Western Times News

Gujarati News

જનમાર્ગ કોરીડોરમાં ૧૧પ બસો સાક્ષાત યમદૂત સમાન

Files Photo

૨ વર્ષ પહેલા ભાવ ઘટાડવા માટે થયેલ ઠરાવનો અમલ નથી થયો: સ્પીડ કંપનીની બસોના કોન્ટ્રાક્ટ અને કિલોમીટર પુરા થયા હોવા છતાં રોડ ઉપર દોડી રહી છે

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: શહેરના પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસની બસે હડફેટે લેતા એક જ પરિવારના બે યુવાનોના કરૂણ મૃત્યુ બાદ જનમાર્ગની વિશ્વસનિયતા પર અનેક સવાલો ઉભા થયા છે. અમદાવાદ અને સુરતમાં જનમાર્ગ બસના સતત અકસ્માતોને કારણે રાજ્ય સરકારને પણ મધ્ય્સથી થવાની ફરજ પડી છે. તથા જનમાર્ગના કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાકટ અને નાગરીકો માટે કડક કાયદા બનાવવા કવાયત કરવામાં આવી છે.  સરકારની આ તમામ કવાયતો બાદ પણ ધાર્યા પરિણામો મળશે એવી કોઈ જ શક્યતાઓ નથી. જેનું મુખ્ય કારણ જનમાર્ગ લીમીટેડ દ્વારા ૧૧પ જેટલા યમદૂતો દોડાવવામાં આવી રહ્યા છે.

જનમાર્ગ લીમીટેડ દ્વારા ર૦૦૭ માં જે બસોના કોન્ટ્રાક્ટ આપવામા આવ્યા હતા તેના કોન્ટ્રાક્ટ અને કિલોમીટર બંન્ને પૂર્ણ થઈ ગયા હોવા છતાં ‘ઓન રોડ’ મુકવામાં આવી રહ્યા છે. ચોંકાવનારી વિગત એ છે કે આ યમદૂતોને દોડાવવા માટે બે વર્ષ અગાઉ ભાવ ઘટાડો કરવાની શરત સાથે જે ઠરાવ થયો હતો તેનો અમલ કરવામાં આવતો નથી. જ્યારે ર૦ર૦ની ચૂટણીના કારણે શાસકો અને કમિશ્નર આ બસોને પરત લેવા માટે તૈયાર નથી એવી ચર્ચા ચાલી રહી છે. અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થાય તથા જાહેર પરિવહન સેવાને અપગ્રેડ કરવા માટે કેન્દ્રની તત્કાલીન યુપીએ સરકારે કરોડો રૂપિયાની ગ્રાંટ આપી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશને તે સમયે રજુ કરેલા ડીપીઆરમાં ઈન્ટેલીજન્સ ટ્રાફિક સિસ્ટમ, સાયકલ લેન, પેડસ્ટ્રેયન વગેરેનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે મીક્ષ ટ્રાફિકનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નહતો. કેન્દ્ર સરકાર તરફથી ડીવીઆર મંજુર થયા બાદ મ્યુનિસિપલ શાસકો અને વહીવટી તત્રએ તમામ નિયમોને અભરાઈએ મુક્યા હતા. જેના માઠા પરિણામ નાગરીકો ભોગવી રહ્યા છે. ર૦૦૮ની સાલમાં જનમાર્ગની શરૂઆત થઈ એ સમયે તંત્ર દ્વરા પ૦ બસો માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં જરૂરીયાત મુજબ દસ ટકાની છૂટછાટ આપવામાં આવી હતી.

મતલબ કે પ૦ની જગ્યાએ વધુમાં વધુ પપ બસ લઈ શકાય એવી શરત હતી. જનમાર્ગ લીમીટેડ દ્વારા ચાર્ટર્ર સ્પીડ પ્રા.લી.ને પ્રતિ કિલોમીટર રૂ.૩પ.૧૪ ના ભાવથી પ૦ બસનો કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જનમાર્ગ લીમીટેડ અને શાસકોએ પ૦ બસના ટેન્ડરને આધાર રાખીને જ ર૦૦ બસોનો કોન્ટ્રાક્ટ પણ ચાર્ટર્ડ પ્સપડ પ્રા.લી.ને આપ્યો હતો. મતલબ કે પ૦ બસના ટેન્ડરમાં ર૦૦ બસ લેવામાં આવી હતી.

પણ મ્યુનિસિપલ શાસકો અને વહીવટી તંત્ર સાથે ગોઠવણ થઈ હોવાથી એક જ ટેન્ડરમાં સતત નવી બસોના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા જે પણ ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા તેમાં માત્ર ચાર્ટર્ર સ્પીડ પ્રા.લ.ને જ કોન્ટ્રાક્ટ મળે એવી ટેકનિકલ શરતો રાખવામાં આવતી હતી. જેના કારણે જનમાર્ગમાં ચાર્ટર્ડ સ્પીડનું એકચક્રી શાસન ચાલી રહ્યુ હતુ.

