Western Times News

Gujarati News

નકલી પતિ-પત્ની બનીને કેનેડા જવા નીકળેલા યુવક-યુવતી દિલ્હી એરપોર્ટ ઉપર ઝડપાયા

અમદાવાદ, નકલી પતિ-પત્ની બનીને કેનેડા જવા નીકળેલા એક ગુજરાતી યુવક-યુવતીની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના એક ગામનો ૨૬ વર્ષનો હાર્દિક પ્રજાપતિ અને અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષની હિરલ પટેલ છેડછાડ કરાયેલા પાસપોર્ટ પર કેનેડા જઈ રહ્યાં હતાં.

ચોંકાવનારી વાત એ છે કે તેમણે ચેન્નઈથી વાયા દિલ્હી થઈ ટોરેન્ટો જતી ફ્લાઈટમાં પોતાના સમગ્ર પ્રવાસનું ચેક-ઈન પણ કરી લીધું હતું. જાેકે, ચેન્નઈ એરપોર્ટ પરથી ટેક-ઓફ થયેલી તેમની ફ્લાઈટ દિલ્હી લેન્ડ થઈ ત્યારે એરલાઈનના સ્ટાફને શંકા જતાં આ બે પેસેન્જર અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

એરપોર્ટ પરથી પકડાયેલા આ ગુજરાતી યુવક-યુવતીનો મૂળ પ્લાન કેનેડા પહોંચ્યા બાદ ત્યાંથી ગમે તેમ કરીને બોર્ડર ક્રોસ કરી અમેરિકામાં ઘૂસી જવાનો હતો. ૧૪ જૂનની આ ઘટનામાં એરલાઈન તરફથી માહિતી મળ્યા બાદ પોલીસે હાર્દિક અને હિરલની તપાસ કરતાં તેમની પાસેથી મળેલા પાસપોર્ટ છેડછાડ કરાયેલા હોવાનું બહાર આવ્યું હતું.

કેનેડાના બે અને અમેરિકાના એક એજન્ટે હિરલ અને હાર્દિક માટે પાસપોર્ટની વ્યવસ્થા કરી હતી, જે ખરેખર તો મૂળ પંજાબના લુધિયાણાના અને માર્ચ ૨૦૨૩માં કેનેડા સેટલ થઈ ગયેલા એક કપલના હતા.

જેમનું નામ શિવાની બંસલ અને સની બંસલ હોવાનું જાણવા મળ્યું હતું, ૩૭ વર્ષની આસપાસની ઉંમર ધરાવતું આ કપલ ૨૯ માર્ચે વર્ક પરમિટના આધારે ઈન્ડિયાથી કેનેડા ગયું હતું. હિરલ અને હાર્દિકને અમેરિકા મોકલવાનું કામ હાથમાં લેનારા એજન્ટોએ પંજાબી કપલના પાસપોર્ટ ગમે તેમ કરીને ઈન્ડિયા મોકલી દીધા હતા, અને તેમાં છેડછાડ કરીને હિરલ અને હાર્દિકને નકલી પતિ-પત્ની બનાવી કેનેડાની ફ્લાઈટમાં બેસાડી દીધા હતા.

પંજાબી કપલ બનીને કેનેડા જઈ રહેલા હિરલ અને હાર્દિક પર કોઈનેય શંકા ના જાય તે માટે તેમને અમદાવાદને બદલે છેક ચેન્નઈથી કેનેડા જતી ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યા હતા. ચેન્નઈ એરપોર્ટ પર જ તેમણે પોતાના છેક ટોરેન્ટો સુધીના પ્રવાસનું ચેક-ઈન કરી લીધું હતું, અને ત્યારબાદ તેઓ નિશ્ચિંત પણ બની ગયા હતા.

જાેકે, તેમનો દિલ્હીમાં હોલ્ટ હતો, અને જ્યાંથી તેમને એરક્રાફ્ટ પણ બદલવાનું હતું. જાેકે, તેઓ દિલ્હી પહોંચ્યા બાદ કેનેડા જતા એરક્રાફ્ટમાં બેસવાના હતા તે જ વખતે એરલાઈનના સ્ટાફને હિરલ અને હાર્દિકનો પાસપોર્ટ જાેઈને તેમના પર શંકા ગઈ હતી. આખરે આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા હિરલ અને હાર્દિકના પાસપોર્ટ ચેક કરતાં તે પહેલી જ નજરે છેડછાડ કરાયેલા જણાયા હતા. ત્યારબાદ બંનેની અટકાયત કરીને તેમની આકરી પૂછપરછ કરવામાં આવતા થોડી જ વારમાં તેમણે વટાણા વેરી દીધા હતા.

હિરલ અને હાર્દિકે દિલ્હી પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે તેમનો મૂળ પ્લાન કેનેડા પહોંચીને અમેરિકા જવાનો હતો. જેના માટે તેઓ કેનેડાના અને અમેરિકાના એજન્ટના સંપર્કમાં આવ્યા હતા. એજન્ટે જ તેમના માટે પાસપોર્ટની વ્યવસ્થા કરી હતી, અને તેના આધારે જ તેઓ કેનેડા જવા માટે ૧૪ જૂને ચેન્નઈ એરપોર્ટ પરથી વાયા દિલ્હી થઈ ટોરેન્ટો જતી ફ્લાઈટમાં બેસી ગયા હતા. તેમની કબૂલાત બાદ પોલીસે ઠગાઈ અને બનાવટી દસ્તાવેજના ગુના હેઠળ બંનેની ધરપકડ કરી હતી.

જાેકે, તેઓ કયા એજન્ટ મારફતે કેનેડા જવા માટે નીકળ્યા હતા, તેમને ત્યાં પહોંચીને ક્યાંથી બોર્ડર ક્રોસ કરવાની હતી તેમજ આ સમગ્ર કામ માટે તેમણે કેટલા રૂપિયામાં સોદો કર્યો હતો તેની કોઈ વિગતો બહાર નથી આવી શકી. ઉલ્લેખનીય છે કે, બે નંબરમાં અમેરિકા જવા નીકળતા મોટાભાગના લોકો અગાઉ અમદાવાદ કે પછી દિલ્હી એરપોર્ટ પરથી ફ્લાઈટ પકડતા હતા, જાેકે આ બંને એરપોર્ટ પર સખ્તાઈ વધતા હવે લોકો દક્ષિણ ભારતથી ફ્લાઈટ પકડે છે.

થોડા દિવસ પહેલા આ જ રીતે અમેરિકા જવા નીકળેલા અમદાવાદના જે કપલનું ઈરાનમાં અપહરણ થયું હતું તેમણે પણ હૈદરાબાદથી જ તહેરાનની ફ્લાઈટ પકડી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.