Western Times News

Gujarati News

૯૦થી વધુ ગામોમાં IMAની ગુજરાત બ્રાન્ચ દ્વારા “આઓ ગાઁવ ચલે” અભિયાનનો પ્રારંભ

ગાંધીનગરના સરઢવથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોજેક્ટ રિ-લોન્ચ કર્યો-આરોગ્ય મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સેવા-સુશાસન અને ગરીબ કલ્યાણના નવ વર્ષમાં વિકાસ છેક છેવાડાના ગામો સુધી વિસ્તર્યો છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા રાજ્યના 90થી વધુ ગામોના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટેના “આઓ ગાઁવ ચલે” પ્રોજેક્ટનું ગાંધીનગર જિલ્લાના સરઢવથી રિ-લોન્ચ કરાવ્યું હતું.  મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગરીબ, વંચિત, પીડિત, નાનામાં નાના અને ગ્રામીણ લોકો સુધી અદ્યતન આરોગ્ય સેવાઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષમાં વ્યાપકપણે વિસ્તરી છે.

તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં રાજ્યમાં મેડિકલ એજ્યુકેશનનો પણ જે વ્યાપ વધ્યો છે અને વધુ મેડિકલ કોલેજીસ શરૂ થતાં હવે દર વર્ષે રાજ્યમાં અંદાજે સાત હજાર જેટલા ડૉક્ટર્સ ઉપલબ્ધ થાય છે.

એટલું જ નહીં, ગ્રામ્ય સ્તરે પણ હવે મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલ્સની સુવિધાઓ મળતી થઈ છે અને તેના પરિણામે ગ્રામીણ કક્ષાએ અદ્યતન ઈલાજ સારવાર પણ ઉપલબ્ધ બની રહેશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષમાં વિકાસની રાજનીતિનો લાભ છેવાડાના વંચિત, ગરીબ લોકોને સુપેરે મળતો થયો છે.

વિશ્વની સૌથી મોટી જન આરોગ્ય રક્ષા યોજના ‘આયુષ્યમાન ભારત’નું આરોગ્ય કવચ કરોડો જરૂરતમંદ લોકોને મળતું થયું છે. આ સેવાના મૂળમાં સુશાસન અને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસની ભાવના છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ગ્રામીણ નાગરિકોની આરોગ્ય સુખાકારીની ચિંતા કરીને “આઓ ગાઁવ ચલે” પ્રોજેક્ટ દ્વારા સરકાર સાથે સહયોગ કર્યો છે, તેની સરાહના કરી હતી અને સફળતાની શુભેચ્છાઓ આપી હતી.

આ તકે તેમણે એમ પણ જણાવ્યું કે દેશના ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર સંસદીય મતક્ષેત્રના સાંસદ શ્રી અમિતભાઈ શાહે સરઢવ અને રાંધેજાને આરોગ્ય સહિતની સેવાના કામો માટે પાંચ-પાંચ કરોડ રૂપિયા પણ ફાળવેલા છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા સરઢવ ગામ ખાતે રેવાબાઇ હોસ્પિટલના સાનિધ્યમાં યોજાયેલા “આવો ગાવ ચલે” કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા

ત્યારે તેમણે ગામડાના સર્વાંગી વિકાસ માટે શહેર સમોવડી સુવિધા ગામડામાં ઊભી કરીને ગ્રામજનોના આરોગ્યની ચિંતા, શિક્ષણની ચિંતા તેમજ કન્યા કેળવણીની ચિંતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિકાસ માટે માળખાકીય સુવિધાનું નિર્માણ કરવું જરૂરી છે.

તેમણે ઉમેર્યું હતું કે, આજે મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તેમજ નવી સિવિલ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે.

આ તમામ આરોગ્ય કેન્દ્રો પર ડોક્ટર ઉપલબ્ધ થાય તે માટે રાજ્યના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજની સ્થાપનાના લક્ષ્યાંક સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે પુરુષાર્થ કર્યો છે. જેના કારણે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં આજે પ્રતિ વર્ષ ૬૩૫૦ ડોક્ટર્સ તૈયાર થઈ રહ્યા છે. નજીકના ભવિષ્યમાં નવી મેડિકલ કોલેજોનું નિર્માણ થતા આ આંકડો પ્રતિવર્ષ ૭૦૦૦ પર પહોંચશે. આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આયુષ્માન કાર્ડ અંતર્ગત જે પાંચ લાખ રૂપિયા સુધીની આરોગ્ય સહાય મળતી હતી તેમાં રાજ્ય સરકારે વધારો કરીને દસ લાખ રૂપિયા સુધીની કરી છે.

ગુજરાતમાં શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાની ઉપલબ્ધિને કારણે ગુજરાત મેડિકલ ટુરીઝમ ક્ષેત્રે પણ અગ્રેસર છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. આ તકે આરોગ્ય મંત્રીશ્રીએ નોન કોમ્યુનિકેબલ ડિસિઝ માટે લોકજાગૃતિ માટેના રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસોની પણ માહિતી આપી હતી.

