Western Times News

Gujarati News

શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ નાની કડી દ્વારા પંચામૃત માણેક મહોત્સવ યોજાયો

મહેસાણા જિલ્લાના નાની કડી ખાતે આયોજિત પંચામૃત માણેક મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સરસ્વતી કન્યા કેળવણી મંડળનો વિકાસ સુવ્યવસ્થિત આયોજન અને દાતાશ્રીઓના દાનનું શ્રેષ્ઠ પરિણામ છે.

તેમણે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતની ધરતીના  પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ કન્યા કેળવણી મહોત્સવ આજે દરેક માટે પ્રેરણસ્રોત બન્યો છે. આજે દીકરીઓના ડ્રોપ આઉટ રેશિયો ૨ ટકા સુધી લાવી શક્યા છીએ તેમ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીશ્રી એ અમેરિકાના પ્રવાસ દરમિયાન ભારતની નારી શક્તિના સામર્થ્યને  ઉજાગર કર્યું છે. મહિલા સશક્તિકરણ થકી આજે રાષ્ટ્રની મહિલાઓ દરેક ક્ષેત્રે નામના મેળવી રહી છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીની દિર્ઘદૃષ્ટિના પગલે સૌથી મોટી યોજના આયુષ્માન ભારત કાર્ડ આજે દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે. સરકારશ્રીની તમામ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોચે તે માટે નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર કટીબદ્ધ બની છે.

મુખ્યમંત્રીશ્રી ઉમેર્યું હતું કે, કડીની આ સંસ્થા સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ બની છે. રાજ્યના વિવિધ ૪૧ સમાજની દીકરીઓ સૌના સાથ અને સહકારથી આ સંસ્થામાં ઉજ્જવળ કારકિર્દીના ડગ માંડી રહી છે.

મુખ્યમંત્રીશ્રી એ ઉમેર્યું હતું કે, સમાજના સાર્વત્રિક વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય અંગ છે. ૨૧મી સદીએ જ્ઞાન વિજ્ઞાનની સદી છે ત્યારે પૈસાના અભાવે કોઈપણ યુવાનનું ઉચ્ચ શિક્ષણનું સ્વપ્ન અધૂરું નહિ રહે એ માટે સરકાર અને સમાજ કટીબદ્ધ બન્યો છે.

તેમણે જણાવ્યુ હતું કે કુલ વસ્તીના ૪૮ ટકા નારી શક્તિના વિકાસ માટે કન્યાકેળવણી મહોત્સવ, નોકરીઓમાં ૩૩ ટકા અનામત સહિત નારી શકિતની ઉજ્જવળ કારકિર્દીના નિર્માણ માટે સરકાર કામ કરી રહી છે.

આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીશ્રી સમાજ સેવા, કન્યા કેળવણી અને આરોગ્ય ક્ષેત્રેના ત્રિવેણી વિકાસને વધુ મહત્વ આપે છે. કન્યા કેળવણી મહોત્સવ થકી તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમાજમાં દીકરીઓની શિક્ષણ પ્રત્યે આહલેજ જગાવી હતી, ત્યારે કડી પણ” સ્ટડી વીથ કડી “ના સૂત્ર સાથે શિક્ષણ ક્ષેત્રે અનેક શહેરો માટે પ્રેરણારૂપ બન્યું છે.

તેમણે સંસ્થાનો પરિચય આપતાં જણાવ્યું હતું કે ૩,૫૫૦ દીકરીઓના અભ્યાસ સાથે રાજ્યના ૨૬ જિલ્લાના ૭૧ તાલુકાના અનેક દીકરીઓ માટે આ સંસ્થા આશીર્વાદરૂપ બની છે.

શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ દ્વારા આયોજિત પંચામૃત માણેક મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા નવીન છાત્રાલયનું ઉદઘાટન,નવીન કોલેજ ભવનનું ખાતમુહૂર્ત, મુખ્ય પ્રવેશ દ્વારનું ઉદઘાટન, સોવેનિયર અંકના વિમોચન સહિત દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીનું  સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

કડીની સંસ્થા ડી.રાજા વિદ્યા સંકુલના ચાર દાયકાની યાત્રાના  આ કાર્યક્રમમાં  જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદ પરમાર,કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, અગ્રણી ગિરીશ રાજગોર,જિલ્લા કલેકટર એમ. નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, એપીએમસી ઊંઝાના ચેરમેન દિનેશ પટેલ,કાંસવાના ભુવાજી રાજાભાઈ,સંસ્થાના સર્વેશ્રી કરશનભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ,મયંક પટેલ,ડી.રાજા ઇન્ડસ્ટ્રીઝના દિલીપભાઈ પટેલ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈબહેનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.