Western Times News

Gujarati News

દહેજની કંપનીમાં આવેલા રિએક્ટરની અંદર પડી જતાં કામદારનું મોત

દહેજની કંપનીમાં કામદારના મોત બાદ કંપની સત્તાધીશો અને પોલીસ દોડતી થઈ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં અકસ્માતો અટકવાનું નામ લેતા નથી ત્યારે દહેજની નવીન ફ્લોરિન કંપનીમાં રવિવારની વહેલી સવારે એક કામદારનું મોત નીપજતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દહેજમાં ધમધમતા ઉદ્યોગો માં નાના મોટા અકસ્માત રોજે રોજ બનતા હોય છે.

ત્યારે રવિવારની વહેલી સવારે નવીન ફ્લોરિન કંપનીના પહેલા માળે આવેલ સ્ઁઁ૧ પ્લાન્ટમાં રિએક્ટર માંથી સળિયા કાઢવાનું કામ ૨૫ વર્ષીય રાજ કિશોર પ્રજાપતિ કરી રહ્યો હતો.અચાનક અસંતુલિત થતા રિએક્ટરની અંદર પડી જતા અન્ય કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી.

ધટનાની જાણ થતાં જ અન્ય કામદારોએ તેને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું. જેના કારણે પરિવાર સહિત અન્ય કામદારોમાં રોષ જાેવા મળ્યો હતો અને ધટનાના પગલે દહેજ પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવવા સાથે કંપની સત્તાધીશો પણ દોડી આવ્યા હતા.

કામદારના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પોસ્ટમોર્ટમ કરી પરિવારને સોંપવા આવ્યો હતો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. કામદારના મોતને પગલે પરિવારજનોએ વળતરની માંગ કરી હતી.ત્યારે હવે જાેવું એ રહ્યું કે કંપની સત્તાધીશો અને જે એજન્સીનો કોન્ટ્રાક્ટ ચાલે છે તેના સંચાલકો દ્વારા આ પરિવારને કેટલું વળતર અને ક્યારે ચૂકવે છે તે સવાલો ઉભા થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લાની ઔદ્યોગિક વસાહતો સ્થાનિક રહીશો અને કામદારો માટે જાેખમી સાબિત થઈ રહી છે. તો કંપનીમાં બનતા અકસ્માતોમાં પણ કંપની અધિકારીઓ દ્વારા તંત્ર કે પોલીસને પણ સાચી માહિતી આપવામાં આવતી નથી અને કામદારોને જે તે એજન્સીના કોન્ટ્રાકટરો દ્વારા સેફ્ટીના કોઈ સાધનો આપવામાં આવતા નથી.

તો બીજી તરફ જીપીસીબી, ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ વિભાગ સહિત અન્ય વિભાગો દ્વારા પણ તટસ્થ તપાસ ન થતા કામદારો સાથે અન્યાય થતો હોય તેવા પણ આક્ષેપો થતા હોય છે. ત્યારે કંપનીઓમાં બનતા બનાવોને પગલે તમામ વિભાગો સહિત પોલીસ તંત્રએ તટસ્થ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. નહિતર નિર્દોષ કામદારો આ રીતે જ પોતાનો જીવ ગુમાવતા રહેશે તે નક્કી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.