Western Times News

Gujarati News

પેટલાદમાં ભાજપ શાસિત પાલિકાનો વહિવટ રામ ભરોસે

૨૪૫ માંથી ૧૫૬ ખાલી
પેટલાદ નગરપાલિકાનો વહીવટ જાેઈએ તો મંજૂર મહેકમ ૩૦૪નું છે. જેમાં વીસ ટકા કપાત કરતાં ભરવાપાત્ર જગ્યાઓ ૨૪૫ થાય. આ પૈકી હાલ માત્ર ૮૯ જગ્યાઓ ભરેલ છે. તેમાંય આ ૮૯ પૈકી ૪૨ તો કાયમી સફાઈ કામદાર છે. એટલે કે હાલ ૨૪૫ માંથી ૧૫૬ જેટલી જગ્યાઓ ખાલી છે.

છતાં પાલિકાનું મહેકમ ખરેખર ૪૮ ટકાથી ઓછું હોવું જાેઈએ, જેના બદલે લગભગ ૬૫ ટકાથી પણ વધુ હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નગરજનોના ભરવામાં આવતા વેરાને કારણે સ્વભંડોળને મોટી આવક થતી હોય છે. પરંતુ કાયમીના બદલે હંગામી કર્મચારીઓ રાખી તેઓના પગાર પાછળ વર્ષે કરોડોનો ખર્ચ કરવાનો શું અર્થ ?

જગ્યાઓ ખાલી પણ મહેકમ ઉંચુ
પેટલાદ નગરપાલિકામાં છેલ્લા વીસેક વર્ષથી એક નવો ટ્રેન્ડ જાેવા મળ્યો છે. પાલિકામાં સત્તા ઉપર જે આવે એ તેમના મળતીયાઓને પાલિકામાં કોઈને કોઈ વિભાગમાં નોકરી માટે ઘૂસાડી દે છે. જેથી હંગામી કર્મચારીઓનો રાફડો થઈ ગયો છે.

આ હંગામી કર્મચારીઓને સ્વભંડોળની રકમમાંથી પગાર કરવો પડે છે. જેના ભારણને કારણે મહેકમ ઉંચુ જાય છે. પાલિકાનું ગત વર્ષે તો મહેકમ ખર્ચ એંશી ટકા ઉપર જતું રહ્યું હતું, જે હાલ માંડ માંડ પાંસઠ ટકાની આસપાસ હોવાનું જાણવા મળે છે. આવા અનઘડ વહીવટને કારણે કાયમી જગ્યાઓ વર્ષોથી ભરાતી જ નથી.

(પ્રતિનિધિ) પેટલાદ, આણંદ જીલ્લામાં પેટલાદ નગરપાલિકા ‘બ’ વર્ગની છે. આ પાલિકામાં છેલ્લા બે વર્ષ દરમ્યાન વહિવટ સદંતર ખાડે ગયો હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. પાલિકાના મહત્વપૂર્ણ તમામ વિભાગો હાલ અધિકારી વિહોણાં છે.

પાલિકામાં કેટલાય કર્મચારીઓ મહત્વની જગ્યાઓ ઉપરથી નિવૃત્ત થઈ ગયા બાદ લાંબા સમયથી એ જગ્યાઓ ખાલી રાખી અથવા એ જગ્યાઓ કરાર આધારિત પણ નહિ ભરી વર્તમાન સત્તાધિશોએ અનઘડ વહિવટનો નમૂનો પ્રદર્શિત કર્યો છે. જેને કારણે દિવસ દરમ્યાન મહત્વના વિભાગોમાં નગરજનોના કામ ખોરંભે પડી રહ્યા હોવાની વાત ચર્ચાસ્પદ બનવા પામી છે.

મળતી માહિતી મુજબ નગરપાલિકા હદ વિસ્તારના નગરજનોની પ્રાથમિક જરૂરિયાત પાણી, સફાઈ, ગટર, બાંધકામ વગેરે હોય છે. પેટલાદ નગરપાલિકાની વાત કરીએ તો સૌપ્રથમ પ્રાથમિક જરૂરિયાત એવો પાણી પુરવઠો પુરો પાડતું વોટર વર્કસ હાલ એન્જિનીયર વિહોણું છે. થોડા વર્ષ અગાઉ વોટર વર્કસમાં મહેશ પટેલ મિકેનીકલ આસીસ્ટન્ટ તરીકે કાયમી ધોરણે ફરજ બજાવતા હતા. પરંતુ તેઓ વિદેશ જતા તેઓની જગ્યાએ આ વિભાગનો ચાર્જ હાર્દિક પટેલને આપવામાં આવ્યો હતો.