જનમાર્ગ દ્વારા ચાર્ટર્ડ સ્પીડ પ્રા.લી. પાસેથી લેવામાં આવેલી બસના કોન્ટ્રાક્ટ અને કિલોમીટર ચાર વર્ષ પહેલાં પુરા થઈ ગયા છે.ે તેમ છતાં તેની બસો યથાવત રાખવામાં આવી છે. તત્કાલીન મ્યુનિસિપલ કમિશ્નર મુકેશકુમારે જનમાર્ગની મીટીંગમાં આ બસોના ભાવ ઘટાડવા માટે આદેશ પણ આપ્યા હતા તથા ઠરાવ પણ થયો હતો જેનો અમલ આજદીન સુધી થયો નથી.

ચાર્ટર્ડ સ્પીડ પ્રા.લી.ને પ્રતિ કિલોમીટર રૂ.પ૭ના ભાવ આપવામાં આવી રહ્યા છે. જેની સામે સીએનજી બસની જુની બસોના પ્રતિ કિલોમીટર રૂ.પ૬ તથા નવી બસોના રૂ.૬૦ પ્રતિ કિલોમીટરના ભાવ આપવામાં આવી રહ્યા છે. ચાર્ટર્ડ સ્પીડ પ્રા.લી.ની તમામ બસ ઓછામાં ઓછા ૧ર લાખ કિલોમીટર ચાલી છે.
નિયમ મુજબ આઠ લાખ કિલોમીટર બાદ બસને સ્ક્રેપ કરવી ફરજીયાત છે. પરંતુ મ્યુનિસિપલ કમિશ્નર, શાસકો અને જનમાર્ગના ઉચ્ચ અધિકારીઓને ચાર્ટર્ડ સ્પીડ પ્રા.લી.ની બસો બંધ થાય તે પોષાય એમ નથી. એવા ખુલ્લા આક્ષેપો થઈ રહ્યા છે. ચાર્ટર્ડ સ્પીડની બસો જાખમી બની ગઈ હોવા અંગે વ્યાપક ઉહાપોહ થયા બાદ ૭૭ બસોને સ્ક્રેપ કરવામાં આવી હતી.

ત્યારબાદ ઉહાપોહ કરનાર ધારાસભ્ય, કોર્પોરેટરો તથા તજજ્ઞોની ‘ગોઠવણ’પાડવામાં આવી હતીફ. જેના કારણે ચાર્ટર્ડ સ્પીડ ની જાખમી અને સાક્ષાત યમદૂત સમાન બસો સામે ફરીયાદો ઉઠતી બંધ થઈ ગઈ છે. જ્યારે બે વર્ષ પહેલાં ભાવ ઘટાડવા માટે જે ઠરાવ કરવામાં આવ્યો હતો તેનો કોઈ જ અમલ હજુ સુધી થયો નથી. જેના
કારણે જનમાર્ગ લીમીટેડને કરોડો રૂપિયાનું નુકશાન થઈ રહ્યુ છે.

તત્કાલીન કમિશ્નરે કોન્ટ્રાક્ટ પૂરો થયો તે સમયે જ નવા ટેન્ડર જાહેર કરવા સુચના આપી હતી. જેનો અમલ થયો નહોતો. તેથી ચાર્ટર્ડ સ્પીડની બસોના ભાવ ઘટાડવા અને કોન્ટ્રાક્ટ પૂરો થયો તે સમયથી રીકવરી કરવા આદેશ કર્યો હતો. જેનો અમલ હજુ સુધી થયો નથી. જનમાર્ગ કમિટીમાં ઠરાવ થયો હોવા છતાં ભાવ ઘટાડવા અને રીકવરી કરવા માટે ફાઈલ ચાલી રહી હોવાનો લૂલો બચાવ થઈ રહ્યો છે.

ચોંકાવનારી બાબત એ છે કે ૧૧પ બસના કિલોમેટર પૂરા થઈ ગયા બાદ તેને ફીટનેસ સર્ટીફિકેટ મળી શકે તેમ નથી. સાથે સાથે ઈન્સ્યોરન્સ માટે પણ તકલીફ થઈ શકે તેમ છે છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મહાનુભાવો નાગરીકોની જીંદગી સાથે ચેડા કરી રહ્યા છે. ચાર્ટર સ્પીડ પ્રા.લી.ની બસો અને ઉચ્ચ અધિકારી ઓના ગઠબંધનની બાબતો જગજાહેર છે તેથી કંપનીની બસોને સ્ક્રેપ કરવાના બદલે કિલોમીટર તથા આયુષ્યની મર્યાદા પુરા થયા ન હોવાનો લૂલો બચાવ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.