે. તેમાંય નાણાંકીય વર્ષ પૂર્ણ થવાના આરે છે ત્યારે યોજનાઓના બાકી કામો તથા વેરાની વસૂલાત પૂરી કરવાની હોય છે. ઉપરાંત વર્ષ પૂર્ણ થયા બાદ એપ્રિલ મહિનામાં દરેક તલાટી કમ મંત્રીએ વર્ષ દરમ્યાનના આવક – જાવકનાં હિસાબો મેળવી સરવૈયું રજૂ કરવાનું હોય છે.

તેવામાં તલાટીઓ પાસે એક કરતાં વધુ ગામોની જવાબદારી, એગ્રીકલ્ચર સેન્સસની કામગીરી પૂર્ણ કરવાની જવાબદારી, ઉપરાંત ૧૪૬ જેટલી પંચાયતોના વહિવટદાર તરીકેનો કાર્યભાર પણ સંભાળવાનો હોવાથી તલાટીઓને અત્યારથી જ ઉજાગરા શરૂ થઈ ગયા હોવાનું જાણવા મળે છે.

જેને કારણે તલાટી કમ મંત્રીઓ આકરા પાણીએ હોવાનો છૂપો ગણગણાટ ચાલી રહ્યો હોવાનું પણ જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લાની જે ૧૪૬ ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થઈ છે તેવી પંચાયતોમાં તલાટીની રૂટીન કામગીરી ઉપરાંત સરપંચના તાબા હેઠળ આવતા કામોની જવાબદારી પણ હાલ વહિવટદાર તરીકે નિમણૂંક પામેલ તલાટી સંભાળી રહ્યા છે.

રૂટીન કામગીરી ઉપર અસર
જીલ્લાના ૨૨૦ જેટલા તલાટી કમ મંત્રીઓ ઉપર એગ્રીકલ્ચર સેન્સસની કામગીરી, માર્ચ એન્ડીંગના હિસાબો, વેરા વસૂલાત, એક કરતાં વધુ ગામોની જવાબદારી, ૧૪૬ ગામોમાં વહિવટદાર તરીકેનો હવાલો વગેરે જેવી કામગીરીનું ભારણ છે. તેવા સંજાેગોમાં ગામડાનાં રૂટીન કામો જેવા કે ગ્રાન્ટોના વિકાસલક્ષી કામો, પેમેન્ટ, દબાણો, વિવિધ દાખલા, જુદા જુદા ફોર્મ વગેરે જેવા કામો ખોરંભે પડે તો પણ નવાઈ નહિ હોવાનું જાણવા મળે છે.

પગાર એક, કામ અનેક
પ્રાપ્ત માહિતી મુજબ સામાન્ય રીતે તલાટી કમ મંત્રીનો પગાર આશરે રૂપિયા વીસ હજાર જેટલો હોય છે. આણંદ જીલ્લામાં તલાટી કમ મંત્રીની ૧૫૮ જગ્યાઓ ચાર વર્ષથી ખાલી છે. એટલે માસિક લગભગ રૂ.૩૧.૬૦ લાખ લેખે ૪૮ મહિનાનો અંદાજીત રૂ.૧૫ કરોડ જેટલો પગાર તલાટીઓની ખાલી પડતી જગ્યાઓ પેટે સરકારના ચોપડે બચત થયો છે.

છતાં એક કરતાં વધારે ગામોની જવાબદારી સંભાળનાર તલાટી કમ મંત્રીઓને ઈન્ચાર્જ ભથ્થા પેટે કંઈ જ ચુકવવામાં આવતું નથી અને જે તલાટી કમ મંત્રી એક કરતાં વધુ ગામ ઉપરાંત હાલમાં વહિવટદાર તરીકેનો હવાલો સંભાળે છે તેઓને પણ કંઈ જ વધારાનું ભથ્થું મળતું નથી. એટલે કે તલાટી કમ મંત્રી એક કરતાં વધુ ગ્રામ પંચાયતોના અનેક કામોનો ભાર ઉઠાવે છે છતાં પગાર એક જ મળી રહ્યો હોવાનો છૂપો આક્રોશ તલાટીઓમાં ઉકળી રહ્યો હોવાનું જાણવા મળે છે.દૃ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.