Western Times News

Gujarati News

દહેજમાં ગટરમાં મૃત્યુ પામેલ ૩ સફાઈ કર્મીના પીડિત પરિવારને રૂા.૧૦ લાખનું વળતર

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) ભરૂચ, દહેજમાં ૨૦ ફૂટ ઊંડી ગટરમાં ૩ સફાઈ કામદારોના મોત મામલે સફાઈ કર્મચારી આયોગના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અંજના પવારે  ભરૂચ દોડી આવી પીડિત પરિવાર સાથે સ્થળ મુલાકાત કરી હતી.

ડ્રેનેજમાં કોઈ માનવી ને નહિ ઉતારવાનો સ્જી એક્ટ ૨૦૧૩ નો કાયદો દેશમાં અમલી હોવા છતાં દહેજમાં તેનું ઉલ્લંઘન થયું હતું.દહેજ સરપંચ જયદીપસિંહ રણા, ડેપ્યુટી મહિલા સરપંચના પતિ મહેશ ગોહિલે રજાના દિવસે મુખ્ય ડ્રેનેજ સાફ કરવા મૂળ દાહોદના કામદારોને કહ્યું હતું.પાંચ પૈકી ૩ કામદારો સેફટીના સાધનો વિના ૨૦ ફૂટ ઊંડી ગટરમાં ઉતરતા ગૂંગળામણથી મોતને ભેટ્યા હતા. દહેજની આ દુર્ઘટનાના નેહશન હ્યુમન રાઇટ્‌સ સુધી પડઘા પડયા હતા.

દહેજ પોલીસે પણ મૃતકની પત્નીની ફરિયાદના આધારે સપરાધ માનવ વધનો ગુનો નોંધી દહેજ સરપંચ અને ડે.સરપંચના પતિની ધરપકડ કરી હતી. સાથે જ જિલ્લા પોલીસ આ ગંભીર ઘટનામાં તલાટી અને કોન્ટ્રકટર સામે પણ કાર્યવાહીની તજવીજ કરી રહ્યા છે.

મંગળવારે સફાઈ કર્મચારી આયોગના રાષ્ટ્રીય ઉપાધ્યાય અંજના પવાર તપાસ અર્થે ભરૂચ આવ્યા હતા. તેઓએ દહેજ ઘટના સ્થળે પોહચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સાથે મૃતકોના પીડિત પરિવાર સાથે પણ વાત કરી હતી.

જે બાદ ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે યોજેલી પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અંજના પવારે ગટરમાં મૃત્યુને દેશ માટે મોટી સમસ્યા ગણાવી હતી.સ્થળ મુલાકાતમાં પીડિત પરિવારને ૧૦ લાખનું વળતર અને એટ્રોસિટી એક્ટ મુજબ અન્ય ૮.૨૫ લાખની સહાયની જાહેરાત કરાઈ હતી.

સાથે જ તેમના પુનઃવસન, રોજગારી અને સંતાનોના અભ્યાસની વ્યવસ્થા ઉપર પણ ભાર મુક્યો હતો.બેઠકમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરા,પોલીસ વડા ડો.લીના પાટીલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.