Western Times News

Gujarati News

“કુટુંબ નિયોજનને સુખનો વિકલ્પ બનાવીશુ” ના નારા સાથે રેલી યોજાઈ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) કોઈપણ દેશની વસ્તી સામાન્યરૂપે તે દેશ માટે હ્યુમન રિસોર્સ હોય છે.પરંતુ એના માટે પણ મર્યાદિત સંખ્યા આંકવામાં આવતી હોય છે. જ્યારે વધતી વસ્તી તેની હદને પાર કરે ત્યારે તે દેશમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓનું સર્જન થાય છે.તેમજ દેશનો વિકાસ પણ અવરોધાય છે.ત્યારે વધતી જતી જનસંખ્યાને કાબૂમાં લાવવા માટે વિશ્વભરમાં જાગૃતિ માટે આજ રોજ વિશ્વ જનસંખ્યા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

‘કુટુંબ નિયોજન’ની મદદથી વસ્તીને કાબુમાં લાવી માતા અને બાળ મૃત્યુદર, કુપોષણ, એનેમીયા સામે લડી સુખી કુંટુંબની વિભાવના સાર્થક કરી શકાય છે.એક અથવા બે બાળકોને કારણે બાળકનો સર્વાંગી વિકાસ, તેની સારસંભાળ સાથે પુરતુ અને યોગ્ય શિક્ષણ આપી શકાય છે.શારીરિક અને માનસિક વિકાસ સુદ્રઢ બને છે.વધુમાં કુટુંબની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે.એટલે જ ‘કુટુંબ નિયોજનનો સંકલ્પ’. એટલે જ પ્રચલિત બન્યો છે.

કુટુંબ નિયોજન માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં છે.દંપતીઓની કુટુંબ કલ્યાણની કાયમી અને બિન કાયમી પધ્ધતિઓ જેવી કે, પુરૂષ નસબંધી, સ્ત્રી નસબંધી, કોપર-ટી(પીપીઆઇયુસીડી),ગર્ભનિરોધક ગોળીઓ, ઇમરજન્સી પીલ, છાયા,અંતરા, નિરોધ વગેરે દ્વારા અનિચ્છનીય ગર્ભાધારણ રોકી ‘નાનું કુટુંબ-સુખી કુટુંબ’ના લક્ષ્યને સાધી શકાય છે.

પુરુષ નસબંધીમાં લાભાર્થીની રૂ.૨૦૦૦ની સહાય જ્યારે પ્રસુતીબાદ ૭ દિવસમાં જ કાયમી નસબંધી કરતી સ્ત્રીને રૂ.૨૨૦૦ અને પોતાના અનુકુળતા મુજબ નસબંધી કરાવતી સ્ત્રીને રૂ.૧૪૦૦ની સહાય મળે છે.

કુટુંબ નિયોજનની કોઈપણ સેવાના લાભ કે વધુ જાણકારી માટે આશાબહેન,આંગણવાડી વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલ, તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરી યોજનાનો લાભ લઈ શકાય છે અને દેશની વસ્તીને નિયંત્રીત કરવા આજના દીને સંક્લ્પ લઈએ ‘કુટુંબ નિયોજનને સુખનો વિકલ્પ બનાવીશુ’.

૧૧ જુલાઈ, ૧૯૮૭ ના રોજ વિશ્વની વસ્તી ૫ અબજ સુધી પહોંચી ગઈ હતી. આવી સ્થિતિમાં યુનાઈટેડ નેશન્સે વધતી વસ્તીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.આ પછી ૧૧ જુલાઈ ૧૯૮૯ ના રોજ,સંયુક્ત રાષ્ટ્રમાં વસ્તી નિયંત્રણ અને લોકોને કુટુંબ નિયોજન વિશે જાગૃત કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સાથે પ્રથમ વખત વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસને ‘વિશ્વ વસ્તી દિવસ’ તરીકે નક્કી કરવાનો ર્નિણય કર્યો. તેને વર્ષ ૧૯૯૦માં સત્તાવાર બનાવવામાં આવ્યું હતું. ત્યારથી, વિશ્વ વસ્તી દિવસ દર વર્ષે ૧૧ મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે.

સતત દોડતી દુનિયામાં વધતી વસ્તીને કારણે લાખો લોકો ખોરાક, પીવાનું શુદ્ધ પાણી, રહેઠાણ અને શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે.બેરોજગારી,ભૂખમરો, ગરીબીની સાથે કેટલાય લોકો પ્રદૂષણને કારણે થતા રોગોથી પીડાઈ રહ્યા છે.

આ તમામ સમસ્યાઓનું મૂળ વધતી જતી વસ્તી છે.ત્યારે કોઈ પણ દેશના વિકાસમાં અવરોધ સમી વધતી જતી વસ્તી માટે જવાબદાર બની લોકોને જાગૃત કરવાના ઉદ્દેશથી દર વર્ષે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.