Western Times News

Gujarati News

નશાબાજ રેલ્વે ફાટક કર્મચારીની બેદરકારીથી ગંભીર અકસ્માત થયો હોવાનો લોકોનો આક્ષેપ

ભરૂચ તાલુકાના દયાદરા નજીકનો રેલ્વે ફાટક બંધ ન કરાતા માલગાડીએ કન્ટેનર ટ્રકને ટક્કર મારી

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તાલુકાના દયાદરા ગામ પાસેથી ભરૂચ – દહેજ નેરોગેજ રેલ્વે લાઈન પસાર થાય છે.જેમાં રોજેરોજ નબીપુર,જંબુસર તરફથી સેંકડો નાના મોટા માલવાહક વાહનો પસાર થતાં હોય છે.રેલ્વે ફાટક પર વાહનોની સંખ્યા વધી જતા વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા રહે છે.

ત્યારે ગત બુધવાર રાત્રીના સમયે રાબેતા મુજબ વાહનો ફાટક પરથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે રાત્રીના ૧૧ કલાકની આસપાસ કોલસો ભરી એક માલગાડી ભરૂચ તરફ આવી રહી હતી.તે દરમ્યાન દયાદરા ફાટક પરથી પસાર થઈ રહેલ કન્ટેનર ટ્રક સાથે રફતારમાં આવતી માલગાડી ધડાકાભેર કન્ટેનર સાથે ભટકાઈ હતી.

જાેકે કન્ટેનર ચાલકને અકસ્માતની આશંકાઓ લાગી આવતાં ટ્રકના કેબિન માંથી કુદી ફાટક બહાર પહોંચી જતાં સદ્દનસીબે તેનો બચાવ થયો હતો.કન્ટેનર ટ્રક અને માલગાડીના ધડાકાભેર અકસ્માતના અવાજથી આસપાસના રહીશોમાં ભય ફેલાયો હતો અને ધટના સ્થળે દોડી આવ્યા હતા.

માલગાડી ૩૦૦ થી વધુ મીટર દૂર પહોંચી અટકી હોવાનું હાજર લોકોએ જણાવ્યું હતું.દોઢ કલાક સુધી માલગાડી ફાટક પર ઉભી રહેતાં વાહન વ્યવહાર પણ એક સમયે ખોરવાયો હતો.જેના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.દોઢ કલાક બાદ સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથધરી હતી.ત્યારે ભયભીત થયેલ લોકોએ ફાટક દૂર કરવાની પણ માંગ પણ ઉચ્ચારી હતી.

દયાદરા ગામ નજીકની રેલ્વે ફાટક ઉપર ઘટના બનતા આસપાસના રહીશો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.પરંતુ આ દરમ્યાન રેલ્વે ફાટક કન્ટ્રોલ રૂમમાં જાેતા નજારો કઈ અલગ જ હતો. ગંભીર અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા

તપાસ કરતા રેલવેની ફાટક નો ગેટમેન ઊંઘતો નજરે ચઢ્યો હતો તેને જગાડતા તે દારૂનો નશો કરી ઊંઘતો હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યા હતા અને તેને ખબર ન હતી કે ફાટક બંધ કરવાની છે તેવું ગેટમેને રટણ કર્યું હતું.

ગ્રામજનોના જણાવ્યું અનુસાર સવારે ૧૧ વાગ્યાની આસપાસ પણ એક માલગાડી દયાદરા ફાટક પરથી રફતારથી પસાર થઈ હતી.જેમાં રેલ્વે ફાટક ખુલ્લી રહી ગઈ હતી.જાેકે રેલ્વે ફાટકનો ગેટમેન ભીખા શંકરભાઈને પૂછતાં તેને જણાવ્યું હતું કે મને ખબર જ નથી કે ટ્રેન આવવાની છે મેસેજ નથી મળ્યા.

ત્યારે આવી ગંભીર બેદરકારીના પગલે નિર્દોષ લોકોના જીવ સાથે રમત રમતા જવાબદાર લોકોની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.જેથી જવાબદાર તમામ લોકો ઉપર દંડાત્મક કાયદેસરની કાર્યવાહી થવી જાેઈએ તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૫ માં પણ ફાટક ખુલ્લી રહેતા રાત્રીના સમયે માલગાડીએ એક ઈકો કારને ટક્કર મારી હતી જેમાં સવાર દારૂલ ઉલ્લુમ ના વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બન્યા હતા અને ૫ વિદ્યાર્થીઓ ના મોત પણ થયા હતા અને ૫ થી વધુ વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ત્યારે વારંવાર આવી ગંભીર બેદરકારી સામે આવતા જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી થાય તે જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.