Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

જળસંપત્તિ, પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને  લગતી બાબતો અંગે થયો પરામર્શ 

કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને  સંસદસભ્યશ્રીઓ તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઈ

રાજ્યમંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર તથા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ

જળસંપત્તિ, પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને સંસદસભ્યશ્રીઓ તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક આજે ગાંધીનગરમાં રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર તથા નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

પરામર્શ સમિતિના સભ્ય ધારાસભ્યશ્રીઓ દ્વારા સંબંધિત વિભાગવાર જુદી-જુદી રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં, પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગ અંતર્ગત સુજલામ સુફલામ યોજનામાંથી પાઈપલાઈન મારફતે તળાવો ભરવા, હયાત જળસંગ્રહની સંગ્રહક્ષમતા વધારવી, નર્મદા તેમજ સુજલામ સુફલામ કેનાલના નિર્માણથી ખેતરમાં જવાના રસ્તાઓ માટે ઊભી થયેલી મુશ્કેલી, ગામોના તળાવોની ગંદકી દૂર કરવા તળાવો-કેનાલની સફાઈ, સરકારી સંસ્થાઓ વચ્ચે સંકલન વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જ્યારે અન્ન અને નાગરિક પુરવઠા અંતર્ગતની બાબતોમાં ડોર સ્ટેપ ડિલીવરી, પુરવઠા વિભાગના નવા મોટા સરકારી ગોડાઉન બનાવવા, સસ્તા અનાજની દુકાનોમાં ખૂટતાં જથ્થાની પરમીટ આપવા, ઈ.એફ.પી.એસ સીસ્ટમમાં પડતી મુશ્કેલીઓ સહિતના મુદ્દાઓ વિશે ચર્ચા-રજૂઆતો કરવામાં આવી હતી.

સંસદસભ્યો તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠકમાં ઊંઝાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, માણસાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ પટેલ, વટવાના ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ, સાબરમતીના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, માતરના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર, ડભોઇના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, મહુવાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડીયા, લુણાવાડાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણે ઉપસ્થિત રહી પોતાના વિસ્તારની વિવિધ રજૂઆતો કરી હતી.

આ પરામર્શ સમિતિની બેઠકમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના અગ્ર સચિવ શ્રી રમેશ ચંદ મીના,  પુરવઠા વિભાગના સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, અન્ન અને નાગરિક પુરવઠાના ડાયરેક્ટર શ્રી તુષાર એમ. ધોળકિયા, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના સભ્ય સચિવ શ્રી મયુર મહેતા,

જળ સંપત્તિ વિભાગના સચિવ શ્રી કે. એ. પટેલ તથા ખાસ સચિવ શ્રી કે. બી. રાબડીયા તથા અન્ય ઉચ્ચ અઅધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી. સમગ્ર બેઠકનું સંચાલન  પાણી પુરવઠાના અધિક સચિવ શ્રી જયદીપ દ્વિવેદીએ કર્યું હતું. દિપક જાદવ

Copyright © All rights reserved. | Developed by Aneri Developers