Western Times News

Gujarati News

૨૮ વર્ષે હાઈકોર્ટે આરોપીને નિર્દોષ છોડવાના નીચલી કોર્ટના આદેશને કર્યો રદ્દ

અમદાવાદ, એક રેર કેસમાં ગુજરાત હાઈકોર્ટે પીડિતાના મૃત્યુના મૃત્યુ પહેલાંના નિવેદનને સમર્થન આપતા એક હત્યાના કેસમાં નિર્દોષ છૂટવાના ૨૮ વર્ષ જૂના આદેશને રદ્દ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટે હવે આરોપી પર સદોષ માનવહત્યાનો આરોપ મૂકતા અને તે જ કેસમાં નવા આરોપોનો જવાબ આપવા માટે નોટિસ જારી કરી છે. કેસની વિગતો મુજબ, જગદીશ સોલંકી પર આરોપ હતો કે તેણે ૧૯૯૪માં તેની કાકી ભાવનાબેનની હત્યા કરી હતી અને તેના પર કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી.

આ ઘટના ગઈ ૨૭ નવેમ્બર, ૧૯૯૪માં ભાવનગરમાં બની હતી અને પીડિતાએ દાઝી જવાના કારણે ૨ ડિસેમ્બર, ૧૯૯૪માં હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. સારવાર દરમિયાન પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. ૧૯૯૫માં ભાવનગરની એક સેશન્સ કોર્ટે મરતાં પહેલાં આપવામાં આવેલા નિવેદનને સ્વીકાર્યું નહોતું અને આરોપી જગદીશ સોલંકીને નિર્દોષ જાહેર કર્યો હતો.

આ આદેશને ગુજરાત સરકારે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. લગભગ ૨૮ વર્ષ પછી એ.વાય. કોગજે અને જસ્ટીસ એમ.આર. મેંગડેની બેંચે અપીલની સુનાવણી કરી હતી અને આરોપી જગદીશને નિર્દોષ છોડવાના આદેશને રદ્દ કર્યો હતો.

નિર્દોષ છોડવાના આદેશને રદ્દ કરતા બેંચે પીડિતાના મૃત્યુ પહેલાં આપવામાં આવેલા નિવેદનને સમર્થન આપ્યું હતું. સાક્ષીની જુબાની પર આધાર રાખીને તેને નકારી કાઢવા માટે ટ્રાયલ કોર્ટની ટીકા પણ કરી હતી. હાઈકોર્ટે મૃત્યુ દરમિયાન આપવામાં આવેલાં નિવેદનના રેકોર્ડિંગ સંબંધિત પુરાવાઓ વિશે બચાવ પક્ષના વકીલ દ્વારા ઉઠાવવામાં આવેલી શંકાઓને નકારી કાઢી હતી.

બેંચે જણાવ્યું કે, કોર્ટનું માનવું છે કે મરતાં પહેલાં આપવામાં આવેલું નિવેદન વાજબી શંકાની બહાર સાબિત થાય છે અને પુરાવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કોર્ટે સાક્ષીઓને એક ચોક્કસ પ્રશ્ન પૂછવા માટે ટ્રાયલ કોર્ટની પણ ટીકા પણ કરી હતી. જે સંપૂર્ણ રીતે બિનજરુરી હતું અને એવું લાગી રહ્યું છે કે સાક્ષીઓને માત્ર એક પ્રકારના જવાબ આપવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

આરોપીને નિર્દોષ છોડી મૂકવાના આદેશને રદ્દ કરતા બેંચે કહ્યું કે, તેઓને આરોપી જગદીશ સોલંકીને આઈપીસીની કલમ ૩૦૪ હેઠળ દોષિત ઠેરવવા માટે પૂરતાં પુરાવા મળ્યા છે અને તેના માટે આરોપ મૂક્યો છે. કોર્ટે આરોપી જગદીશ સોલંકીને નોટિસ ફટકારીને ૨૬ એપ્રિલે તેનો જવાબ આપવા માટે જણાવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.