આ અભિયાનમાં સમાજને ઋણ ચુકવવાનો ભાવ રહ્યો છે. આઇ.એમ.એના પૂર્વ પ્રમુખ શ્રી ર્ડા. કેતન દેસાઇએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજી કહેતા હતા કે, દેશનો આત્મા ગામડામાં છે. ગામડાઓના કલ્યાણ વગર દેશનું કલ્યાણ કરવાની કલ્પના મુશ્કેલ છે.

તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ – ૧૯૯૬ સુઘી શહેરી કક્ષાએ ૭૦ ટકા આરોગ્યની સેવા મળી રહી છે. ૩૦ ટકા જ આરોગ્ય સેવા ગ્રામ્ય કક્ષાએ મળે છે. ર્ડાકટરો ગામડે જતાં નથી અને ૯૦ ટકા જેટલી મેડિકલ કોલેજો શહેરોમાં હતી.

આ વાતને લક્ષમાં રાખીને ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સેવા વઘુ સુર્દઢ બનાવવા માટે મેડિકલ કાઉન્સિલ દ્વારા મેડિકલ કોલેજની મંજૂરી માટેના નિયમોમાં ફેરફાર લાવવામાં આવ્યો હતો.

એ નિયમોને કારણે આજે દેશમાં ૩૦૦ જેટલી મેડિકલ કોલેજ નાના શહેરો કે ગામડાઓમાં કાર્યરત છે. આરોગ્ય સેવાને વઘુ સરળ બનાવવા માટે ર્ડાકટરો મુખ્ય છે.

ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સેવા સરળતાથી આપી શકાય તેવા ઉમદા ભાવથી મેડિકલ એસોશિએશન દ્વારા આ ઉમદા ’ ચલો ગાવ ચલે’ કાર્યક્રમ અમલી બનાવવામાં આવ્યો છે.

ઇન્ડિયન મેડિકલ એસોશિએશનના મંત્રી શ્રી ર્ડા. અનિલ નાયકે જણાવ્યું હતું કે, એસોશિએશનમાં સમગ્ર દેશના ૪ લાખ ૫૦ હજાર કરતા વઘુ ર્ડાકટરો સભ્ય છે. તેમજ દેશના ૩૩ રાજયમાં ૧૭૦૦ સ્થળો ખાતે એસોશિએશન કાર્યરત છે.

ગામડામાં ર્ડાકટર જતાં નથી, તેવી ફરિયાદના ઉમદા નિરાકણના ભાગરૂપે એસોશિએશન દ્વારા ’ ચલો ગાવ ચલે ’ કાર્યક્રમ અમલી બનાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમ થકી ૧૭૦૦ શાખાઓ દ્વારા ગામોને દત્તક લેવામાં આવશે. જેના દ્વારા ગામડાઓમાં મેડિકલ સુવિઘા પૂરી પાડવાનો નિર્ઘાર કરવામાં આવ્યો છે. આ અભિયાન થકી ગ્રામજનો અને તબીબીના સંબંઘો બંઘાશે.

આ કાર્યક્રમ થકી વેક્સિનેશન અંગેની જાગૃત્તિ લાવવા સાથે સાથે તંદુરસ્ત આરોગ્ય અંગે પણ લોકોને જાગૃત્ત કરવામાં આવશે. તેમણે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રની સેવામાં ગુજરાત દેશમાં અગ્રેસર છે. તેમજ મેડિકલ ટુરિઝમમાં ગુજરાત દેશનું હબ બની રહ્યું છે. આરોગ્ય ક્ષેત્રમાં ગુજરાત દેશનું મોડલ સ્ટેટ ગણાય છે.

આ પ્રસંગે ટી.બીના દર્દીઓને મહાનુભાવોના હસ્તે કિટ વિતરણ અને દીકરીઓને સેનેટરી નેપકિનનું વિતરણ કરાયું હતું.

કાર્યક્રમના અંતે આભારવિઘી ર્ડા. બિપીન પટેલ દ્વારા કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિલીપ પટેલ, ગાંધીનગર(ઉ)ના ઘારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, મહાનગરપાલિકાના સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન શ્રી જસવંતભાઇ પટેલ, સરઢવ ગામના સરપંચ શ્રી કિરીટભાઇ પટેલ, રેવાભાઇ હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી ર્ડા. કે.ટી.પટેલ, ર્ડા. કે.કે.પટેલ, આઇ.એમ.એ.ગુજરાત રાજયના પ્રમુખ શ્રી ર્ડા. મહાવીરસિંહ, જાણીતા ઉઘોગપતિ ગિરીશ પટેલ, ઉઘોગ અને ખાણ વિભાગના કમિશનર શ્રી ર્ડા. ઘવલ પટેલ સહિત આસપાસના ગામના સરપંચશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.