ત્યારબાદ તેઓ પણ વિદેશ જતાં છેલ્લાં ઘણાં સમયથી આ મહત્વની જગ્યા ખાલી છે. પાલિકા દ્વારા શહેરની સફાઈ સમયસર અને યોગ્ય રીતે થાય તે પણ જરૂરી છે. પરંતુ સેનેટરી વિભાગમાં છેલ્લાં ઘણાં લાંબા સમયથી ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર, સેનેટરી ઇન્સ્પેક્ટર જેવી ખૂબ જ મહત્વની જગ્યાઓ ખાલી છે.

ઉપરાંત સેનેટરી વિભાગની મંજૂર મહેકમ મુજબ સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની ત્રણ પૈકી માત્ર એક જ જગ્યા ઉપર હર્ષદ ઉર્ફે પુનમ પટેલ ફરજ બજાવે છે. ઉપરાંત સેનેટરી વિભાગમાં સફાઈ કામદારોનું મંજૂર મહેકમ ૧૦૪ હોવા છતાં માત્ર ૪૨ જેટલા સફાઈ કામદારો હાલ કાયમી ધોરણે ફરજ બજાવી રહ્યા છે.

પરંતુ સૌથી નોંધપાત્ર બાબત એ છે કે સફાઈ કામદારોની ખાલી પડતી ૬૨ જગ્યાઓ ભરવાને બદલે હંગામી ધોરણે રોજમદાર કે ફિક્સ વેતન હેઠળ સો થી વધુ સફાઈ કામદારો હાલ પાલિકામાં સફાઈની ફરજ બજાવી રહ્યા છે. તો પાલિકાના સત્તાધિશો શા માટે કાયમી જગ્યાઓ ખાલી રાખી હંગામી કે રોજમદાર કે ફિક્સ વેતન કે કરાર આધારિત કર્મચારીઓ રાખી રહ્યા છે ? પેટલાદ પાલિકામાં અન્ય મહત્વનો વિભાગ ડ્રેનેજ છે.

આ ગટર વિભાગમાં વર્ષોથી લાઈન ઇન્સ્પેક્ટરની ફરજ બજાવતા મફતભાઈ પટેલ ગતવર્ષે નિવૃત્ત થયા હતા. પરંતુ આજદિન સુધી આ વિભાગમાં આ મહત્વની જગ્યા ઉપર કોઈ જ અનુભવી કર્મચારીને કાયમી જગ્યા ઉપર નિમણૂંક કરવામાં આવ્યા નથી. આ વિભાગમાં ક્લાર્ક તરીકે નિરજભાઈ જવાબદારી સંભાળે છે. પરંતુ છેલ્લા એકાદ વર્ષથી નિરજભાઈ ઉપર સમગ્ર શહેરની ગટર વ્યવસ્થા જાેવાનો કાર્યભાર સોંપી દિધો છે.

જેથી વારંવાર શહેરમાં ગટરો ઉભરાવવાની અનેક ફરિયાદો પાલિકાના દફતરે નોધાય છે. પેટલાદ પાલિકામાં બાંધકામ સહિત અન્ય બીજા વિભાગોની પણ જવાબદારી સંભાળનાર ઓવર્શિયર જીતેશ પટેલ કાયમી એન્જિનીયર તરીકે ફરજ બજાવે છે. જેઓ રજાઓ મૂકી હાલ વિદેશ ગયા છે.

જેથી બાંધકામ જેવા મહત્વના વિભાગ માટે જીતેશ પટેલની જગ્યાએ અગિયાર માસના કરાર આધારિત કર્મચારી રાખવા ગત સામાન્ય સભામાં ઠરાવ થયો હતો. છતાં આજે પણ એ ઠરાવ માત્ર કાગળ ઉપર રહી જતા હાલ બાંધકામ વિભાગ પણ અધિકારી વિહોણો છે.

પેટલાદ પાલિકાના સૌથી મહત્વ ધરાવતા આ વિભાગો અધિકારી સિવાય ખાલીખમ જાેવા મળી રહ્યા છે. જેથી વર્તમાન પાલિકા પ્રમુખ સહિત સત્તાધિશોના અનઘડ વહીવટને કારણે ભાજપ શાસિત પેટલાદ નગરપાલિકાનો વહીવટ હાલ રામ ભરોસે ચાલી રહ્યો હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.