Western Times News

Gujarati News

સરકારની માલિકીની આશરે ૨૬ કરોડની જમીન પરથી દબાણ છારોડીમાં હટાવાયાં

પ્રતિકાત્મક

સિટી મામલતદાર, ઘાટલોડિયા, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર  ઘાટલોડીયા તાલુકાના છારોડીના સર્વે/બ્લોક નં.૫૨, ૫૩, ૫૪વાળી સરકારી ગૌચરણની જમીન પર આશરે ૨૭ જેટલા દબાણદારોએ વાણિજયક અને રહેણાંકનું અનઅધિકૃત બાંધકામ કરી દબાણ કર્યું હતું.

જે બાબત તલાટીશ્રી છારોડી દ્વારા અત્રેની કચેરીને રિપોર્ટ કરતાં ઉપરોક્ત બાબત અત્રેના ધ્યાનમાં આવતાં અત્રેથી તા.૦૭/૦૯/૨૦૨૨ના રોજ જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૧ અન્વયે નોટિસ આપી તા.૧૪/૧૦/૨૦૨૨, તા.૦૬/૦૪/૨૦૨૩ અને તા.૧૨/૦૪/૨૦૨૩ની મુદતો રાખવામાં આવેલ હતી.

જેની બજવણી સંબંધિત તલાટીશ્રી મારફત દબાણદારોને કરવામાં આવેલ હતી. ત્યારબાદ પણ દબાણદારો દ્વારા સદરહું જગ્યા પરના દબાણો દૂર ન કરાતાં અત્રેથી તા.૧૧/૦૫/૨૦૨૩ના રોજ દબાણદારો દ્વારા થયેલ દબાણ દિન-૦૭ માં દૂર કરવા વિગતવાર હુકમ કરવામાં આવેલ છે.

તેમ છતાં દબાણદારો દ્વારા સરકારશ્રીની માલીકીની ખૂબ જ કીમતી એવી સરકારી જમીનો પરના દબાણ દૂર ન કરતાં સિટી ડેપ્યુટી કલેકટરશ્રી(પશ્ચિમ), અમદાવાદ દ્વારા તા.૨૨/૦૫/૨૦૨૩ના રોજ જમીન મહેસૂલ કાયદાની કલમ–૨૦૨ હેઠળ નોટીસ આપી દિન-૩માં દબાણદારોએ કરેલ સરકારી ગૌચરણ જમીનનો બિનઅધિકૃત કબજો નોટિસ મળ્યેથી દિન-૩ માં દૂર કરવા જાણ કરી હતી.

આમ, ઉપરોક્ત જણાવ્યા મુજબની તમામ કાર્યવાહી કરવા છતાં તેઓ દ્વારા સરકારી જમીન પરના બિનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવેલ ન હોવાથી તા.૦૧/૦૬/૨૦૧૩ના રોજ પુરતા પોલીસ બંદોબસ્ત સાથે મે. જિલ્લા કલેકટરશ્રી, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોજે છારોડી,

તા. ધાટલોડિયાના સર્વે બ્લોક નં. ૫૨, ૫૩, ૫૪ની જમીનનું અંદાજિત ૪૦૦ ચો.મી.નું અનઅધિકૃત દબાણ સરકારશ્રીની માલિકીની આશરે ૨૬ કરોડની કીમતી અને મોકાની જગ્યા આજરોજ તા.૦૧/૦૬/૨૦૨૩એ ખુલ્લી કરી સરકાર હસ્તક કબજો સંભાળી લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.