Western Times News

Gujarati News

ડાંગની આંગણવાડીઓમાં ૭૧૫ જેટલા ભૂલકાઓએ બાલવાટિકામાં પ્રવેશ મેળવ્યો

(ડાંગ માહિતી) આહવા, આ વેળા રાજ્યભરની આંગણવાડીઓમાં ભૂલકાઓના પ્રવેશનો તહેવાર શિક્ષણ સાથે મોજ મસ્તી અને પોષણક્ષમ આહાર સાથે ઉજવાયો હતો. રાજયવ્યાપી શાળા પ્રવેશોત્સવની સાથે સાથે આ વર્ષે પ્રથમ વખત આંગણવાડી પ્રવેશોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી. As many as 715 kids got admission in Balvatika in Anganwadis of Dang

ડાંગ જિલ્લામાં ખુબ જ પ્રોત્સાહક વાતાવરણમાં રંગબેરંગી ફુગ્ગાથી શણગારેલી બળદગાડીને બગીની જેમ સજાવી, તેમાં નવા પ્રવેશ પામતા બાળકોને બેસાડી તેમનું સામૈયુ કરી બાલવાટિકામાં દોરી લવાયા હતા.

આંગણવાડીની વર્કર બહેનો અને ગ્રામજનો, શિક્ષકો દ્વારા પ્રગતિની પગદંડી માટે આંગણવાડીમાં કુમકુમ, તિલક સહિત થાળીમાં કંકુ લઈ તેમાં ભૂલકાઓના પગલા ઝબોળી, આંગણવાડીમાં પાવન પગલા મંડાવ્યા હતા. પ્રથમ વખત આંગણવાડીઓમાં આવનાર ભૂલકાઓ માટે આઇ.સી.ડી.એસ. ટીમ અને લોક ભાગીદારીથી ક્રેયોન (કલર ), ચિત્રપોથી, અને અન્ય ચીજ વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી.

વઘઇ તાલુકામાં વર્લ્ડ વિઝન સંસ્થા દ્રારા તાલુકાના તમામ આંગણવાડીમાં પ્રવેશ પામતા બાળકોને ક્રેયોનનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જ્યારે કેટલીક આંગણવાડીઓમાં લોકભાગીદારી થી વોટર બેગ, સ્કુલ બેગ, કંપાસ બોક્ષ, ટિફિન બોક્ષ વિગેરે વસ્તુઓ આપવામાં આવી હતી.

આ આંગણવાડી પ્રવેશોત્સવ દરમ્યાન રાજ્ય કક્ષાએથી ડો.રણજીતકુમાર સિંઘ, માનનીય અધિક સચિવશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરે સુબીર તાલુકામાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. આમ, સમગ્ર જિલ્લામાં પ્રાથમિક શાળા પ્રવેશોત્સવની સાથે આંગણવાડી અને બાલવાટિકાનો શાળા પ્રવેશોત્સવ પણ ઉત્સાહભેર, અનોખી રીતે ખૂબ જ તરવરાટ સાથે ઉજવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં આંગણવાડીમાં કુલ ૭૧૫ ભુલકાઓને ઉત્સાહભેર પ્રવેશ કરાવવામાં આવ્યો છે. બાળકો માટે આંગણવાડીનો આ પ્રથમ દિવસ તેમના માટે જીવનભરનું સંભારણુ બની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.