Western Times News

Gujarati News

નિત્યાનંદ આશ્રમઃ બાળકોની સાથે સાધ્વીઓએ પણ આશ્રમ છોડયો

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલા વિવાદાસ્પદ નિત્યાનંદ આશ્રમમાંથી હવે વિદ્યાર્થીઓ તથા સાધ્વીઓ વિવાદમાં પડવાના બદલે આશ્રમ છોડીને મંજુરી સાથે જતા રહેતા હોવાની વિગતો બહાર આવી રહી છે જાકે આ કેસમાં સંકળાયેલા તમામને આશ્રમ નહી છોડવાનો આદેશ આપેલો છે. જયારે બે સંચાલિકાઓની ધરપકડ કરવામાં આવેલી છે

હાલમાં તપાસનીશ ટીમ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે અને તેમાં એક પછી એક ચોંકાવનારી વિગતો બહાર આવવા લાગી છે. બીજીબાજુ પોલીસ દ્વારા લાપત્તા બંને બહેનોની શોધખોળ માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહયા છે.

દક્ષિણ ભારતના વિવાદાસ્પદ નિત્યાનંદ દ્વારા અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં ડીપીએસ સ્કુલની જમીન પર થોડા મહિના પહેલા જ આશ્રમ શરૂ કરવામાં આવ્યો છે જાકે આશ્રમ માટે જમીન ભાડે આપવાના મુદ્દે ડીપીએસ સ્કુલ પણ વિવાદમાં સપડાઈ છે અને તેની સામે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

બીજીબાજુ નિત્યાનંદ આશ્રમમાંથી યુવતિઓ ગુમ થવા ઉપરાંત બાળકો પર અત્યાચાર ગુજારાતો હોવાના આક્ષેપ સાથે દક્ષિણ ભારતના જ એક દંપતિએ પોલીસની મદદ માંગતા આશ્રમ સામે તપાસનો દોર શરૂ થઈ ગયો હતો. દંપતિએ પોતાની પુત્રીઓનો કબજા મેળવવા માટે હેબીયેસકોર્પર કરતા ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે પોલીસને મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે જેના પગલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

કાયદાકિય કાર્યવાહી દરમિયાન ગુજરાત સરકારે આ સમગ્ર ઘટનામાં સીટની રચના કરી સઘન તપાસનો આદેશ આપી દેતા પોલીસ અધિકારીઓ દ્વારા આશ્રમમાં ખૂબ જ ઝીણવટભરી તપાસ કરી છે અને તપાસ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ પુરાવાઓ પણ પોલીસને મળ્યા હતા જેના પગલે પોલીસે આશ્રમની બંને સંચાલિકાઓની ધરપકડ કરી લીધી છે.  આ ઉપરાંત આશ્રમમાંથી મળેલા પુરાવાઓની પણ તપાસ ચાલી રહી છે ખાસ કરીને લોકરમાંથી મળેલી પેન ડ્રાઈવ, ફોન સહિતની ચીજવસ્તુઓની એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

સાધ્વીઓની પુછપરછ બાદ હવે પોલીસ અધિકારીઓએ લાપત્તા બંને યુવતિઓની શોધખોળ માટે ઈન્ટરપોલની મદદ માંગવા ઉપરાંત અન્ય એજન્સીઓના અધિકારીઓ સાથે મળી તપાસ કરી રહયા છે.  આ દરમિયાનમાં આશ્રમમાંથી હવે એક પછી એક બાળકોને લેવા માટે તેના વાલીઓ આવવા લાગ્યા છે જેના પગલે અત્યાર સુધીમાં ૯ જેટલા બાળકો એ આશ્રમ છોડી દીધો છે.

નિત્યાનંદ આશ્રમમાંથી બાળકોને લેવા આવવા માટે વાલીઓ આવવા લાગતા હવે ધીમેધીમે આશ્રમ ખાલી થઈ રહયો છે. આ દરમિયાનમાં આ આશ્રમની અંદર કામ કરતી અન્ય સાધ્વીઓ પણ હવે આ વિવાદમાં પડવા માંગતી નથી જેના પરિણામે વિવાદમાં તથા આ કેસમાં સંકળાયેલી ન હોય તેવી સાધ્વીઓ આશ્રમ છોડીને જવા લાગી છે કુલ ચાર સાધ્વીઓએ મંજુરી સાથે આશ્રમ છોડયો હોવાનું જાણવા મળી રહયું છે

જેમાં ત્રણ ભારતીય છે જયારે એક વિદેશી છે. આશ્રમમાંથી સાધ્વીઓ પણ હવે આશ્રમ છોડીને જવા લાગતા પોલીસ અધિકારીઓએ તપાસનો ધમધમાટ વધુ તેજ કર્યો છે. જાકે આ તમામ સાધ્વીઓ કોઈ જાતના વિવાદમાં હતી નહી તેવું પણ જાણવા મળી રહયું છે.

હાઈકોર્ટે આપેલા નિર્દેશ બાદ બંને લાપત્તા યુવતિઓની શોધખોળમાં એક પછી એક મહત્વપૂર્ણ વિગતો બહાર આવવા લાગી છે જેમાં મહત્વપૂર્ણ બાબત એ છે કે આ બંને યુવતિઓ હાલ વિદેશમાં છે પરંતુ કયા દેશમાં છે તે ચોક્કસ જાણવા મળી શકયુ નથી આ પ્રકરણમાં નિત્યાનંદ સામે પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.